Business

90 વર્ષથી ભગવાનના વસ્ત્રો અને શૃંગાર માટે સુરતીઓની પહેલી પસંદ છે બાલકૃષ્ણ શૃંગાર સેન્ટર

શહેરના ઘણાખરા લોકો પોતાના ઘરમાં સ્થાપિત દેવસ્થાનમાં દેવી-દેવતાના વસ્ત્રો, શૃંગારની વસ્તુઓ ચૌટા બજાર, મોટા મંદિર પાસેની બાલકૃષ્ણ શૃંગાર સેન્ટરમાંથી લેવાનું પસંદ કરે છે. ધાર્મિક ઉત્સવો હોય જેમકે, જન્માષ્ટમી કે ગણેશ ઉત્સવ કે નવરાત્રી ત્યારે ભગવાનના વાઘા તેમના શૃંગાર માટેના ઘરેણાં, ભગવાનનું અત્તર માટે પણ લોકો આ દુકાન પર પહેલી પસંદ ઉતારે છે. 90 વર્ષ પહેલા એક નાનું ટેબલ ગોઠવી આ વસ્તુઓનું વેચાણ રાધાકૃષ્ણજી અત્તરવાલાએ શરૂ કર્યું હતું. ત્યારે તો દુકાનને કોઈ નામ નહીં આપવામાં આવ્યું હતું. પછીથી વિઠ્ઠલદાસ આર. અત્તરવાલા નામ અપાયું હતું. બાદમાં ફરી પેઢીનું નામ બદલી બાલકૃષ્ણ શૃંગાર સેન્ટર કરાયું હતું. આ પેઢીના સ્થાપક ભગવાનના વસ્ત્રો, ઓર્નામેન્ટ્સ, મુગટ, હાર અને અન્ય વસ્તુઓ મથુરા, વૃંદાવન, બનારસથી લાવતાં હતા. અને હજી પણ શૃંગારની વસ્તુઓ ત્યાં થી જ ટ્રાન્સપોર્ટમાં લાવવામાં આવે છે. લોકો બીજી અનેક આવી વસ્તુઓ વેચતી દુકાનો હોવા છતાં આ પેઢી પર જ ગળા સુધીનો વિશ્વાસ રાખે છે તો શા માટે? આ પેઢીનાં વારસદારો ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ આ ધંધાને વળગી રહ્યાા છે તો કેમ? તે આપણે જાણીએ.

જો હું ડૉકટર બન્યો હોત તો આ પેઢીનું અસ્તિત્વ નહીં રહ્યું હોત: નવનીતલાલ અત્તરવાલા
ત્રીજી પેઢીનાં સંચાલક નવનીતલાલ અત્તરવાલાએ જણાવ્યું કે મારું સ્વપ્ન ડૉકટર બનવાનું હતું. મને નેશનલ મેરીટ સ્કોલરશીપ મળી હતી. મેં પ્રિ-મેડિકલનું ફર્સ્ટ ઈયર રાજસ્થાનમાં કર્યું હતું. જોકે, હું ડૉકટર નહીં બની શક્યો. જો હું ડૉકટર બન્યો હોત તો અમારો આ બાપ-દાદાના સમયનો ધંધો બંધ થઈ ગયો હોત. પહેલા સોંઘવારી હતી સોનુ પણ સસ્તું મળતું એટલે અમને ભાડાની આવક થતી તો અમે દર મહિને તેમાંથી પા તોલું સોનુ લેતા. એનો મતલબ એ જ કે રીતિનીતિથી રહેવું. આજે પણ અમે કેટલાક ગ્રાહકો પહેલા માલ લઈ જાય અને પછીથી પૈસા ચૂકવે તો પણ અમે તે ચલાવી લઈએ છીએ.

મને PGDRMનો કોર્સ બિઝનેસ વધારવામાં મદદ કરી રહ્યો છે: બાલકૃષ્ણ અત્તરવાલા
ચોથી પેઢીનાં સંચાલક બાલકૃષ્ણ અત્તરવાલાએ જણાવ્યું કે મેં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન રિટેલ મેનેજમેન્ટનો કોર્સ કરેલો છે જે મને બિઝનેસ ડેવલપ કરવામાં મદદરૂપ થઇ રહ્યો છે. હું જોબવર્કથી ભગવાનના વાઘા તૈયાર કરાવી મથુરા, વૃંદાવન, શ્રીનાથજી, અમદાવાદ, રાજકોટ, વડોદરા, ઈન્દોર, કોલકત્તા, મુંબઈ, પુણે, નાસિક, નાગપુર મોકલું છે. હું અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી બિઝનેસની ક્ષિતિજો વિસ્તારવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. વોટ્સએપના માધ્યમથી ગ્રાહકોને ઘર બેઠા વસ્તુઓ બતાવી તેમને ઘર બેઠા ડિલિવરી મળી રહે તેવી યોજના વિચારણાધિન છે.

જન્માષ્ટમી, દિવાળી, ગણેશ ચતુર્થી સહિતના ધાર્મિક તહેવારોમાં ઘરાકી વધી જાય છે
બાલકૃષ્ણભાઈએ જણાવ્યું કે, જન્માષ્ટમી, દિવાળી, ગણેશ ચતુર્થી અને અન્ય તહેવારોમાં ઘરાકી વધી જાય છે. માટી અને મેટલની મૂર્તિ, મુગટ, હાર, તોરણ, હાથના કડા, કાનના કુંડળ, ટીકો, નથ, બાજુબંધ, વસ્ત્રોની ખરીદી થાય છે. સુરતના સાંસદ દર્શનાબેન જરદોષ, નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સ્વ. કાશીરામ રાણા અમારા ગ્રાહક રહ્યા છે. મંદિરોમાં રામજી મંદિર બાલાજી રોડ, ગાયત્રી મંદિર બાલાજી રોડ, અંબિકાનિકેતન મંદિર અઠવાલાઇન્સમાં અમારી વસ્તુઓ જાય છે.

ગણેશ રુદ્રાક્ષ વિધાર્થીઓ વધારે લઈ જાય છે
નવનીતભાઈએ જણાવ્યું કે, ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે એટલે ગણેશ રુદ્રાક્ષ કોઈ પણ પરીક્ષામાં ભાગ લઈ રહેલા વિધાર્થીઓ માટે અત્યંત લાભદાયક છે. તેને ધારણ કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે યાદશક્તિ વધે છે. 12માં ધોરણના વિદ્યાર્થીઓ, U.P.S.C., G.P.S.c.ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ગણેશ રુદ્રાક્ષ વધારે લઈ જાય છે. રુદ્રાક્ષ નેપાળથી બનારસ આવે અને ત્યાંથી સુરત આવે છે. મારી પાસે 50 હજારની કિંમતના રુદ્રાક્ષના મણકા પણ છે.

કડવો અનુભવ
બાલકૃષ્ણભાઈએ જણાવ્યું કે, વર્ષો પહેલા એક ગ્રાહક 50 હજાર રૂપિયાની કિંમતની મૂર્તિઓ ખોટા ચેક આપીને લઈ ગયા હતા. આ ભાઈને અમે શોધવાનો કોશિશ કરી હતી પણ તે મળ્યા નહીં આ એક કડવો અનુભવ અમને થયો હતો.

વિઠ્ઠલદાસ અત્તરવાલાના સમયમાં ગ્રાહકો પહેલા માલ લઈ જતા અને સગવડે પૈસા ચૂકવતા
રાધાકૃષ્ણજી અત્તરવાલાના પુત્ર વિઠ્ઠલદાસ માત્ર ચોથા ધોરણ સુધી જ ભણ્યા હતા. સ્કૂલમાં ટીચર સાથે ઝઘડો થતા ભણવાનું છોડી 12 વર્ષની ઉંમરે દુકાનમાં બેસવાનું શરૂ કર્યું હતું. તેઓએ ચૂંદડી, માતાજીના વસ્ત્રો, રામદરબરના વસ્ત્રો, રાધા-કૃષ્ણના વસ્ત્રો, મુગટ, તાંબા અને પંચધાતુના છત્ર, ત્રિશૂળનું વેચાણ શરૂ કર્યું હતું. તેમના સમયમાં એવા પણ ગ્રાહકો હતા જે પહેલા વસ્તુઓ લઈ જતા અને પછીથી તેમની સગવડ થતા પૈસા ચૂકવી જતા. દિવાળી સુધી તેઓ ગ્રાહકોને પૈસા ચૂકતા કરવા બાબતે કંઈપણ કહેતા નહીં.

ભગવાન માટેના વિવિધ અત્તર કનોજથી આવે છે
નવનીતભાઈએ જણાવ્યું કે સુરતમાં મોટાભાગનું અત્તર કનોજથી આવે છે. ગુલાબ, હીના, મોગરો, ખસ, રાતરાણી, બકુલ, સોંધો, કેસર-ચંદન, ગુલાબ-ચંદન, સદાબહાર, નાગચંપો આ અત્તર કનોજથી મંગાવીએ છીએ. શિયાળામાં હીના, કેસર-કસ્તુરી જ્યારે ઉનાળામાં ખસ અને ગુલાબ તથા 12 મહિના ગુલાબ, સોંધો, મોગરો અત્તરનું ચલણ રહે છે.

N.R.I. ની ઘરાકી ચાર મહિના રહે, આમાંના કેટલાક પછીથી પૈસા આપે છે
બાલકૃષ્ણભાઈએ જણાવ્યું કે, સુરતના વિવિધ દેશોમાં વસેલા N.R.I. ની ઘરાકી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીની રહે. તેઓ મોટાભાગે વેડિંગ સંબંધિત વસ્તુઓ લઈ જાય છે. મહેમાનોને રિટર્ન ગિફ્ટ આપવા માટે મૂર્તિઓ લઈ જાય છે. આ ઉપરાંત સુપડા, મીંઢળ, કાંકણ ચુડા લઈ જાય છે. તેઓ પોતે નહીં આવી શકે તો સુરતમાં રહેતા તેમના રિલેટવ્ઝ આ વસ્તુઓ લઈ જાય છે અથવા અમે પાર્સલ મોકલી આપીએ છીએ.

ચંપકભાઈ ભીમપોરથી 40 વર્ષથી અહીં ખરીદી માટે આવે છે
70 વર્ષના ચંપકભાઈ ભીમપોરથી અહીં આ દુકાનમાં ખીરીદી કરવા 40 વર્ષથી આવે છે. પહેલા તેઓ અહીં સુધી બસમાં આવતા હતા. તેમણે જણાવ્યું કે હું મહિને-બે મહિને અહીંથી માતાજીની ચૂંદડી, જન્માષ્ટમીમાં ભગવાનના વાઘા અને શૃંગાર, હિંડોળા, મુગટ અને બીજી પૂજાને લગતી વસ્તુઓ લેવા આવું છું.

સ્થાપક રાધાકૃષ્ણજી વિવિધ મંદિરોમાં અત્તર અને શૃંગાર વેચતા
આ પેઢીની સ્થાપના કરનાર રાધાકૃષ્ણજી અત્તરવાલા રાજસ્થાનના શ્રીનાથજી નાથદ્વારાથી સુરતમાં 1933 પહેલા આવ્યા હતા. તેઓ આખા ભારતમાં વૈષ્ણ મંદિરોમાં ભગવાનનું અત્તર અને શૃંગાર વેચવા જતા હતાં. આમ ફેરી ફરતા ફરતા તેઓ સુરત આવ્યા હતા. અહીં મોટામંદિરની ઘરમશાળામાં રહેતા હતા. મંદિરના મહારાજને વિનંતી કરી ઓટલાની જગ્યા મેળવી અત્તર, કંઠીમાળા, ભગવાનના નેત્ર, ગુંજામાળા, કમળમાળા અન્ય શૃંગારની વસ્તુઓ વેચતા હતા. તેમના સમયમાં ગોપીપુરા, હરિપુરા, બેગમપુરા, સગરામપુરા, સલાબતપુરા, વ્યારા, સોનગઢ, પલસાણા, ભરૂચ, અંકલેશ્વર અને અન્ય નાના-નાના ગામોથી લોકો આ વસ્તુઓ ખરીદવા આવતા હતા. પહેલા તેમની સરનેમ ઉપાધ્યાય હતી પણ અત્તર વેચતા હોવાથી સરનેમ અત્તરવાલા થઈ.

Most Popular

To Top