National

ભોલે બાબા દાન નથી લેતા છતાં કરોડોના માલિક, અનેક શહેરોમાં મકાન, પોતાની પ્રાઈવેટ આર્મી

ભોલે બાબાના (Bhole Baba) હાથરસ સત્સંગમાં થયેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા પરંતુ FIRમાં બાબાનું નામ પણ નથી. ઘટના બાદથી તે ગુમ છે. મૈનપુરીમાં તેમના આશ્રમની (Ashram) બહાર 50થી વધુ પોલીસકર્મીઓ તૈનાત છે. બાબા સૂરજ પાલ ઉર્ફે નારાયણ હરી સાકર વિશે હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. આ ઉપરાંત હાથરસ અકસ્માતનો મુખ્ય આરોપી અને બાબાનો નોકર દેવપ્રકાશ મધુકર પણ ફરાર છે. દરમિયાન બાબાની લક્ઝિરયસ લાઈફ અંગે એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. બાબા પોતાના આશ્રમમાં હિંચકા પર બેસીને પ્રવચન આપતા અને તેમની આસપાસ મહિલા સેવકો હાજર રહેતી હતી. એક રૂપિયો પણ દાનમાં નહીં લેવા છતાં બાબાના અનેક શહેરોમાં મકાન હોવાનું પણ સામે આવ્યું છે. ત્યાં સુધી કે બાબાની પોતાની પ્રાઈવેટ આર્મી પણ છે.

બાબા મૈનપુરીમાં એક આલીશાન આશ્રમમાં રહે છે. અહીં તેમના અને તેમની પત્ની માટે 6 મોટા રૂમ આરક્ષિત છે. અહીં પરવાનગી વગર કોઈ જઈ શકતુ નથી. તેમના આશ્રમમાં 80 નોકર તૈનાત છે. બાબાનો આ આશ્રમ લગભગ 21 વીઘામાં ફેલાયેલો છે. બાબાનું સામ્રાજ્ય શહેર-શહેરમાં ફેલાયેલું હતું. એ પણ રસપ્રદ છે કે કહેવાતા ભોલે બાબા તેમના ભક્તો પાસેથી કોઈ દાન, દક્ષિણા કે પ્રસાદ લેતા નથી પરંતુ તેમ છતાં તેમના ઘણા આશ્રમો સ્થપાયા છે. ઉત્તર પ્રદેશમાં અન્ય ઘણી જગ્યાએ માલિકીની જમીન પર આશ્રમો સ્થાપવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં બાબાના અનેકો એકર જમીન પર આશ્રમ છે, જ્યાં સતત સત્સંગ કાર્યક્રમો યોજાય છે.

ભોલે બાબાના કાફલામાં દરેક સમયે 25થી 30 લક્ઝરી કાર હોય છે. બાબા પોતે ફોર્ચ્યુનર ચલાવે છે. તેમનો પહેરવેશ જોઈને કોઈ પણ એમ ન કહી શકે કે તેઓ બાબા છે અને અનેક રાજ્યોમાં તેમના હજારો ભક્તો છે. ઉત્તર પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં પણ બાબાના ભક્તો હાજર છે. સૂરજપાલ સિંહ જાટવ એટા જિલ્લાથી અલગ થયેલા કાસગંજના પટિયાલીના બહાદુરનગર ગામના રહેવાસી છે. જોકે હવે બાબા ભાગ્યે જ તેમના ગામ જાય છે. પરંતુ બહાદુરનગર બાબાના જન્મસ્થળ તરીકે પ્રખ્યાત છે જ્યાં દરરોજ લોકોની મોટી ભીડ પહોંચે છે. બાબાનું અહીં મોટું સામ્રાજ્ય છે. બાબાના અનુયાયીઓનો સૌથી મોટો વર્ગ અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી શ્રેણીનો છે. બાબાને ભક્તોમાં ઘણા નામોથી ઓળખવામાં આવે છે – નારાયણ સાકાર હરિ, વિશ્વ હરિ, ભોલે બાબા… પરંતુ તેમનું સાચું નામ સૂરજપાલ સિંહ જાટવ છે. જેમની ઉંમર 58 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.

બાબાની પોતાની ખાનગી સેનામાં મહિલા કમાન્ડો પણ
બાબા હંમેશા સફેદ વસ્ત્રોમાં તૈનાત અંગત સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલા હોય છે, કાર્યક્રમમાં પણ સુરક્ષાની જવાબદારી સેવાદારની હોય છે. તેમના ટ્રસ્ટ સાથે સેંકડો સેવકો જોડાયેલા છે. આ યુનિફોર્મ કમિટી દ્વારા આપવામાં આવે છે. જો અહેવાલોનું માનીએ તો બાબાની પોતાની સેના છે જેમાં મહિલા કમાન્ડો અને પુરુષ કમાન્ડો સામેલ છે. ઉપદેશ દરમિયાન, મેનેજમેન્ટની સંપૂર્ણ જવાબદારી આ ખાનગી સેના પર હોય થે. પોલીસને પણ અંદર જવા દેવામાં આવતી નથી. સીએમ યોગીથી લઈને સમગ્ર વહીવટીતંત્રે તે વિશે વાત કરી છે કે કેવી રીતે બાબાની સેના પોલીસ પ્રશાસનને સ્થળમાં પ્રવેશવા દેતી નથી.

કાર્યક્રમ દરમિયાન સેંકડો સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ સેવાની જવાબદારી સંભાળે છે તે ટ્રસ્ટના લોકોએ પણ સ્વીકાર્યું છે. કમિટી પાણી, ખાદ્યપદાર્થોથી લઈને વાહનવ્યવહાર સુધીની દરેક વસ્તુ સરળતાથી ચાલે તે માટે વ્યવસ્થા કરે છે. ઉત્તર પ્રદેશના લગભગ દરેક શહેરમાં પુરૂષ અને મહિલા સેવાદાર છે જેઓ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. માહિતી અનુસાર સૂરજ પાલ સિંહે પોતાની નારાયણી સેના બનાવી હતી, જેમાં મોટાભાગે મહિલા રક્ષકો છે. આ સેના આશ્રમથી લઈને સત્સંગ સુધી બાબાની સેવા કરતી હોય છે. આ સેના માટે ખાસ ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો છે.

Most Popular

To Top