રાજપીપળા: (Rajpipla) નર્મદા ધારીખેડા સુગર ચૂંટણી મામલે સુગરના સભાસદ કલ્પેશ દેસાઈએ 74(C) બાબતે હાઈકોર્ટમાં (High Court) પિટિશન દાખલ કરી હતી. જે-તે સુગર ફેક્ટરી પોતે જ ચૂંટણી કરશે એના વિરોધમાં તથા ઝોન વાઇઝ ચૂંટણી એટલે કે એક વ્યક્તિ એક મત મામલે કલ્પેશ દેસાઈએ હાઈકોર્ટેમાં પિટિશન દાખલ કરી હતી.નર્મદા ધારીખેડા સુગરનો મામલો એક તરફ હાઈકોર્ટમાં હતો. તો બીજી તરફ નર્મદા (Narmada) ધારીખેડા સુગર ચૂંટણીનું (Election) જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. એ દરમિયાન હાઈકોર્ટે એવો હુકમ કર્યો હતો કે તમે ચૂંટણી ભલે કરો પણ જ્યાં સુધી હાઈકોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી મતગણતરી ન કરવી.
નર્મદા ધારીખેડા સુગરની તા.26/10/2020ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જો કે, હાઈકોર્ટના હુકમને પગલે છેલ્લા 3 મહિનાથી મતગણતરી અટવાઈ પડી છે. રાજપીપળા સરકારી હાઈસ્કૂલના એક રૂમમાં મતગણતરીની 25 પેટીને બંને પક્ષના સાક્ષીઓની સહીથી સીલ મારી ત્યાં પોલીસ બંદોબસ્ત મુકાયો છે. આ તમામની વચ્ચે નર્મદા ધારીખેડા સુગરની મત ગણતરી મુદ્દે બંને પક્ષોએ સમજૂતી કરી હાઈકોર્ટમાં એવી એફિડેવિટ કરી છે કે પિટિશન મુદ્દે જ્યારે ચુકાદો આવશે અને જે ચુકાદો આવશે એ અમને માન્ય છે. પણ સભાસદોના હિતને ધ્યાનમાં રાખી એક વાર અટવાઈ પડેલી મત ગણતરી થઈ જવી જોઈએ. જો કે, હાઈકોર્ટે એમની આ એફિડેવિટને માન્ય રાખી નથી અને કહ્યું છે કે, હાઈકોર્ટના ચુકાદાની રાહ જુઓ. તો હવે ફરીથી મત ગણતરીની આશા પર પાણી ફરી વળ્યું છે.
સામે વાળા પક્ષના વકીલે વાંધો લીધો એટલે હાઈકોર્ટે એફિડેવિટ ફગાવી: નરેન્દ્ર પટેલ
ધારીખેડા સુગરના ઈનચાર્જ MD નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુગર ફેક્ટરી વિરુદ્ધ પિટિશન કરનારા વકીલે હાઈકોર્ટમાં વાંધો લીધો એટલે હાઈકોર્ટે એફિડેવિટ ફગાવી છે. ત્યારે સમજુતીથી એફિડેવિટનો કોઈ મતલબ રહેતો નથી. મત ગણતરીની પેટીઓ સાચવવાનો રોજનો 8થી 10 હજાર રૂપિયાનો ખર્ચ સુગરે ભોગવવો પડે છે.
સુગરના વકીલે એફિડેવિટ થોડીક ખોટી કરી એટલે અમારા વકીલે વાંધો લીધો: કલ્પેશ દેસાઈ
હાઈકોર્ટમાં પિટિશન કરનારા કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, નર્મદા ધારીખેડા સુગરના વકીલે એફિડેવિટ થોડીક ખોટી તૈયાર કરી હતી. એટલે અગાઉ મેં જે પિટિશન કરી હતી એને એ એફિડેવિટથી નુકસાન થવાની મારા વકીલને સંભાવના લાગી હોવી જોઈએ એટલે વાંધો લીધો હશે. બાકી મત ગણતરી ન કરવા દેવાનો અમારો કોઈ ઈરાદો ન હતો.