આણંદ : આણંદના કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલના નવજાત શિશુ વિભાગ દ્વારા બાળકીને ડાયાલિસીસની સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું હતું. આ બાળકીને જન્મથી ગુંગળામણ અને બગાડવાળા ગર્ભજળથી ન્યુમોનિયા અને કિડનીમાં નુકશાન થયું હતું. જેના કારણે ડાયાલિસીસ કરીને તેણીની સારવાર કરી નવજીવન આપવામાં આવી હતી.
ખંભાતની નવજાત જન્મેલી બાળકીને જન્મ સમયે ગુંગળામણ થવાને કારણે અને બગાડવાળા ગર્ભજળથી ન્યુમોનિયા થયો હોવાથી સારવાર અર્થે શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેને કિડનીમાં પણ નુકશાન થયું હોવાથી બચવાની તકો નહીંવત હતી. પરંતુ નવજાત શિશુ વિભાગના ડો. સોમશેખર નિમ્બાલકર, ડો. દિપેન પટેલ, ડો. રેશ્મા પુજારા અને તેમની ટીમે ડાયાલિસીસની સારવાર આપી બાળકીને નવજીવન આપ્યું હતું. બાળકીના પિતા ખેતમજુરી કરીને ગુજરાન ચલાવતા હોવાથી સારવારનો અર્થે પોષી શકે તેમ નહતાં. જેથી સારવાર આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત નિઃશુલ્ક આપવામાં આવી હતી.
ખંભાતની આ સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા થતાં નડિયાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. બાળકી જન્મવાની સાથે રડી નહતી. જેથી નડિયાદની ખાનગી હોસ્પિટલ દ્વારા બાળકીને શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે મોકલી આપવામાં આવી હતી. બાળકીના શરીરમાં ઓક્સિજન પુરતી માત્રામાં પહોંચતો ન હતો. જેથી તેને હોસ્પિટલના નવજાત શિશુ આઈસીયુમાં વેન્ટિલેટર સપોર્ટ હેઠળ 12 દિવસ રાખવામાં આવી હતી. તેનો પેશાબ પણ બંધ થઇ ગયો હતો. જેથી તપાસ કરતાં તેને કિડનીની ગંભીર ઇજા હોવાનું જણાયું હતું. બાળકીને બચાવવા માટે ડાયાલિસીસ કરવું જરૂરી હોવાથી નવજાત શિશુ વિભાગ દ્વારા પેરિટોનિયલ ડાયાલિસીસ કરવાનું નક્કી કર્યું અને બે દિવસ ડાયાલિસીસ કરવામાં આવ્યું હતું.
આ અંગે નવજાત શિશુ વિભાગના નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, નાના બાળકમાં ડાયાલિસીસ કરવું જોખમી, ગુંચવણભર્યું અને ખર્ચાળ પણ છે. પરંતુ ડોક્ટર્સની ટીમે બાળકીને બચાવવા માટે ડાયાલિસીસ કર્યું અને તેમાં તેમને સફળતા પ્રાપ્ત થઇ છે. ડાયાલિસીસ કર્યા બાદ બાળકી સ્વસ્થ થઇ ગઇ અને તેણે માતાનું ધાવણ પણ લેવાનું ચાલુ કરી દીધું છે. તબિયતમાં સંપૂર્ણ સુધારો થતાં બાળકીને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. બાળકીના માતા – પિતાએ બાળકીને સ્વસ્થ જોતાં જ હર્ષની લાગણી અનુભવી હતી.