બદલાપુર રેપ કેસમાં એન્કાઉન્ટરની તપાસ મંગળવારે CIDને સોંપવામાં આવી હતી. 23 સપ્ટેમ્બરે થાણે ક્રાઈમ બ્રાન્ચે આ કેસના આરોપી અક્ષય શિંદેનું થાણેમાં એન્કાઉન્ટર કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ અક્ષયને તળોજા જેલમાંથી બદલાપુર લઈ ગઈ હતી. સાંજે લગભગ 6.15 કલાકે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. સરકારે કહ્યું હતું કે અક્ષયે પોલીસની રિવોલ્વર છીનવીને ગોળીબાર કર્યો, સ્વબચાવમાં પોલીસે ગોળીબાર કર્યો અને અક્ષયનું મોત થયું.
પરિવારે જણાવ્યું કે અક્ષયને કસ્ટડીમાં ખૂબ માર મારવામાં આવ્યો હતો. જે બાદ મામલો દબાવવા માટે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તેની ડેડ બોડી પણ જોવા દેવામાં આવી ન હતી. તેના પરિવારે એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યો છે. જ્યારે કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે અક્ષય હાથકડીમાં હતો તો પછી તે પોલીસ પાસેથી બંદૂક છિનવી ફાયરિંગ કેવી રીતે કરી શકે.
જણાવી દઈએ કે આરોપી પર ગોળીબાર કરનાર ઈન્સ્પેક્ટર સંજય શિંદે થાણે ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલના વડા હતા. તે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ટીમમાં પણ હતા. 2017માં આ ટીમે અંડરવર્લ્ડ ડોન દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કરી હતી. 19 માર્ચે બોમ્બે હાઈકોર્ટે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને આજીવન કેદની સજા ફટકારી હતી. તે ગેંગસ્ટર છોટા રાજનના નજીકના સહયોગીના 2006ના નકલી એન્કાઉન્ટરના કેસમાં દોષી સાબિત થયા હતા. પ્રદીપ શર્માની ટીમના એન્કાઉન્ટરની સ્ટોરી પર એક ડોક્યુમેન્ટરી સિરીઝ પણ બનાવવામાં આવી છે.
સંજય શિંદે સામે 2012માં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. 2012માં બે હત્યા કેસમાં આરોપી વિજય પલાંડે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. જે એસયુવીમાં તે ભાગી ગયો હતો તેમાં સંજયનો યુનિફોર્મ મળી આવ્યો હતો. વર્ષ 2000માં પણ તે અપહરણના કેસમાં વિવાદમાં આવ્યો હતો. આરોપી પર ગોળીબાર કરનાર ઈન્સ્પેક્ટર સંજય શિંદે થાણે ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલના વડા હતા.
આરોપીની માતાએ કહ્યું- અમે લાશ નહીં લઈએ
બીજી તરફ આરોપી શિંદેની માતાએ કહ્યું છે કે પોલીસકર્મીઓએ અમને અક્ષયનો મૃતદેહ જોવા પણ ન દીધો. અમે હોસ્પિટલમાં કલાકો સુધી રાહ જોતા રહ્યા. અક્ષય સામેના યૌન શોષણના આરોપો સાબિત થયા ન હતા. તેને ફટાકડા ફોડવાનો ડર હતો. પોલીસ પર કોઈ કેવી રીતે ગોળીબાર કરી શકે? એન્કાઉન્ટર એક ષડયંત્ર છે. અમે હવે તેનો મૃતદેહ નહીં લઈએ. અક્ષયે કહ્યું હતું કે પોલીસકર્મીઓ તેને મારતા હતા. તેમના પર દબાણ લાવી નિવેદનો લખાવી પણ લેતા હતા.
વિપક્ષની પ્રતિક્રિયા
NCP (શરદ જૂથ)ના સાંસદ સુપ્રિયા સુલે એ કહ્યું કે બદલાપુરમાં બે સગીર છોકરીઓની જાતીય સતામણી મામલે મહાયુતિ સરકારનું વલણ ચોંકાવનારું છે. પહેલા એફઆઈઆર નોંધવામાં વિલંબ થયો અને હવે મુખ્ય આરોપીની કસ્ટડીમાં હત્યા કરવામાં આવી છે. આ કાયદાના અમલીકરણ અને ન્યાય પ્રણાલીનું સંપૂર્ણ પતન છે. જ્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે આ ઘટનાએ કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. બદલાપુર અત્યાચાર કેસમાં હજુ સુધી શાળાના ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી નથી, તે ફરાર છે તેની હજુ સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી? શું ફરાર આરોપીઓને બચાવવા માટે મુખ્ય આરોપીનું એન્કાઉન્ટર કરીને કેસનો અંત લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? શું સમગ્ર મામલો દબાવવાના પ્રયાસમાં પોલીસે આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું છે? આ મામલે સત્ય બહાર લાવવા માટે હાઈકોર્ટના ન્યાયાધીશો દ્વારા તપાસ થવી જોઈએ.