અમદાવાદ : લોકસભા ૨૦૧૪ અને ૨૦૧૯ પછી વિજય પ્રાપ્ત કરી સત્તામાં આવનાર ભાજપાએ (BJP) જનતાને જે જે વચનો આપ્યા હતા તેનો આજે જવાબ ન હોવાથી ફરી એકવારની એજ રણનિતીના ભાગરૂપે શું “બાબા”ઓના “દિવ્યદરબાર”આયોજન થઈ રહ્યા છે. “બાબા”ની સભાના આયોજકમાં સુરત ખાતે ભાજપાના ધારાસભ્ય છે. રાજકોટ અને અમદાવાદમાં આયોજકના કોની સાથે સંબંધ છે. તે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં “બાબા”ના દરબારો યોજાઈ રહ્યા છે તે માટે કોણ કોણ સંત્રી-મંત્રી મદદ કરી રહ્યા છે તે તપાસનો વિષય છે, તેવું પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલાના ચૂંટણી પ્રચાર સમયે રામદેવબાબા એ કાળાધન પરત આવશે, દેશમાં નાગરિકોને લાભ મળશે તેવી જોરશોરથી વાત કહી હતી. કાળુંધન તો પરત ન આવ્યું પરતું કરોડો-અબજો રૂપિયાના સફેદ ધન સાથે કેટલાય રફ્ફું ચક્કર થઇ ગયા. સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ૩૨૦૦૦ શિક્ષકોની જગ્યા ક્યારે ભરાશે ? ગુજરાતમાં સરકારી ભરતીમાં વારંવાર પેપર ફોડના ગેરરીતિ કરનાર, ચમરબંધી કૌભાંડીઓ, મોટા માથાઓ કોણ છે?. ગુજરાતમાં ફિક્સ પગારના નામે લાખો યુવાનોને ક્યારે આર્થિક શોષણ પ્રથામાંથી મુક્ત થશે? સુપ્રિમ કોર્ટમાં ક્યારે કેસ ગુજરાત સરકાર પરત ખેંચશે?. ગુજરાતમાં આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના ૧૦ લાખ કરતા વધુ યુવાનોને અડધો પગાર ચૂકવી એજન્સીઓ કરોડો રૂપિયા બારોબાર લઈ જાય છે તે માટે ગુજરાતના યુવાનોને પૂરો પગાર મળે, ભ્રષ્ટાચાર અટકે તે અંગે આપ દિવ્ય સભામાં જણાવીને ગુજરાતના યુવાનો પર કૃપા કરશો. ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય, અબજો રૂપિયાની ડ્રગ્સ આવે છે તે ક્યાંથી આવે છે? કોણ મોકલે છે? કોના સુધી પહોંચે છે? તે આપ દિવ્ય વાણીથી ગુજરાતની જનતાને જણાવવા કૃપા કરશો.
કોંગ્રેસે ક્યારેય આવા સત્કાર્યો કર્યા નથી અને જે કરે છે તેની પર આક્ષેપો કરે છે: ધારાસભ્ય સંગીતા પાટીલ
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા દ્વારા સુરતમાં બાબાની સભાના આયોજન અંગે કરવામાં આવેલા આક્ષેપો સંદર્ભે ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું કે, બાગેશ્વર બાબાનો કાર્યક્રમ મારા વિસ્તારમાં યોજાઈ રહ્યો હોવાથી સ્વાભાવિક રીતે મને તેની આયોજક સમિતીમાં સમાવવામાં આવી છે. આ સમિતીમાં આયોજકમાં 20 સભ્ય છે. મારા વિસ્તારમાં આયોજન હોવાથી હું ધ્યાન આપું તે સ્વાભાવિક છે. ખરી હકીકત એ છે કે કોંગ્રેસે ક્યારેય આવા સત્કાર્યો કર્યા નથી અને કોઈ કરતું હોય તેને કોંગ્રેસના આગેવાનો કરવા દેતા નથી. સભાનું આયોજન હિન્દુ સનાતન ધર્મ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપવા માટે કરવામાં આવી રહ્યું છે. ખરેખર આવો રાષ્ટ્રપ્રેમનો દિવ્ય દરબાર યોજાતો હોય તો તમામ ધર્મને આવકારવા જોઈએ. આમાં કોઈ જ અંધશ્રદ્ધા નથી.