સુરત : વેસુ વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં અકસ્માત ( accident) સર્જીને એક યુવતીને મોતના મુખમાં ધકેલનાર જાણીતા અતુલ વેકરીયાને ( atul vekriya) કોર્ટે જામીન ( bail) આપવાની ના પાડી દીધી હતી. ગુનાની ગંભીરતા સમજીને કોર્ટે અતુલ વેકરીયાની અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.આ કેસની વિગત મુજબ, અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ એક મહિના પહેલા વેસુ ચાર રસ્તા પાસે અકસ્માત કર્યો હતો અને ત્રણ મોપેડ ચાલકોને ટક્કરમાં લીધા હતા. આ અકસ્માતમાં એક યુવતીને માથામાં ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યુ હતુ.
અતુલ વેકરીયાએ દારૂ પીધેલી હાલતમાં અક્સમાત કર્યો હોવા છતાં પણ ઉમરા પોલીસે તેને બચાવવા પ્રયત્નો કર્યા હતા. ફરિયાદમાં અજાણ્યાનો ઉલ્લેખ કરીને અતુલ વેકરીયાને ગણતરીના કલાકોમાં જ જામીન ઉપર મુક્ત કરી દીધો હતો. આ ઉપરાંત અતુલ વેકરીયાની સામે સપરાધ મનુષ્યવધની કલમ પણ લગાવી ન હતી. અકસ્માતને લઇને લોકોનો રોષ ફાટી નીકળતા આખરે ઉમરા પોલીસ બેકફુટ ઉપર આવી હતી અને અતુલ વેકરીયાની સામે સપરાધ મનુષ્યવધની કલમનો ઉમેરો કર્યો હતો. બીજી તરફ અતુલ વેકરીયાની ધરપકડ કરવામાં આવી ન હતી.
દરમિયાન અતુલ વેકરીયાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ અતુલ વેકરીયા જાતે જ પોલીસ મથકે હાજર થયો હતો. જામીન મુક્ત થવા માટે અતુલ વેકરીયાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરીને આરોપી અતુલ વેકરીયાના જામીન નામંજૂર થાય તેમ કોર્ટને જણાવ્યું હતું. કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી કે, જો આરોપીને જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડા થાય તેમ છે. આરોપીએ દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી છે અને તેના કારણે એક યુવતીનું મોત નીપજ્યુ છે. આવા સમયે ગુનાની ગંભીરતા જોઇને આરોપીને જામીન આપી શકાય નહીં. કોર્ટે પણ બંને પક્ષોની દલીલો બાદ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને અતુલ વેકરીયાની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો
અતુલ વેકરીયા ભાગી ગયો તે જ બતાવી આપે છે કે તેની સામે મજબુત કેસ છે
અતુલ વેકરીયાએ પોલીસથી બચવા માટે આગોતરા જામીન માંગ્યા હતા, પોતાના બાળકોને ભાઇને ત્યાં મુકીને પોતે ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરી પરંતુ અતુલ વેકરીયા મળી આવ્યો ન હતો. આ તમામ બાબતો જોતા આરોપી સામે મજબૂત પ્રાઇમા ફેસી કેસ છે. આ ઉપરાંત જો આરોપી મોટો વેપારી છે, રાજકીય આગેવાન છે. જ્યારે મૃતક યુવતી સામાન્ય પરિવારની છે. આ સંજોગોમાં આરોપીને જામીન મળે તો પુરાવા સાથે ચેડા થાય તેમ છે. આરોપી રાજકીય દબાણ કે અન્ય નાણાકીય પ્રલોભન આપીને સાક્ષીઓને ફોડવાનો પ્રયત્ન કરે તેવી પણ શક્યતા છે. વધુમાં ગુનાનું સ્વરૂપ, ગુનાની ગંભીરતા અને સજાની જોગવાઇ ધ્યાને લેતા આરોપીને જામીન આપી શકાય નહીં.
અતુલ વેકરીયાનું અમાનવીય વર્તન : ઇજાગ્રસ્તને હોસ્પિટલ પણ લઇ ગયો ન હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો
વેસુ રોડ ઉફર જ્યારે ઘટની બની ત્યારે અતુલ વેકરીયાએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે લોકોના હાથે ઝડપાઇ ગયો હતો. પોતાની ભૂલ માનવાને બદલે અતુલ વેકરીયા બચવાનો રસ્તો શોધતો હતો. અતુલ વેકરીયાએ અકસ્માત બાદ ઇજાગ્રસ્ત યુવતીને મદદરૂપ થયો ન હતો કે હોસ્પિટલ પણ લઇ ગયો ન હતો. અતુલ વેકરીયાની આ માનસિકતાને પણ કોર્ટે ગંભીરતાથી લીધી હતી અને પોતાના ચૂકાદામાં તેનો ઉલ્લેખ કર્યો હતો.