શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં ખૂબ જ ખરાબ ગુણવત્તાનું ભોજન મળતું હોવાની ફરિયાદ ઉઠી છે. બોયઝ હોસ્ટેલના 500થી વધુ સ્ટુડન્ટે શુક્રવારે રાત્રે આ મામલે હોબાળો મચાવ્યો હતો. તેઓ ધરણાં પર બેઠાં હતા. જેના લીધે સિક્યુરિટી સ્ટાફ સાથે ઘર્ષણ થયું હતું. આ ઘટનાને પગલે યુનિવર્સિટીના તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
સ્ટુડન્ટની ફરિયાદ છે કે અનેકોવાર ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રસ્તા પર બેસવું પડ્યું છે. જો હજુ સમસ્યાનો ઉકેલ નહીં આવશે તો આંદોલન છેડવામાં આવશે.
વધુમાં વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે, હોસ્ટેલમાં લાંબા સમયથી ખોરાકની અશુદ્ધતા, અસ્વચ્છતા અને વીજળીના ધાંધિયા છે. સ્ટુડન્ટ હેરાન થઈ ગયા છે. ફરિયાદ કોઈ સાંભળતું નથી. તેથી મધરાત્રે બળવો કરી ધરણાં પર બેસવું પડ્યું છે.
આ સમસ્યાઓ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ રાત્રે 9 વાગ્યાથી મધરાત સુધી ધરણા કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
પરિસ્થિતિ વણસતા હોસ્ટેલના વોર્ડન તથા સમાજ કલ્યાણ અધિકારી સ્થળ પર દોડી ગયા હતા. સ્ટુડન્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો 7 દિવસમાં સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
નોંધનીય છે કે સમરસ હોસ્ટેલના પહેલાં માળે 150 સ્ટુડન્ટ રહે છે. તેઓ માટે બે ટોઈલેટ અને બે જ બાથરૂમ છે. ઘણા મહિનાથી આ બાથરૂમની હાલત ખરાબ હોવાથી બંધ છે. તેથી 150 સ્ટુડન્ટે એક જ ટોઈલેટ-બાથરૂમનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. વળી, દર વર્ષે નવી ચાદર-ગાદલા આપવાનો નિયમ હોવા છતાં વિદ્યાર્થીઓને નવી ચાદર, ગાદલા આપવામાં આવ્યા નથી.