Business

પાકિસ્તાન ફસાયું, ભારતના હુમલા બાદ બલુચ લિબરેશન આર્મીના 39 ઠેકાણે એટેક

પાકિસ્તાને પોતાના પર જે મુશ્કેલી લાવી છે તે હવે તેના માટે બોજ બની રહી છે. એક તરફ પાકિસ્તાન સતત ભારતીય સરહદ પર ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ ભારતીય સેના તેને એવો યોગ્ય જવાબ આપી રહી છે કે તેની હાલત વધુ ખરાબ થઈ રહી છે.

હવે પાકિસ્તાન બીજા મોરચે પણ ફસાઈ ગયું છે. બલુચિસ્તાનની બલુચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેના સામેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે. બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તા ઝિયાંદ બલોચ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર BLA એ બલૂચિસ્તાનમાં 39 અલગ અલગ સ્થળોએ હુમલો કર્યો છે.

BLA કહે છે કે અમારું ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ ઓપરેશન દરમિયાન મુખ્ય રાજમાર્ગોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે સાથે જ પાકિસ્તાની પોલીસ સ્ટેશનો, પાકિસ્તાની સેના અને તેમના હથિયારો કબજે કરવામાં આવી રહ્યા છે.

BLA એ પોતાના નિવેદનમાં લખ્યું છે કે, અમે પાકિસ્તાની પોલીસ ચોકીઓ, મુખ્ય રાજમાર્ગો, સૈન્ય જાસૂસો, પાકિસ્તાની સૈન્યના શસ્ત્રો અને તેમના કાફલાઓને નિશાન બનાવ્યા છે. અમારું ઓપરેશન ચાલુ છે અને વિગતવાર માહિતી આગળ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે એક તરફ પાકિસ્તાની સેના ભારત સાથે લડવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ તેને બલૂચ લિબરેશન આર્મીના હાથે પોતાના જ દેશમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસ (7-9 મે) દરમિયાન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં અનેક ઘાતક હુમલાઓ કર્યા છે, જેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું છે.

ગઈ તા. 7 મેના રોજ BLA એ બોલાનના માચ-કછી જિલ્લામાં સેનાના કાફલા પર રિમોટ-કંટ્રોલ્ડ IED હુમલો કર્યો, જેમાં સ્પેશિયલ ઓપરેશન કમાન્ડર તારિક ઇમરાન અને સુબેદાર ઉમર ફારૂક સહિત 12 સૈનિકોના મોતનો દાવો કરવામાં આવ્યો. તે જ દિવસે કેચના કુલાગ ટિગ્રાન વિસ્તારમાં સેનાના બોમ્બ ડિસ્પોઝલ યુનિટ પર થયેલા હુમલામાં બે સૈનિકો અને એક બોમ્બ નિષ્ણાત માર્યા ગયા હતા.

BLA એ આ હુમલાઓને પાકિસ્તાની સેનાની “દમનકારી નીતિઓ” સામે બદલો ગણાવ્યા છે. એટલું જ નહીં તા. 8 મેના રોજ BLA એ ક્વેટામાં પણ છ હુમલા કર્યા, જેમાં લશ્કરી ઠેકાણાઓ અને સુરક્ષા ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલાઓમાં ઘણા સૈનિકોના જાનહાનિ થયાના અહેવાલ છે. BLA એ દાવો કર્યો હતો કે આ કાર્યવાહી બલૂચ લોકો પર થઈ રહેલા અત્યાચારનો બદલો હતો.

Most Popular

To Top