21મી જૂન વિશ્વ સંગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણી પાસે સંગીતનો વારસો એટલો સમૃદ્ધ છે કે તેને જાણવા કે માણવા સાત જન્મ પણ ઓછા પડે. પાંચમા વેદ ગણાતા નાટ્યશાસ્ત્રમાં જેમ કળા વિશે લખ્યું છે તેમ સંગીત પણ દેશી અને માર્ગી એમ બે ફાંટામાં વહેંચાયેલું છે, એક હિસ્સો છે તે બધાં માટે છે, તેને માણવા બહુ ઊંડી સમજની જરૂર નથી, બસ સંગીતમાં રસ હોવો જોઇએ. તો બીજો હિસ્સો છે તેમાં શાસ્ત્રોક્ત અભ્યાસ, રાગ, તાન, તાલ, લય, સ્વરોની બારીકીઓ અને તેમાં તમે માત્ર કાનસેન હશો તો નહીં ચાલે, તાનસેનની કલાના પ્રભાવને તમે પારખી શકતા હોય તે જરૂરી છે.
વિશ્વ સંગીત દિવસ ઢૂંકડો છે ત્યારે થોડા સમય પહેલા નેટફ્લિક્સ પર આવેલી ફિલ્મ ‘ધી ડિસાઇપલ’નો સંદર્ભ લઇએ અને ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં લાંબા સમયથી ચાલી આવતી ચર્ચાને ફરી એક વાર કરીએ. ચૈતન્ય તામ્હાનેની આ ફિલ્મમાં શાસ્ત્રીય સંગીતની વિદ્યા, શિક્ષા, તાલીમ અને તેના સિદ્ધાંતોને આધારે આગળ વધવા માગતા શરદ નેરુળકરની વાત છે. જેમ દરેક શાસ્ત્રીય સંગીત તાલીમાર્થીના જીવનમાં એક ગુરુ હોય છે તેમ શરદની જિંદગીમાં પણ છે. જેમ પોપ્યુલિસ્ટ કલ્ચરનાં આકર્ષણોમાં કલાકારો ખેંચાઇ જાય છે અને જે તે વમળમાં નથી ખેંચાતા તેમનો આંતરિક સંઘર્ષ સતત ચાલુ રહે છે તેવું જ શરદ સાથે પણ થાય છે. શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ એક સમાધિ, એક પ્રકારનું ધ્યાન છે તેમાં કશુંય ઉપરછલ્લું ન હોઇ શકે, દુન્યવી ઇચ્છાઓ તેમાં બાધ ન બની શકે એવી વિચારધારા સાથે આગળ વધતા શરદની અકળામણ તમને સમજાય જ્યારે કોઇ નાના શહેરના જુવાનિયાઓને રિયાલીટી શોના ધતિંગને કારણે પ્રસિદ્ધિ મળી જાય. બીજી તરફ શરદની અણીશુદ્ધ કળા જે રીતે લોકો સુધી પહોંચવી જોઇએ તે રીતે નથી પહોંચતી અને ક્યાંક કોઇ ખૂણે શરદ પણ પોતાની નબળાઇઓથી વાકેફ છે.
આ ફિલ્મની ચર્ચા કરવી જરૂરી હતી કારણ કે ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયાની આ વાસ્તવિકતાઓ છે. તેના સંઘર્ષ ઘણા સમયથી આ જ પ્રકારના રહ્યા છે. જે તે સમયે સંગીતની દુનિયામાં બહુ જ મોટું નામ ધરાવનારાઓ આજે ઘરડે ઘડપણ ગરીબીમાં વલખાં મારે છે તેવા સમાચાર પણ આપણે સાંભળીએ જ છીએ. વળી ગુરુ શિષ્યની પરંપરાનાં દૂષણો પણ ઓછાં નથી. અહીં પણ ‘મી ટૂ’ના સૂરતાલ આપણે કાને પડ્યા છે. ગુરુઓની પરવાનગી ન મળે ત્યાં સુધી જાહેરમાં ન ગાવું જેવા નિયમો પણ શાસ્ત્રીય સંગીતકારો માટે અવરોધ બને છે. ભારતીય શાસ્ત્રીય સંગીતનાં મોટાંમસ ફેસ્ટિવલ્સ પણ થાય છે અને તેમાં હાજરી આપનારાઓ પોતાની જાતને સંસ્કૃતિના આશ્રયદાતા માની બેસે છે. તેમાં સંગીતનું મૂલ્ય કરનારા તો હોય છે જ તેની ના નહીં પણ પોતે જે-તે મહોત્સવમાં અચૂક જાય છે એમ કહી કૉલર ચઢાવનારાઓની સંખ્યા વધારે હોય છે.
સંગીત મહોત્સવ અંગે ૧૯૪૫માં ઇન્ડિયન મ્યુઝિક ટૂડે નામના એક પુસ્તકમાં લેખક એસ કે ચૌબેએ લખ્યું હતું કે, ‘આ મહોત્સવો વ્યવસ્થાપક તરીકે મોટાં માથાંઓનો દેખાડો બનીને રહી જાય છે. બેઠકમાં આગળનાં ‘મુખ્ય અતિથિ’ પ્રકારના લોકો કાં તો બગાસાં ખાતા હોય છે કાં તો ઇન્ટરવલમાં વાતોના તડાકા મારવા મળે તેની રાહ જોતા હોય છે.’ જો ચાળીસના દાયકામાં આ માન્યતા હતી તો તે આજે બદલાઇ હશે, પરિસ્થિતિ બહેતર થઇ હશે તેમ માનવાનું કોઇ કારણ નથી.
ભારતીય શાસ્ત્રીય સંગીતની મશાલ પ્રજ્વલ્લિત રાખવા મથનારા દરેક દિગ્ગજનો આગવો સંઘર્ષ રહ્યો છે. પરંપરાને માર્ગી રીતે – શાસ્ત્રોક્ત પદ્ધતિમાં આગળ વધારવાની જવાબદારી લેનારા નવી પેઢીમાં ઘટે છે. તે ગેરહાજર છે એમ વાત નથી પણ ઓછા છે તે હકીકત છે કારણ કે દરેકને ઝડપી સફળતા જોઇએ છે. વળી નિયમો, સિદ્ધાંતો અને શુદ્ધતાની આ દુનિયામાં સત્તાનો ખેલ પણ નાનોસૂનો નથી. સંગીતની દુનિયાનાં રહસ્યો, કળાની મુઠ્ઠી ત્યાં સુધી બંધ રાખતા ગુરુઓ કે જ્યાં સુધી તેમને પોતાને શિષ્ય પર વિશ્વાસ ન બેસે. આના જેવું કેટલું ય આ અનુભવને વધુ સંકુલ બનાવે છે. જેમને પ્રસિદ્ધિ મળી ચૂકી છે તેમને સતત કામ મળતું રહે, પણ જેઓ હજી પોતાના કરિયરની મધ્યે છે તેમને માટે બધું જ કપરું છે. પોપ્યુલિસ્ટ અને ક્લાસિક – માસી અને ક્લાસી – દેશી અને માર્ગી – ટોળાં અને ગણતરીનાં લોકોને બેઠક વચ્ચેની દોરડાખેંચમાં આ કલાકારનું મનોમંથન અટકતું નથી. આ મંથનને અંતે અમૃત મળશે જ તેવી કોઇ ખાતરી નથી હોતી, એમાં પાછા ગુરુઓની અપેક્ષાને પહોંચી વળવાનું અને વ્યાસપીઠ પર બેઠેલી વ્યક્તિ એક વાર કહી દે કે, ‘આમાં હજી કંઇ દમ નથી, તારા સંગીતમાં જીવ નથી’ તો જાત સાથેની બીજી લડાઇ શરૂ થઇ જાય.
કળાના સત્ય સુધી પહોંચવાનો સંઘર્ષ આજના સમયે વધુ અઘરો બન્યો છે કારણ કે ઇન્ફર્મેશન ઓવરલોડના જમાનામાં લગ્નમાં ગોવિંદાના ગીત પર નાચી લેતા અંકલ પણ પ્રસિદ્ધ થઇ જાય છે અને રડવા માંડે છે. આવામાં ગુરુની બેઠકમાં પંદર વર્ષથી પાછળ બેસીને તાનપુરાના ચાર તારના સૂર સાચવીને પોતાના સંગીતની કેડી કંડારવાની મહેનત કરનારાઓને જે માનસિક દબાણ અનુભવવું પડે છે તેને વિષે તાર સપ્તકના સા સુધી ગાઇ શકનારાઓ પણ શબ્દોમાં વર્ણવી શકે તેમ નથી.