નવી દિલ્હી: ભારતીય બેડમિન્ટન સ્ટાર (Badminton star) પીવી સિંધુએ તેના કોચ (Coach) પાર્ક તાઈ સાંગથી દૂરી બનાવી લીધી છે. સિંધુનો કોચ પાર્ક 2019 થી સિંધુ સાથે કામ કરી રહ્યો હતો. પાર્ક તાઈ-સંગ સિંધુએ ત્રણ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ, સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટાઇટલ, સ્વિસ ઓપન ટાઇટલ અને સિંગાપોર ઓપન ટાઇટલ જીત્યા હતા. બર્મિંઘમમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં મહિલા સિંગલ્સમાં કોચ પાર્કની નજર હેઠળ સિંધુએ ગોલ્ડ મેડલ અને 2020 ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.
પાર્કે સિંધુના તાજેતરના ખરાબ ફોર્મની જવાબદારી પોતાના માથે લીધી છે. આ માટે તેણે ઈન્સ્ટાગ્રામ પર સિંધુ સાથેની બે તસવીરો શેર કરી છે. કેપ્શનમાં તેણે લખ્યું હતું કે હેલો, તમારા બધા સાથે વાત કર્યાને ઘણો સમય થઈ ગયો છે. હું થોડા દિવસ પહેલા હૈદરાબાદ પાછો આવ્યો હતો. મારા પિતાની તબિયત અંગે ચિંતા દર્શાવનારા તમામ લોકોનો હું આભાર માનું છું. સાચું કહું તો મારા પિતાની હાલત અત્યારે સારી નથી. વધારામાં તેણે કહ્યું કે હું આજે પીવી સિંધુ સાથેના મારા સંબંધો વિશે વાત કરવા માંગુ છું, જેના વિશે ઘણા લોકોએ મને સવાલો કર્યા છે. સિંધુએ તાજેતરની કેટલીય મેચોમાં ખરાબ પરફોમન્સ આપ્યું હતું જેના માટે કોચ તરીકે હું મારી જાતને જવાબદાર માનું છું. આ ઉપરાંત સિંધુ પણ તેના કોચને બદલવા માગે છે. તેણે કહ્યું છે કે તે નવો કોચ શોધશે. હું તેમના નિર્ણયનું સન્માન કરું છું. મને અફસોસ છે કે આગામી ઓલિમ્પિક સુધી હું તેમની સાથે નહીં રહી શકું, પરંતુ હવે હું તેમને દૂરથી સમર્થન આપવા જઈ રહ્યો છું. હું તેની સાથે વિતાવેલી દરેક ક્ષણોની યાદ રાખીશ. હું દરેકનો આભાર માનું છું જેણે મને સહારો આપ્યો છે અને પ્રોત્સાહિત કર્યા છે.
જાણકારી મુજબ સિંધુ જે ઈજાના કારણે 2022ની સિઝનમાં રમી શકી ન હતી તેથી હવે તે જાન્યુઆરીમાં ફરીથી જોરદાર એન્ટ્રી લેવા જઈ રહી છે. જાણકારી મુજબ સિંધુ હવે મલેશિયાના ભૂતપૂર્વ ઓલ-ઈંગ્લેન્ડ ચેમ્પિયન મુહમ્મદ હાફિઝ હાશિમ સાથે હૈદરાબાદની સુચિત્રા બેડમિન્ટન એકેડમીમાં તાલીમ લેશે. 2003માં ઓલ ઈંગ્લેન્ડનો ખિતાબ જીતનાર હાફિઝે હૈદરાબાદ સ્થિત એકેડમી સાથે બે વર્ષનો કરાર કર્યો છે અને તે ત્યાં પુરૂષ અને મહિલા ખેલાડીઓને માર્ગદર્શન આપશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિંધુએ સુચિત્રા બેડમિન્ટન એકેડમીની મુલાકાત લીધી હતી તેમજ તે ત્યાં અઠવાડિયામાં એક કે બે દિવસ ટ્રેનિંગ લેશે.