Sports

પૂણે ટેસ્ટમાં પહેલા દિવસનો હીરો રહ્યો વોશિંગ્ટન સુંદરઃ ન્યુઝીલેન્ડ 259 પર ઓલ આઉટ, ભારતનો સ્કોર 16/1

પૂણેઃ ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બીજી ટેસ્ટ મેચ અહીં પૂણેના સ્ટેડિયમમાં આજે તા. 24 ઓક્ટોબરથી શરૂ થઈ છે. મેચના પહેલાં દિવસે સ્પીનરોનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. ન્યુઝીલેન્ડે ટોસ જીતી પહેલી બેટિંગ કરી હતી. વોશિંગ્ટન સુંદર અને આર. અશ્વિનની જોડીએ ન્યુઝીલેન્ડની તમામ 10 વિકેટ લીધી હતી. સુંદરે 7 વિકેટ સાથે 3 વર્ષ બાદ જોરદાર કમબેક કર્યું હતું. તે પહેલા દિવસનો હીરો રહ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ પહેલી ઈનિંગમાં 259 પર ઓલઆઉટ થઈ હતી.

ત્યાર બાદ ભારતીય ટીમ બેટિંગ માટે મેદાનમાં ઉતરી હતી. જોકે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 0 પર આઉટ થયો હતો. ભારતે પહેલી વિકેટ 1 રનના સ્કોર પર ગુમાવી હતી. રોહિતને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર સાઉથીએ બોલ્ડ કર્યો હતો. ફાસ્ટ બોલર દ્વારા લેવાયેલી આ દિવસની પહેલી વિકેટ હતી. દિવસના અંતે 1 વિકેટ ગુમાવી ભારતે 16 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ રમતમાં છે.

આ અગાઉ ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી મેચ આજે તા. 24 ઓક્ટોબરથી પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સારી શરૂઆત છતાં ન્યુઝીલેન્ડ 259 રન પર ઓલઆઉટ થયું છે. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 7 વિકેટ લીધી છે જ્યારે આર અશ્વિને 3 વિકેટ લીધી છે.

કુલદીપ યાદવને ડ્રોપ કરી વોશિંગ્ટન સુંદરને રમાડવાનો ભારતીય ટીમનો જુગાર સફળ સાબિત થયો હતો. 3 વર્ષ 7 મહિનાને 20 દિવસ બાદ ટેસ્ટ મેચ રમવા મેદાન પર ઉતરેલા વોશિંગ્ટન સુંદરે 7 વિકેટ લઈ જોરદાર કમબેક કર્યું છે. વોશિંગ્ટનની સુંદર બોલિંગને લીધે ન્યુઝીલેન્ડને 259 રન પર સિમીત કરી શકાયું હતું.

આ મેદાન પર ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહી છે. વર્તમાન શ્રેણીની પ્રથમ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. પ્રથમ ટેસ્ટ જીતીને કિવી ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

ટોસ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમે સારી શરૂઆત કરી હતી. એક સમયે કીવી ટીમનો સ્કોર 32 રન હતો. આ સ્કોર પર ભારતને પ્રથમ સફળતા મળી હતી, જે મેચમાં પોતાની પ્રથમ ઓવર નાંખવા આવ્યો હતો અને તેણે કીવી કેપ્ટન ટોમ લાથમ (15)ને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો.

ન્યુઝીલેન્ડને બીજો ફટકો વિલ યંગ (18)ના રૂપમાં લાગ્યો હતો. જે અશ્વિનના બોલ પર વિકેટકીપર પંતના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવે (76) સ્કોરકાર્ડને 138 સુધી લઈ ગયા હતા. એવું પણ લાગતું હતું કે રચિન અને કોનવે હવે સેટ થઈ ગયા છે પરંતુ અશ્વિન ફરી એકવાર ભારત માટે સંકટ મોચક સાબિત થયો હતો. અશ્વિને કોનવેને આઉટ કર્યો હતો.

બેંગલુરુ ટેસ્ટ પ્લેયર ઓફ ધ મેચ રચિન રવિન્દ્ર પૂણેના મેદાનમાં પણ ફોર્મમાં જણાતો હતો. એવું લાગતું હતું કે તે સદી ફટકારશે પરંતુ તે વોશિંગ્ટન સુંદરનો શિકાર બન્યો હતો. તે 65 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. રચિન 197ના સ્કોર પર આઉટ થયો હતો. ત્યાર બાદ ન્યુઝીલેન્ડ ટીમના ખાતામાં વધુ 4 રન ઉમેરાયા હતા અને વિકેટકીપર બેટ્સમેન ટોમ બ્લંડેલ (3) 3 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો.

ત્યાર બાદ સુંદરે ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને સેટ થવા દીધા નહોતા. તેણે ડેરીલ મિશેલ (18)ને LBW આઉટ કરીને ન્યૂઝીલેન્ડને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. ગ્લેન ફિલિપ્સ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને તેને પણ સુંદરે પેવેલિયન મોકલી દીધો હતો. ફિલિપ્સના આઉટ થવાના સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 236/7 રન હતો. ત્યાર બાદ સુંદરે સાઉથી અને એજાઝ પટેલને પણ આઉટ કર્યા હતા. આ સાથે વોશિંગ્ટન સુંદરે કમબેક મેચમાં 6 વિકેટ મેળવી હતી.

ગાબા જીતના ત્રણ વર્ષ બાદ સુંદર ટેસ્ટ રમ્યો
ટેસ્ટ મેચમાં ડેબ્યુ બાદ પૂણે ટેસ્ટ વોશિંગ્ટન સુંદરની પાંચમી ટેસ્ટ છે. તે છેલ્લે 2021માં ઓસ્ટ્રેલિયાના ગાબામાં ટેસ્ટ મેચ રમ્યો હતો. આ એ જ ટેસ્ટ મેચ હતી જે પંતની શાનદાર બેટિંગના લીધે ભારત જીત્યું હતું. તે જીતમાં વોશિંગ્ટન સુંદરનું પણ મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. તેમ છતાં ગાબા બાદ ત્રણ વર્ષ સુધી સુંદરને ટેસ્ટ રમવાની તક મળી નહોતી. 3 વર્ષ 7 મહિના 20 દિવસ બાદ સુંદરને પૂણેમાં ટેસ્ટ રમવાની તક મળી અને તેણે પોતાનું કૌશલ્ય દાખવ્યું છે.

સિરાજ, રાહુલ, કુલદીપને ડ્રોપ કરાયા
આ મેચમાં ભારતીય ટીમમાંથી મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ અને કુલદીપ યાદવને પડતો મૂકવામાં આવ્યા છે. તેમના સ્થાને આકાશ દીપ, શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદર રમી રહ્યાં છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં મેટ હેનરીના સ્થાને મિશેલ સેન્ટનરનો સમાવેશ કર્યો છે. હેનરીએ બેંગ્લોર ટેસ્ટમાં 8 વિકેટ ઝડપી હતી, છતાં તેને ડ્રોપ કરાયો છે.

Most Popular

To Top