આણંદ : બાલાસિનોરના સોની બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી એક જ રાતમાં રૂ.7.35 લાખના દાગીના ચોરી કરી નાસી ગયાં હતાં. વ્હેલી સવારે આ બનાવની જાણ થતાં વેપારી ચોંકી ગયાં હતાં. જ્યારે આ ઘટનાના પગલે સોની બજારના વેપારીઓમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ હતી. બાલાસિનોરના જૈન દેરાસર પાસે રહેતા રાજ વિકાશકુમાર શાહની સોની બજારમાં રાજ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. તેઓ દુકાનમાં સોના ચાંદીના ઘરેણાની લે – વેચનો વેપાર કરે છે. દરમિયાનમાં 7મી જુલાઇના રોજ રાજ શાહ નિયત સમયે દુકાન બંધ કરી ઘરે ગયાં હતાં.
દરમિયાનમાં સવારે ચોરી થયાના ખબર મળ્યાં હતાં. આથી, રાજ શાહ તુરંત દુકાને પહોંચ્યાં હતાં. આ સમયે દુકાનની પાછળ આવેલા દરવાજા આગળ જતાં જોયું તો દુકાનના પાછળના ભાગે પીપળા ખડકી તરફ આવેલા પાંચેય દરવાજાને લગાવેલ તાળા તથા નકુચા તથા ઇન્ટરલોક, ઉલાળો તુટેલો જણાયો હતો. આ ઉપરાંત દરવાજા ખુલ્લી હાલતમાં હતાં. જેથી તુટેલા ખુલ્લા દરવાજામાંથી દુકાનમાં જઇ જોતા લોખંડના કબાટ જોતાં જે કબાટ નીચેના ભાગેથી ઉપર તરફ વળેલું હતું અને કબાટમાં મુકેલા ચાંદીના દાગીની ચોરી થઇ હતી.
આથી, તેઓ તુરંત બાજુમાં તેમના પિતાની ભાવિક જ્વેલર્સ નામની દુકાનમાં જઇ તપાસ કરતાં દુકાનનો સરસામાન વેરણ છેરણ પડેલ હતો. ચાંદીના દાગીના ગાયબ હતાં. આમ કુલ 21 કિલોગ્રામના ચાંદીના દાગીના કિંમત રૂ.7.35 લાખની ચોરી થઇ હતી. આ અંગે બાલાસિનોર પોલીસે અજાણ્યા શકસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને કેટલાક સીસીટીવી ફુટેજ મળ્યાં છે. જે ફુટેજ આધારે પગેરૂ દબાવ્યું છે.
તસ્કરોએ જીઆઈડીમાં પણ ચોરી કરી
બાલાસિનોરને ઘમરોળનારા તસ્કરોએ જીઆઈડીસી વિસ્તારને પણ બાકાત રાખ્યું નહતું. આ શખસોએ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ધીરજકુમાર પ્રજાપતિના ગોડાઉનની તિજોરીમાંથી રૂ.20 હજાર રોકડ ચોરી કરી હતી. તેવી જ રીતે સમીર અબ્દુલ શેખના ગોડાઉનમાં મુકેલા બે ટેમ્પાની ચાર બેટરી કિંમત રૂ. ચાર હજાર અને જાહીદઅલી મહંમદઅલી સૈયદનો ગોડાઉનમાંથી સાડા સાત સો કિલો ભંગાર કિંમત રૂ.41 હજારની ચોરી કરી હતી.