સુરત: (Surat) અમરોલી (Amroli) ખાતે આવેલી કોલેજમાં (College) સ્પોર્ટ્સ ડેની (Sports Day) ડીજે પાર્ટી (DJ Party) પુર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ (Students) અને કેટલાક લોકો વચ્ચે ઝઘડો (Fight) થયો હતો. બાદમાં વિજય મેરને બે વ્યક્તિઓએ રોકીને ‘તમને બહુ હવા છે તમે લોકોએ મેદાનમાં કેમ ઝઘડો કર્યો અને હવે તને તો નહીં છોડીયે’ કહીને માર માર્યો હતો. વિજયે કબ્રસ્તાનમાં સંતાઈ જઈ તેના મિત્રને ફોન કર્યો હતો. મિત્ર આવીને તેને હોસ્પિટલમાં લઈ ગયો બાદમાં પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી હતી.
અમરોલી ખાતે કોસાડ આવાસમાં રહેતો 20 વર્ષીય વિજય ધુડાભાઈ મેર એમરોલી કોલેજમાં બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વિજયે અમરોલી પોલીસ સ્ટેશનમાં શેફ ખાન (રહે,અમરોલી ગામ મસ્જીદ મહોલ્લો) અને વિપુલ વણઝારાની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ બુધવારે સવારે તેમની કોલેજમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કોસાડગામ વેળીનાથ ગરનાળાની બાજુમાં આવેલા મેદાનમાં કરાયું હતું. બપોરે રમત પૂર્ણ થતાં કોલેજના વિદ્યાર્થીઓ તથા કેટલાક લોકો ડીજે ઉપર ડાન્સ કરતા હતા. ત્યારે તેમની વચ્ચે અંદર અંદર ઝઘડો થયો હતો.
બાદમાં વિજય તેના મિત્ર ઉજવલવાળા સાથે બાઈક પર ઘરે જવા નીકળ્યા બાદ કોસાડ લેક ગાર્ડન સામે પાણી પીવા ઉભા રહ્યા હતા. ત્યારે શેફખાન તથા તેનો મિત્ર વિપુલ ત્યાં આવ્યા અને શેફખાને વિજયને ‘તમને બહુ હવા છે તમે લોકોએ મેદાનમાં કેમ ઝઘડો કર્યો અને હવે તને તો નહીં છોડીયે’ તેમ કહીને દાળો આપી હતી. વિજયે ગાળો બોલવાની ના પાડતા શેફખાને ઉશ્કેરાઈને લોખંડના પાઈપ વડે વિજયને ફટકો માર્યો હતો.
બીજો ફટકો મારે તે પહેલા મિત્ર ઉજવલે વચ્ચે પડી છોડાવ્યો હતો. વધારે મારથી બચવા માટે કોસાડ ગામના કબ્રસ્તાનમાં ઘુસી ગયો હતો. ત્યારે વિજયના મિત્ર જીગ્નેશ પ્રજાપતિનો ફોન આવતા તેને આ ઘટનાની વાત કરી હતી. જીગ્નેશે આવીને બાઈક ઉપર બેસાડી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાંથી વધારે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પોલીસે તેનું નિવેદન લીધા બાદ ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.