Charchapatra

પછડાટ

પછડાટ એટલે પછડાવું તે. શારીરિક પછડાટથી શરીરને ઈજા, વેદના થાય એવું બને પણ પછડાટ પછી ઊભા રહેવાની, ઊભા થવાની જરૂર છે. હાલ ચોમાસામાં એક સમાચાર સાંભળવા મળે, હવામાન ખાતાની આગાહી છે કે અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હોઈ માછીમારોએ દરિયો ખેડવો નહિ, એટલે દરિયામાં જવાની મનાઈ હોય છે. જો કે વરસાદ ન હોય અને માછીમારો દરિયામાં ગયા હોય ને અચાનક મુશળધાર વરસાદ તૂટી પડે ત્યારે બોટ સાથે થપાટ ખાવી પડે. અલબત્ત, થપાટની સાચી સમજ દરિયો ખેડનાર મછવારોને હોય એ બાબત સત્ય છે. આજીવિકા માટે જીવના જોખમે દરિયો ખેડવો પડે, કારણ કે તેમનો વ્યવસાય છે. નિરાશ થયા વિના એ પોતાનું કર્તૃત્વ બજાવે છે. કોઈ વાર નુકસાન ભોગવીને પણ તે કાર્યરત રહે છે.

બોટ છોડીને એ મઝધારે કૂદકો મારતો નથી. વાવાઝોડા સામે ટકવાનું, આ ખમીરવંતી પ્રજાના લોહીમાં હોય છે. વંશપરંપરાગત એ ચાલતું રહે છે. ટૂંકમાં, વિપત્તિઓનો સામનો કરવાની તાકાત એ દરિયોખેડુમાં હોય છે. આ એક દૃષ્ટાંત છે. અહીં વાત પછડાટ પછી ઊભા થવાની છે. જીવન છે તો સમસ્યાઓ અને પડકારો તો આવે પણ નિરાશ કે હતાશ થયા વિના મહેનત, અથાક પુરુષાર્થ  કરવાનો છે. નિરાશા કે નિષ્ફળતામાંથી બહાર નીકળીને ફરી પ્રયાસ કરવાના છે. કોઈ પણ પક્ષના ઉમેદવાર ચૂંટણીમાં પછડાટ પછી પણ રાજકારણમાં પ્રવૃત્ત રહે એ આપણી જાણમાં છે, તો આપણે સૌ કેમ પાછળ રહી જઈએ? સફળતા માટેની તૈયારી કરીએ છીએ એમ પછડાટ સામે ટકી રહેવાની, નિષ્ફળતાને ઝીલવાની તાકાત પણ કેળવવી જ પડે. આમ કરવાથી દરેક ક્ષેત્રમાં આગળ વધી શકાય. શક્તિનો પુંજ સૌમાં સમાયેલો હોય છે, જરૂરી છે એ સ્રોતને ઓળખવાની.
નવસારી           – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top