દાહોદ: દાહોદ તાલુકાના ખરોદા ગામે ચકચારી બનાવ બનવા પામ્યો છે જેમાં ગામમાં આવેલ તળાવમાં પાંચ બાળકો તળાવ તરફ પશુઓ ચરાવતાં હતાં અને તળાવમાં પશુઓને પાણી પીવડાવી રહ્યાં હતાં તે સમયે અકસ્માતે પાંચ બાળકો પૈકી બે બાળકીઓ તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બંન્ને માસુમ બાળકોના મોત નીપજ્યાં હતાં જ્યારે ત્રણ બાળકોનો આબાદ બચાવ થયો હતો જે પૈકી એક બાળક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. બંન્ને બાળકીઓના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.ગત તા.૧૩મી જુનના રોજ સાંજના ચારેક વાગ્યાના આસપાસ દાહોદ તાલુકાના ખરોદા ગામે થાણા ફળિયામાં રહેતાં પ્રિયાંસીબેન રાજુભાઈ વજેસીંગભાઈ કટારા (ઉ.વ. ૦૯), પ્રિતીબેન લીલેશભાઈ વજેસીંગબાઈ કટારા (ઉ.વ. ૧૧), મિરઝાબેન અને તેમની સાથે અન્ય બીજા બે બાળકો મળી કુલ પાંચ બાળકો ગામમાં આવેલ તળાવ તરફ પશુઓ ચરાવવા ગયાં હતાં.
પશુઓને પાણી પીવડાવવા માટે તળાવ તરફ જતાં તે સમયે અકસ્માતે પ્રિયાંસીબેન, લીલેશભાઈ અને મિરઝાબેનનો પગ લપસતા ત્રણેય બાળકો મળી અન્ય બે બાળકો પણ પાણીમાં પડી ગયાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર બુમાબુમ થઈ જતાં લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં અને સ્થાનીક તરવૈયાઓ દ્વારા મિરઝાબેન અને તેમની સાથે અન્ય બે બાળકો મળી ત્રણને હેમખેમ તળાવના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં જ્યારે પ્રિયાંસીબેન અને લીલેશભાઈ તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બંન્નેના મોત નીપજ્યાં હતાં અને ભારે જહેમત બાદ બંન્નેના મૃતદેહો તળાવના ઉંડા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં.
ઘટનાને પગલે સ્થળ પર પરિવારજનો સહિત ગ્રામજનો ઉમટી પડ્યાં ગતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને બંન્ને બાળકોના મૃતદેહને નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે બંન્ને બાળકોના પરિવારજનોમાં કરૂણાતિકાં છવાઈ ગઈ હતી. આ સંબંધે દાહોદ તાલુકાના ખરોદા ગામે થાણા ફળિયામાં રહેતાં વજેસીંગભાઈ મનસુખભાઈ કટારાએ દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.