દુષ્કર્મ અને બળાત્કારના કિસ્સાઓ રોજેરોજ બની રહ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે હાલમાં એક ચુકાદો આપ્યો છે કે કન્યાના સ્તન પકડવા કે પાયજામાનું નાડું ખેંચવું બળાત્કારનો પ્રયાસ નથી. આ ચુકાદાની સામે સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો છે. તેમાં જણાવ્યું છે કે હાઈકોર્ટનાં અવલોકનો અસંવેદનશીલ અને અમાનવીય છે. પુરુષ પાત્રોની બદદાનત જન્માવતી હરકતોને ધ્યાનમાં લઈ સભ્યતાને ધોરણે ઈસ્લામમાં નારી પાત્રો માટે મર્યાદાઓ અને પરદેદારી સૂચવાઈ છે. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદામાં બદદાનત જન્માવતી હકીકત ધ્યાનમાં લેવાઈ નથી.
કોઈ જ્વેલરી શોપમાં જઈને મૂલ્યવાન અલંકારથી લલચાઈને તેની તફડંચી કરે, પણ તે પકડાઈ જાય અને કેસ નોંધાય ત્યારે તે વસ્તુ ચોરી જવાનો માત્ર પ્રયાસ થયો છે, ચોરી નથી થઈ એવી દલીલ હાસ્યાસ્પદ બની જાય, કારણકે ભલે ચોરી અટકાવી દેવાઈ પણ ચોરી માટેની બદદાનત તો ઉઘાડી પડી જ ગઈ. આજે સ્થળ, સમય, પરિસ્થિતિ જોઈને બદદાનત જન્મતાં વેંત માનસિકતા નબળી પડે અને બદદાનતથી પ્રેરાઈને કોઈ મર્યાદા વિસરી જઈ સ્તન પર સ્પર્શ કરે કે પકડી લે. ઉપરાંત દુષ્કર્મના બદઈરાદાથી નાડું ખેંચી લઈ ઈચ્છા તૃપ્તિનો પ્રયાસ કરે પણ નિષ્ફળ રહે, તો પણ નાજાઈઝ હરકત અને બદદાનત તો જાહેર થઈ જ જાય. તેને અટકાવવા સજા કરવાયોગ્ય અને કડક કાર્યવાહી થવી જ જોઈએ.
સુરત – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
