Vadodara

કાંગારૂની જેમ બાળકને છાતીએ વળગાડી સારવારની નોખી પદ્ધતિ

વડોદરા: વડોદરાના સયાજી હોસ્પિટલમાં બાળ રોગ વિભાગ હેઠળ આવેલી કાંગારૂ મધર કેર સુવિધામાં અધૂરા માસે જન્મેલા બાળકોની તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. અધૂરા માસે જન્મેલા બાળકો ને સ્વસ્થ રાખવા અને ઉછેરવા ની સુવિધા આપતી આ વિશેષ વ્યવસ્થા છે.આ વિભાગમાં 20 પથારી ની સુવિધા ઉપલબ્ધ છે.

બાળ રોગ વિભાગના વડા ડૉ. શીલા ઐયરના નેતૃત્વ હેઠળ વર્ષે ૮૦૦૦ માતાઓની પ્રસૂતિ પછી તેમના બાળકોના આંતરિક અંગોની આધુનિક ઉપકરણો દ્વારા નિયમિત રીતે ચકાસણી અને સારવાર કરવામાં આવે છે.

દર મહિને લગભગ ૨૫૦૦ બાળકોની શ્રવણ શક્તિની તપાસ કરવામાં આવે છે. ડૉ. શીલા ઐયર દ્વારા જણાવવામાં આવ્યું કે એસ.એસ.જી.ના બાળ રોગ વિભાગમાં છોટાઉદેપુર, પંચમહાલ, દેવગઢબારિયા તથા અલીરાજપુરથી નાગરિકો બાળકોની સારવાર માટે આવે છે.

બાળ રોગ વિભાગના કાંગારૂ મધર કેરમાં અધૂરા માસે જન્મેલા બાળકોને ઓક્સિજન, વેન્ટિલેટર તથા ઉષ્મા આપવા માટે આધુનિક સુવિધાઓ ફાળવવામાં આવી છે. આ વિભાગમાં માતાની ગેરહાજરીમાં, બાળકના પિતા, દાદી અથવા બીજા કોઈપણ સંબંધી તેના સારવાર અર્થે તેની સાથે રહી શકે છે.

આ પદ્ધતિથી બાળક હૂંફ અને લાગણી અનુભવે છે જેથી તેનો માનસિક વિકાસ ઝડપથી થાય છે. કાંગારૂ મધર કેરમાં આવતા બાળકોને સરકારની ખિલખિલાટ વાન સેવા દ્વારા સયાજી હોસ્પિટલમાં લાવવા અને ઘરે પહોંચાડવાની સુવિધા આપવામાં આવે છે.

ડૉ. શીલા ઐયરએ જણાવ્યું કે બાળ રોગ વિભાગના કર્મચારી નર્સે તેમના અધૂરા માસે જન્મેલા બાળકની સારવાર અર્થે બાળકને કાંગારૂ મધર કેરમાં રાખ્યું હતું. તે નર્સની ગેરહાજરીમાં તેમની  સહ-કર્મચારી બહેનો એ આ પદ્ધતિ હેઠળ તેમના બાળકની સારસંભાળ રાખી હતી. સારવાર લેતા બાળકોને ૬ થી ૮ અઠવાડીયે રજા આપવામાં આવે છે.

કાંગારૂની જેમ જ માતા પોતાના બાળકને છાતી સરસું ચાપીને તેને સારવાર આપી શકે તેવું આ કાંગારૂ મધર કેર સેન્ટર, અધૂરા માસે જન્મેલા નવજાત શિશુઓ માટે વરદાન રૂપ છે.

કાંગારુ ને કુદરતે એક કોથળી આપી છે જેથી એ પોતાના બચ્ચા ને સતત છાતી સરસુ રાખીને ઉછેરી શકે છે.કાંગારુ મધર કેર એ જ સિદ્ધાંત પર અધૂરા માસે જન્મેલા બાળકોના વિકાસ ને સરળ બનાવવા વિકસાવેલી પધ્ધતિ છે.

ગર્ભમાં બાળકનો વિકાસ માતાના શરીર સાથેના બોન્ડિંગ થી થાય છે.લગભગ એવું જ વાતાવરણ બાળકને આ પધ્ધતિ હેઠળ મળે છે જે આવા નવજાત શિશુઓ ના સ્વસ્થ ઉછેર ને કુદરતી વેગ આપવામાં મદદરૂપ બને છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top