World

પાકિસ્તાન વિરુદ્ધ બલુચિસ્તાન ભડક્યું, મહિલાઓ પણ રસ્તા પર ઉતરી

પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા વિરોધ કરી રહેલા બલૂચ નાગરિકો પર ગોળીબાર અને હત્યાના બનાવને લઈને આખું બલૂચિસ્તાન ઉકળી રહ્યું છે. પાકિસ્તાન વિરુદ્ધ બલૂચ મહિલાઓ પણ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવી છે. બલૂચોએ ક્વેટા અને તુર્બતમાં વિશાળ રેલીઓ કાઢી અને પાકિસ્તાની સુરક્ષા દળો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પાકિસ્તાને અનેક બલૂચ નેતાઓની ધરપકડ કરી છે. પ્રદર્શનકારીઓ આ બધા લોકોની મુક્તિની પણ માંગ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ક્વેટામાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર અને હિંસાના વિરોધમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકોએ રેલી કાઢી અને પ્રદર્શન કર્યું. આમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે શહેરના તમામ વ્યાપારિક કેન્દ્રો બંધ રહ્યા હતા.

પાકિસ્તાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ક્વેટામાં માર્યા ગયેલા યુવક હબીબુલ્લાહ સમલાનીના અંતિમ સંસ્કાર માટે પુરુષો અને સ્ત્રીઓનું મોટુ ટોળુ એકઠુ થયુ હતું. લોકોએ પાકિસ્તાન પર યુવકની હત્યાનો આરોપ લગાવીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

વિરોધ પ્રદર્શનમાં સામેલ બલૂચ નેતાઓ ડૉ. મહેરંગ બલોચ, બેબીગર બલોચ સહિત ઘણા નેતાઓની પાકિસ્તાન પોલીસે ધરપકડ કરી છે. બલૂચ નાગરિકો આ તમામ ધરપકડ કરાયેલા સાથીઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે. અન્યથા આખા બલુચિસ્તાનને અનિશ્ચિત સમય માટે સીલ કરી દેવાની ચિમકી આપવામાં આવી છે જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય અને પાકિસ્તાન સરકારની રહેશે, એમ પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું. બલોચ સોલિડેરિટી કમિટીના વિરોધીઓ પર ગોળીબાર અને ધરપકડના વિરોધમાં તુર્બતમાં વિરોધ રેલી અને પ્રદર્શન, વિરોધમાં વ્યાપાર કેન્દ્ર અને હાઇવે બંધ. દરમિયાન, ક્વેટામાં, પોલીસે ફરી એકવાર વિરોધીઓને વિખેરવાના પ્રયાસમાં બળનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી.

Most Popular

To Top