કુવિચાર પણ વિઘાતક બની શકે

માનવીનું મન એવું છે કે, એ ઘણીવાર તેની કાબૂ બહાર કૂદાકૂદ કરવા લાગી જાય છે. માણસ ગમે તેટલો પ્રયત્ન કરે, પણ મન કયાંથી કયાં દોડવા મંડી જાય છે. જોકે યોગી તપસ્વીઓ પોતાનું મન પણ કાબૂમાં રાખી શકે છે. પણ એ સામાન્ય માણસો માટે અઘરું છે. છતાં સારા વિચારો સારું પરિણામ આપે છે, એને આપણે પોઝિટિવ થિન્કીંગ કહીએ છીએ અને ખરાબ વિચારો ખરાબ પરિણામ આપે એવું પણ માનવામાં આવે છે એ કેટલાંક અંશે કદાચ સાચું પણ હોઇ શકે. એક વાત અહીં ટાંકવી જરૂરી છે. એક સો વર્ષથી વધુ આયુષ્ય ભોગવી ચૂકેલા સન્યાસી હતા, જેમનું નામ ત્રિલોકનાથ હતું. તેઓ શરીરે સુદૃઢ કાયાવાળા એટલે યુવાન જેવા દેખાતા હતા. જોકે બ્રહ્મચર્ય અને યોગ-સાધનાનું બળ તો ખરું જ. હિમાલયની કંદરાઓમાં તેમનો વાસ. એ તપસ્વી વર્ષમાં એકવાર પોતાના શિષ્ય બંગ નરેશને ત્યાં બે ત્રણ દિવસ માટે જતા. બંગ નરેશ પોતાનો જન્મ દિવસ આ તપસ્વી ગુરુની નિશ્રામાં ઉજવતા. આ સન્યાસી બ્રહ્મચર્યના બળે વિવિધ શકિતઓ ધરાવતા હતા. તેમાં કહેવાય છે કે, તેઓ આવી શકિત વડે આકાશમાં ઉડી શકતા અને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જતા.

એક વખતની વાત છે. આ સન્યાસી બંગ નરેશને ત્યાં એક વખત રોકાયા હતા. એ બંગ નરેશની પત્ની ખૂબ સુંદર અને યુવાન હતી એ અતિથિ સેવા આ મહાત્માની સેવા – આતિથ્ય ભાવે કરતી પણ એ સમયે તેઓ હાજર ન હોવાથી સન્યાસીને પિરસવા આવી ન શકયાં. અને તેમના બદલે મહારાજની યુવાન પુત્રી યાને રાજકુમારી પીરસવા આવી. તેનું રૂપલાવણ્ય તેની મા થી પણ અધિક હતું. સન્યાસીએ તેને જોઇ અને તેમના મનમાં એક પળ માટે વિકાર પેદા થઇ ગયો. એથી કોઇ ખરાબ વિચાર આવ્યો. જોકે તુરંત જ મહારાજે વિચાર પર કાબૂ મેળવી લીધો, પણ પોતાનું મન માનતું ન હતું, તેઓ આ વિચાર આવવા બદલ દુ:ખી થઇ ગયા. પછી હિમાલય પરત જવાનો સમય થતા તેઓ પોતાની ઉડવાની શકિતનો પ્રયોગ કરવા લાગ્યા, પણ ઉડી ન શકયા. સન્યાસી સમજી ગયા, અને પોતાનું કપાળ કૂટતા બોલ્યા, મારું ભાગ્ય હવે પરવારી ગયું. કુવિચારથી મારી શકિત નષ્ટ થઇ ગઇ. અને સન્યાસીએ ચાલવા માંડયું. ચાલતા – ચાલતા શરીર કૃશ થઇ કથળી ગયું. જોકે આ વાર્તા ભલે હશે, પણ તેમાં તથ્ય એ છે કે, કુવિચાર પણ વિઘાતક નિવડી શકે છે, માટે હંમેશાં સદ્‌વિચાર રાખવો.

Most Popular

To Top