બેંગ્લુરુઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં છે. આજે તા. 17 ઓક્ટોબરે મેચનો બીજો દિવસ છે. ટોસ જીતીને ભારતીય કેપ્ટને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં માત્ર 46 રનના નીચા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ ભારતનો ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. ભારતની ધરતી પર 46 રન એ કોઈ પણ ટીમ દ્વારા બનાવાયેલો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. ભારતના 5 બેટ્સમેન 0 પર આઉટ થયા હતા. ન્યુઝીલેન્ડનો મેટ હૈનરી સૌથી સફળ બોલર સાબિત થયો હતો. તેણે 5 વિકેટ ઝડપ્યા હતા. જ્યારે સાડા છ ફૂટના વિલિયમ ઓરોર્કેને 4 વિકેટ મળી હતી. હવે ન્યુઝીલેન્ડની ટીમ બેટિંગ કરી રહી છે.
ટોસ જીતી ભારતે પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચના બીજા દિવસે તા. 17 ઓક્ટોબરે ટોસ જીત્યો હતો. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બેંગલુરુ ટેસ્ટમાં ભારત માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. ન્યૂઝીલેન્ડે પ્રથમ 6 ઓવરમાં ખૂબ જ ટાઈટ બોલિંગ કરી અને ભારતીય ટીમ માત્ર 9 રન બનાવી શકી હતી.
શરૂઆતના દબાણની અસર રોહિત પર જોવા મળી હતી અને તે ટિમ સાઉથીના ઇનકમિંગ બોલ પર માત્ર 2 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. આ પછી વિરાટ કોહલી (0) અને સરફરાઝ ખાન પણ (0) આઉટ થયા. એક સમયે ભારતનો સ્કોર 9-0 હતો, પરંતુ 10 રન થયા ત્યાં સુધીમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી. ત્યાર બાદ જયસ્વાલ અને પંતે ઈનિંગ સંભાળવાની કોશિષ કરી હતી, પરંતુ જયસ્વાલ આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ ક્રિઝ પર આવેલા કે.એલ. રાહુલ અને રવિન્દ્ર જાડેજા પણ ટકી શક્યા ન હતા. ભારતની 6 વિકેટ માત્ર 33 રનમાં પડી ગઈ હતી. જાડેજા આઉટ થયા બાદ લંચ બ્રેક થયો હતો. લંચ બાદ ભારતીય બેટ્સમેનો વધુ ટકી શક્યા નહોતા અને 11 રન જોડી આખીય ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
ભારતીય ટીમમાં બે ફેરફાર કરાયા
આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. ઈજાગ્રસ્ત શુભમન ગિલના સ્થાને સરફરાઝ ખાન ટીમમાં પરત ફર્યો હતો. આકાશ દીપની જગ્યાએ કુલદીપને ત્રીજા સ્પિનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતીય ધરતી પર એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી. આ વખતે બંને ટીમો વચ્ચે 13મી ટેસ્ટ શ્રેણી રમાશે. ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં છે. જ્યારે ટોમ લાથમ કિવી ટીમની કમાન સંભાળી રહ્યા છે.
બેંગલુરુ પહેલો દિવસ વરસાદના લીધે ધોવાઈ ગયો હતો
બેંગ્લુરુ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી. ગઈકાલે તા. 16 ઓક્ટોબરે મેચનો પ્રથમ દિવસ હતો. પરંતુ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. એટલો વરસાદ પડ્યો કે ટોસ પણ થઈ શક્યો ન હતો.
દિવસભર વરસાદના કારણે કવર મેદાનમાં હાજર રહ્યા હતા. ઘણી વખત એવા અપડેટ્સ આવ્યા હતા કે મેચ શરૂ થઈ શકે છે, પરંતુ લગભગ 2.30 વાગ્યે મેચના પ્રસારણ દરમિયાન ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સબા કરીમે જાહેરાત કરી કે 16 ઓક્ટોબરની રમત રદ કરવામાં આવી છે.