એક પતિ પત્ની હતાં. પ્રેમભર્યું અને ખુશહાલ જીવન જીવી રહ્યાં હતાં.રોજ સાંજે પતિ થાકી હારીને ઘરે આવે, પત્ની હસીને દરવાજો ખોલે અને ગરમાગરમ ચા બને, સાથે બેસીને પીએ અને પતિનો અડધો થાક તો ત્યાં જ ઊતરી જાય.પછી બાળકો પપ્પાને વ્હાલ કરે અને તેમની સાથે વાતો કરીને અને રમીને તો પતિ એકદમ ફ્રેશ થઇ જાય.પત્ની ભાવતું જમવાનું બનાવે, બાળકો ભણવા બેસે અને પતિ થોડી વાર પોતાનાં માતા -પિતા સાથે વાતો કરે….આ હતું રોજ સાંજનું ઘરનું વાતાવરણ…….હસતું …રમતું અને એકદમ પ્રફુલ્લિત.
એક દિવસ સાંજે પતિ ઘરે આવ્યો અને હજી પતિ-પત્ની ચા પીતાં હતાં ત્યાં જ પતિની ઓફિસમાં કામ કરતા બે મિત્રો અચાનક ઘરે આવ્યા.પત્નીએ તેમને પણ ચા આપી..પતિ અને તેના મિત્રો ધીમે ધીમે વાતો કરવા લાગ્યા.પત્નીને એટલું તો સમજાયું કે કંઇક વાત તો છે.મિત્રો ગયા, પતિ હસીને રોજની જેમ બાળકો સાથે વાતો કરવા લાગ્યો. પત્નીના મનમાં કંઇક ખટક્યું…તેણે પોતાની રીતે પતિના મિત્રોને પૂછીને તપાસ કરી તો જાણવા મળ્યું કે ઓફિસમાં ટેકઓવર થયું છે…નવા બોસ વિચિત્ર છે…જુના બધા કર્મચારીઓની નાની નાની ભૂલો શોધી અપમાન કરે છે…નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે…પત્નીને થયું કે આમાંથી મને તો કંઈ જ ખબર નથી.
બે દિવસ પછી પત્નીએ કહ્યું, ‘એક વાત પૂછું?’ પતિએ કહ્યું, ‘હા બોલ બોલ શું કહેવું છે?’ પત્નીએ પતિનો હાથ હાથમાં લઈને કહ્યું, ‘તારે મારી સામે એક્ટિંગ કરવાની કંઈ જરૂર નથી.તારી ઓફિસમાં આટલું પ્રેશર છે અને તેં તો મને કંઈ કહ્યું જ નહિ.બધું જ પોતે એકલાએ કેમ સહન કર્યું.શું તને મારી પર ભરોસો ન હતો.’ પતિએ પત્નીને કહ્યું, ‘અરે, તું જ તો મારી તાકાત છે.આ બધું તો પાર્ટ ઓફ લાઈફ છે.ઓફિસમાં તો ખટપટ અને કાવાદાવા ચાલ્યા કરે.પણ તે બધું હું મનમાં લઈને ફરું …ઘરમાં તનાવ લઈને આવું તો તારી ,બાળકોની અને મમ્મી પપ્પાની ચિંતા વધી જાય.મારે તમને ખુશી આપવી છે તનાવ નહિ સમજી, એટલે કંઈ કહ્યું નહિ.’
પત્નીએ કહ્યું, ‘પણ તું આટલો શાંત, ખુશ કઈ રીતે રહી શકે છે?’ પતિએ હસીને કહ્યું, ‘હું એક્ટિંગ નથી કરતો. હું સાચે જ ઘરમાં શાંત અને ખુશ રહું છું કારણ કે હું જયારે ઘરની ડોરબેલ વગાડું છું ત્યારે ઓફિસનો દરવાજો બંધ કરી દઉં છું અને ઘરમાં તમારી પાસે આવી જાઉં છું.આ ઘરનું વાતાવરણ અને તારો પ્રેમ મને ફરી આગળ વધવાની અને લડવાની તાકાત આપે છે.ઓફિસમાં હું એક કર્મચારી છું અને ઘરમાં હું એક પતિ, પિતા અને દીકરો છું અને હું મારા બધા રોલ બરાબર નિભાવું છું.મારી ઘરની લાઈફ અને ઓફિસની લાઈફમાં મારો રોલ જુદો જુદો છે.બંને મહત્ત્વના છે પણ બંનેને ત્રાજવાનાં બે પલ્લાંની જેમ જુદી જુદી બેલેન્સ કરવી પડે, તો જ લાઈફનું બેલેન્સ જળવાઈ રહે; જો આ બેલેન્સ જાળવતાં ન આવડે તો જીવન અસ્તવ્યસ્ત થઈ જાય.’ પત્ની પતિની સમજદારી જોઇને મલકી ઊઠી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.