National

બે પાન કાર્ડ રાખવા બદલ આઝમ ખાન અને તેના પુત્રને 7 વર્ષની જેલ

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ભૂતપૂર્વ મંત્રી આઝમ ખાન તથા તેમના પુત્ર અને ભૂતપૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લા ખાનને બે પાન કાર્ડ કેસમાં રામપુરની કોર્ટએ દોષિત ઠેરવીને સાત વર્ષના કેદની સજા સંભળાવી છે. ચુકાદા બાદ બંનેને તરત કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કેસનો આજ રોજ તા. 16 નવેમ્બર 2025એ અંતિમ ચુકાદો આવ્યો છે.

શું હતો મામલો?
આ કેસની શરૂઆત તા. 6 ડિસેમ્બર 2019ના રોજ થઈ હતી. જ્યારે ભાજપના ધારાસભ્ય આકાશ સક્સેનાએ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. આ FIRમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે અબ્દુલ્લા ખાને બે અલગ અલગ જન્મ તારીખોનો ઉપયોગ કરીને બે પાન કાર્ડ બનાવ્યા હતા.

એક પાન કાર્ડમાં તેમની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1993 દર્શાવવામાં આવી હતી. જ્યારે બીજા પાન કાર્ડમાં 30 સપ્ટેમ્બર 1990 ની તારીખ જોવા મળી હતી. ભાજપના ધારાસભ્યના અનુસાર આ બે પાન કાર્ડ ખોટા અને બનાવટી દસ્તાવેજો દ્વારા તૈયાર કરાયા હતા.

તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે અબ્દુલ્લા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી અને કેસ MP–MLA સ્પેશિયલ કોર્ટ (મેજિસ્ટ્રેટ ટ્રાયલ)માં ચાલી રહ્યો હતો. લાંબા સમયથી ચાલતી પ્રક્રિયા બાદ ન્યાયાધીશ શોભિત બંસલે આજે તા. 17 નવેમ્બરે આઝમ ખાન અને અબ્દુલ્લા બંનેને દોષિત જાહેર કર્યા.

ચુકાદાના દિવસે કોર્ટ પરિસરમાં ભારે ભીડ જોવા મળી હતી. ચુકાદો શું આવશે તેની ઉત્સુકતામાં ભાજપ તથા સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કોર્ટ બહાર એકત્ર થયા હતા. સંભવિત તણાવને ધ્યાનમાં રાખી પહેલાથી જ પોલીસ તંત્ર દ્વારા કોર્ટ પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

કોર્ટનો આ નિર્ણય ઉત્તર પ્રદેશની રાજનીતિમાં નવા વિવાદો ઉભા કરી શકે છે કારણ કે આઝમ ખાન પહેલાથી જ અનેક કેસોમાં ઘેરાયેલા છે. હવે આ ચુકાદા બાદ તેમના રાજકીય કારકિર્દી પર વધુ અસર પડી શકે છે.

આ દરમ્યાન સમાજવાદી પાર્ટીની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિય મળી નથી. જ્યારે ભાજપના નેતાઓએ કોર્ટે આપેલા નિર્ણયને “ન્યાયની જીત” ગણાવી છે.

Most Popular

To Top