SURAT

88 વર્ષથી અવનવી સ્વિટ્સથી સુરતીઓને “સ્વીટ” બનાવી રહી છે બાબુભાઈની મીઠાઈઓ

સુરતીઓના સ્વાદના શોખને સહુ કોઈ જાણે છે બસ સુરતીઓને અવનવી ડિશ આરોગવા માટે કોઇને કોઈ બહાનું જોઈએ. આજથી 100 વર્ષ પહેલાં સુરતીઓના મીઠાઈના સ્વાદને સંતોષવા માટે સુરતમાં 2થી 3 જેટલી દુકાનો હતી. ત્યારે સુરતની વસ્તી પણ મુશ્કેલથી સવા લાખની આસપાસ હશે. એ સમયે ચારથી 5 પ્રકારની મીઠાઈઓ જ બનતી હતી. એવાં સમયે 88 વર્ષ પહેલાં બાબુભાઈની મીઠાઈઓ પેઢી અસ્તિત્વમાં આવી હતી. ત્યાર પહેલાં આ પેઢીનાં સ્થાપક અને તેમના ભાઈ લોકોના ઘરે જઈને મીઠાઈઓ બનાવતાં. તેમની મીઠાઈઓનો સ્વાદ સુરતીઓના દાઢે એવો વળગ્યો છે કે આજે પણ આ પેઢીની 112 પ્રકારની અવનવી મીઠાઈઓના સુરતીઓ દિવાના છે. આ પેઢીની મીઠાઈઓ માત્ર સુરતીઓની જ મનભાવન મીઠાઈ નથી પણ વિદેશોમાં પણ વાર-તહેવારે આ પેઢીની મીઠાઈઓનો સ્વાદ ચાખવામાં આવે છે. આજે 88 વર્ષે પણ બાબુભાઈની મીઠાઈઓના સુરતીઓ કેમ દિવાના છે તે આપણે આ દુકાનના ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

કોરોનામાં 45 દિવસ દુકાન બંધ રહી, લાખોનું નુકસાન: ચિન્મય મીઠાઈવાળા
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક ચિન્મયભાઈ મીઠાઈવાળાએ જણાવ્યું કે કોરોનાનો સમય સૌથી અઘરો ટાઈમ હતો 45 દિવસ દુકાન બંધ રહી હતી એક્દમથી લોકડાઉન આવેલું એટલે દુકાન બંધ રહેતાં મીઠાઈઓનો માલ પડી રહ્યો પછી તે માલ ડીસ્પોઝ કરવો પડ્યો હતો 25થી 30 લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું હતું. કોરોનાના 2020-21માં રૂટિન કરતા 25 ટકા જ મીઠાઈઓનું વેચાણ થયું હતું ખાસ્સો આર્થિક ફટકો પડયો હતો.

બાબુભાઇ નિઃ સંતાન હોવાથી ભત્રીજાને દુકાનનું સંચાલન સોંપ્યું
આ પેઢીની સ્થાપના કરનાર બાબુભાઈને કોઈ સંતાન નહીં હોવાથી તેમના નાના ભાઈ આત્મારામ મીઠાઈવાળાના પુત્ર છબીલદાસે પેઢીનું સંચાલન હાથમાં લીધું. તેમના સમયમાં બુંદીના લાડુ, દૂધીનો હલવો, ચીકુનો હલવો, નારંગી બરફી, દૂધ બદામ બરફી, રોજ ગુલાબ બરફી, પીસ્તા બરફી, ફ્લેવરવાળી મીઠાઈઓનું ચલણ શરૂ થયું હતું.

અમૃતપાક મીઠાઈ હવે માત્ર ઓર્ડરથી જ બને છે
એ સમયે સુરતમાં પેંડા, ઘારી, બરફી અને મોહનથાળ તથા અમૃતપાક મીઠાઈઓ જ બનતી અને વેચાતી મીઠાઈઓની અવનવી વેરાયટીઓ નહીં હતી. અમૃત પાક રવો, ઘી અને ખાંડનો બનતો જે હવે મીઠાઈની દુકાનોમાં જોવા નથી મળતો તેને હવે ઓર્ડર લઈને બનાવવામાં આવે છે.

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મોટી ઘારી બનાવવાનો રેકોર્ડ
ચિન્મયભાઈ મીઠાઈવાળાએ જણાવ્યું કે 26 ડિસેમ્બર 2021માં મોટી ઘારી 16 કિલો 300 ગ્રામની ઘારી બનાવી હતી જેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું. અને સૌથી નાની 15 ગ્રામની ઘારી પણ બનાવી. ઘારી સામાન્ય રીતે 70થી 80 ગ્રામની હોય છે. સૌથી મોટી અને સૌથી નાની બંને ઘારી બદામ-પીસ્તા ઘારી હતી. પછી આ ઘારી ડિસ્પોઝ કરી હતી અને એટલી જ મોટી ઘારી બનાવી અનાથ આશ્રમમાં બાળકોને ખવડાવી હતી તથા આટલાં જ વજનનો સાલમપાક બનાવી ભાઠાના વૃદ્ધાઆશ્રમમાં આપ્યો હતો.

1994-95માં ભાગળની દુકાન ડીમોલિશનમાં તૂટી
ચિન્મય મીઠાઈવાળાએ જણાવ્યું 1994-95માં સુરત મહાનગર પાલિકાના કમિશનર રહેલા એસ.આર.રાવના સમયે ચોકથી ભાગળ જવાના રસ્તા પર ડાબી બાજુની દુકાનોનું ડિમોલિશન રસ્તો પહોળો કરવા માટે થયું હતું ત્યારે અમારી ભાગળ પરની આખી દુકાન તૂટી હતી જે 22 ફૂટ લાંબી અને 8 ફૂટ ઊંડી હતી. ત્યારે ભાગળ પર જ કોર્નર પર દુકાન લીધેલી હતી તેનો પણ 14 ફૂટ હિસ્સો કપાયો આ દુકાન અત્યારે માત્ર 8 બાય 8 રહી છે.

  • વંશવેલો
  • બાબુભાઈ હરકિશનદાસ મીઠાઈવાળા
  • આત્મારામ હરકિશનદાસ મીઠાવાળા
  • છબીલદાસ આત્મારામ મીઠાવાળા
  • ધનસુખભાઈ છબીલદાસ મીઠાઈવાળા
  • મોહનભાઇ છબીલદાસ મીઠાઈવાળા
  • વસંતભાઈ છબીલદાસ મીઠાઈવાળા
  • સન્મુખભાઈ છબીલદાસ મીઠાઈવાળા
  • હસમુખભાઈ છબીલદાસ મીઠાઈવાળા
  • ચિન્મયભાઈ સન્મુખભાઈ મીઠાઈવાળા

U.S., ઓસ્ટ્રેલિયા, U.A.E., કેનેડામાં જાય છે મીઠાઈ
આ દુકાનની કોઈન ઘારી( મલાઈ બદામ પીસ્તા) ઘારી ઉપરાંત કાજુકતરી અને અન્ય સ્વીટ્સ માટે U.S., U.A.E., ઓસ્ટ્રેલિયા અને કેનેડાથી ઓનલાઇન ઓર્ડર મળે છે. ત્યાં મોડીફાઇડ એટમોસ્ફીયર પેકેજિંગમાં મીઠાઈઓ મોકલવામાં આવે છે જેનાથી મીઠાઈઓની લાઈફ વધારે રહે છે. જ્યારે ત્યાંથી લોકો સુરત આવે છે ત્યારે પણ મીઠાઈઓ વિદેશ લઈ જાય છે.

2006ના પુરમાં 4થી 5 ટન માવાની મીઠાઈઓ ડીસ્પોઝ કરવી પડી: સન્મુખભાઈ મીઠાઈવાલા
આ દુકાનની ત્રીજી પેઢીનાં સંચાલક સન્મુખભાઈ મીઠાઈવાળા (જેમણે સન્યાસ લીધો છે) એ જણાવ્યું કે 2006માં સુરતમાં ભયંકર પુર આવ્યું હતું ત્યારે રેલવે સ્ટેશન પરની તેમની દુકાનમાં એક ફૂટ પાણી ભરાયું હતું, અડાજણ ધનમોરાની આખી દુકાન પાણીમાં ડૂબી હતી, નાનપુરાની આખી દુકાન પણ પાણીમાં ડૂબી હતી તથા ભાગળની દુકાનમાં 6 ફૂટ પાણી ભરાયું હતું, નાણાવટની દુકાનમાં પાણી નહીં ભરાયું હતું. પાણી ભરાવાને કારણે 4થી 5 ટન માવાની મીઠાઈ, 2થી અઢી ટન ડ્રાયફ્રૂટની સ્વીટ્સ ડીસ્પોઝ કરવી પડી હતી. અમારી ચાર દુકાનમાં ઇન્ટિરિયરને પણ નુકસાન થયું હતું . આ પુરમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

1973માં ઘારી 50-55 રૂપિયે કિલો મળતી હતી: આશાબેન મીઠાઈવાળા
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક ચિન્મયભાઈના માતા આશાબેને જણાવ્યું કે 1934થી 50ના સમય ગાળામાં એક રૂપિયે કિલો મીઠાઈ વેચાતી હતી. 1973માં મિક્સ માવા મીઠાઈ 18 રૂપિયે કિલો વેચાતી હતી. જ્યારે કેસર ઘારી 55 રૂપિયે કિલો અને પીસ્તા ઘારી 50 રૂપિયે કિલો વેચાતી. તે ટાઈમે ઘીની મીઠાઈઓનું ચલણ હતું. ખાજલી, દહીથરા (જે મેંદાની બનતી તેને ચાસણીમાં ડૂબાડતા), બાલુશાહી, ગગન ગાંઠીયા મીઠાઈનું ચલણ હતું.

112 પ્રકારની મીઠાઈઓ
હાલમાં આ પેઢીની 5 દુકાનોમાં 112 પ્રકારની મીઠાઈઓનો સ્વાદ સુરતીઓ માણી શકે છે. સન્મુખભાઈએ આઉટ ઓફ સ્ટેટની મીઠાઈઓ જેમકે, ઘેવર, ગુલાબ જામુન, રસગુલ્લા આદિ નવી સ્વીટ્સનો ટેસ્ટ સુરતીઓને આપવાનું શરૂ કર્યું હતું. સુતરફેણી પણ વેચવાનું શરૂ કર્યું હતું આ ઉપરાંત તેઓ ધંધાકીય કામ માટે અલગ-અલગ જગ્યાએ જતા તેઓ 1985માં મુંબઈ ગયા હતાં ત્યારે કરાચીનો હલવો આઇસ હલવો ટેસ્ટ કર્યો હતો. તેમણે સુરતમાં બે વખત તેને બનાવાનો પ્રયાસ કર્યો હતો તેમાં સફળ થતાં આ મીઠાઈ તેમણે પોતાની દુકાનમાં વેચવાનું શરૂ કર્યું હતું. દૂધીનો હલવો તેમની મોનોપોલી છે. બાબુભાઈની મીઠાઈઓ દુકાનમાં આવતા ગ્રાહકો અહીંના દૂધીના હલવાની ડિમાન્ડ કરતાં હોય છે. તેમાં માવા અને દૂધીનો રેશિયો એવી રીતે સેટ કરાયો છે કે લોકો દૂધીનો હલવો આંગળા ચાટીને ખાય છે.

શરૂઆતમાં ટોકરીમાં મીઠાઈઓ લઈ શેરીઓમાં ફરી-ફરીને વેચતા
આ પેઢીની સ્થાપના બાબુભાઈ હરકીશનદાસ મીઠાઈવાળા અને તેમના ભાઈ આત્મારામભાઈએ કરી હતી. પેઢીની સ્થાપના પહેલાં 1928માં આ બંને ભાઈઓ લોકોના ઘરે પ્રસંગોમાં જઈને મીઠાઈઓ બનાવતા. લોકોને આ બંને ભાઈઓના હાથની મીઠાઈઓ ભાવતી એટલે પછી ટોપલામાં અલગ-અલગ મીઠાઈઓ લઈને સુરતમાં ફેરી ફરીને વેચતા. લોકોનો રિસ્પોન્સ સારો મળતા 1933માં ચોટા બજારમાં વિઠ્ઠલવાડીની સામે રહેતા ત્યાં ઘરના કિચનમાં મીઠાઈઓ બનાવતાં અને ઓટલાં પર વેચતા ત્યારબાદ 1934માં પ્રતાપ પ્રેસની ગલીમાં મકાન શિફ્ટ કરેલું ત્યાં ઉપરના ભાગે રહેતા અને નીચેના ભાગમાં મેન્યુફેક્ચરિંગ યૂનિટ શરૂ કર્યું હતું તેની બહારની સાઈડ રોડ પર પર બાબુભાઈની મીઠાઈઓના નામે દુકાન શરૂ કરી હતી. જોકે આ દુકાન ડીમોલિશનમાં કપાતમાં ગઈ.

Most Popular

To Top