માઇક્રોવેવ ઓવનમાં આપણે જ્યારે ખોરાક ગરમ કરીએ છીએ ત્યારે ખોરાકમાં રહેલા પાણીના અણુઓમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે, ઘર્ષણ પેદા થાય છે અને ખૂબ જ ગરમી ઉત્પન્ન થાય છે જે ખોરાકમાંના બેક્ટેરિયાને મારી નાખે છે. પરંતુ માઇક્રોવેવ ઓવનની આજુબાજુની દિવાલ તથા કાચની પ્લેટ પર રહેલાં બેક્ટેરિયાને કોઈ હાનિ થતી નથી. એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે ઘરના રસોડામાં રોજિંદા ઉપયોગમાં વપરાતા માઈક્રોવેવ ઓવનની જુદી જુદી સપાટી તથા કાચની પ્લેટની તપાસ કરવામાં આવી હતી અને ત્યાં આપણા શરીરની ચામડી ઉપર રહેતા બેક્ટેરિયા પણ જોવા મળ્યા હતા અને બેક્ટેરિયાની વૃદ્ધિ પણ જોવા મળી હતી.
આ બેક્ટેરિયા વ્યક્તિને બીમાર કરી શકે છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જે સાબિત કરે છે કે માઈક્રોવેવ ઓવનને ચાલુ કરવાથી અંદરના બેક્ટેરિયા મૃત્યુ પામતા નથી કારણ કે બેક્ટેરિયાના શરીરમાં રહેલ પાણી ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે જેના અણુઓમાં ધ્રુજારી પેદા થતી નથી કે ઘર્ષણ થતું નથી કે ગરમી ઉત્પન્ન થતી નથી તેથી તેઓ તે બેક્ટેરિયા સંપૂર્ણપણે સલામત રીતે રહી શકે છે અને વૃદ્ધિ પણ પામે છે. માઇક્રોવેવ ઓવનની અંદરની સપાટી પણ રસોડાની સપાટી જેટલી જ ગંદી હોય છે તેથી નિયમિત રીતે માઇક્રોવેવ ઓવનને પણ સાબુના પાણી અથવા બ્લિચિંગ પાઉડરના પોતાથી સાફ કરવું અનિવાર્ય છે.
અમેરિકા -ડૉ ચંદ્રેશ જરદોશ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.