હાલ કોલેજમાં પ્રવેશની મોસમ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ વિવિધ સંસ્થાઓમાં વિવિધ કોર્સિસમાં પ્રવેશ માટેની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. એવો જ એક આકર્ષક અભ્યાસ એટલે બી.એડ્.નો અભ્યાસ. અનેક વિદ્યાર્થીઓ બી.એડ્.નો અભ્યાસ કરીને શિક્ષક તરીકે કારકિર્દી બનાવવાનું સ્વપ્ન રાખે છે. બી.એડ્.ની પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે આ વખતે એક ખૂબ જ ખતરનાક ટ્રેન્ડનાં સાક્ષી બનવાની કમનસીબ તક મળી છે. ઘણાં વિદ્યાર્થીઓ જ્યારે પ્રવેશ કન્ફર્મ કરાવવા આવે છે ત્યારે અથવા પ્રવેશ માટેની માહિતી માંગે છે ત્યારે એવું પૂછે છે કે; અમારે ઘરે બેસીને (એટલે સમજી ગયા ને!) બી.એડ્.કરવું છે. કેટલાક એવી ઓફર કરે છે કે માત્ર પરીક્ષા આપવા આવીશું.
તો વળી કેટલાક એવી ઓફર કરે છે કે અઠવાડિયામાં એક કે બે દિવસ આવીશું. વાસ્તવમાં બી.એડ્.એ ફૂલ ટાઇમ રેગ્યુલર કોર્સ છે. ઘરે બેસીને બી.એડ્. કરી શકાય નહી પણ કેટલાક લોકો કરે છે. વાસ્તવમાં બી.એડ્.એ તાલીમી અને નિયમિત કોર્સ છે. સમાજમાં શિક્ષકનાં સ્થાન અને ભૂમિકા વિશે અનેક લેખકો અને ચિંતકો દ્વારા ખૂબ સુંદર અને ઉચ્ચ કક્ષાની વાતો કહેવાઈ છે ત્યારે આ પરિસ્થિતિ ગ્લાનિ ઉપજાવે છે. આપણે બધા આપણી કક્ષાએથી આ પરિસ્થિતિ અંગે ચિંતન અને પ્રયાસો કરીશું તો ચોક્કસ આપણું સામાજિક ઉત્તરદાયિત્વ અદા કરી શકીશું.
નવસારી – ઇન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.