Business

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ભારતની આઝાદીની લડતનો વારસો

ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતે બ્રિટિશ રાજય પાસેથી આઝાદી પ્રાપ્ત કરીને ત્રિરંગો ઝંડો લહેરાવ્યો. ત્યાર બાદ આ દેશે લોકશાહી અને પ્રજાસત્તાક વ્યવસ્થાને અનુરૂપ રાજકીય અને સામાજિક મૂલ્યોને આધારે અનેક ક્ષેત્રોમાં આશ્ચર્યજનક તરક્કી કરી છે. પાકિસ્તાને મિલિટરી ડીકટેટરશીપ વિકસાવી; ભારતે લોકશાહીની રીતરસમો વિકસાવી. તેથી ૨૦૨૧નું ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે તે સ્વાભાવિક છે. વિશ્વભરનાં સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસમાં ભારતની આઝાદીની લડત અજોડ અને અદ્વિતીય ગણાય છે કારણ કે તે સત્ય અને અહિંસાના પાયા પર રચાયેલી પ્રચંડ માસ મુવમેન્ટ હતી. આ લોકલડતનાં સારાં તેમ જ નબળાં પાસાંઓ હતાં. તેની જાણકારી મહત્ત્વની છે. આ લડતમાંથી આજે શીખવા જેવું ઘણું છે.

કોમ્પોઝિટ કલ્ચરની આવશ્યકતા

મહાત્મા ગાંધીની ‘કોમ્પોઝિટ કલ્ચર’ અને હિંદુ – મુસ્લિમ એકતાની વાત ટકી શકી ન હતી. ધર્મને આધારે મહંમદઅલી ઝીણા અને મુસ્લિમ લીગ છેવટે પાકિસ્તાન લઇને જ જંપ્યા હતા! ‘હિન્દુ અને મુસલમાન એ બન્ને ભિન્ન કોમો, સંસ્કૃતિઓ અને રાષ્ટ્રો છે’ – તેવી ‘Two Nation Theory’ની સ્ક્રિપ્ટ બ્રિટિશ સામ્રાજયવાદીઓએ અગાઉથી તૈયાર કરી રાખી હતી. અંગ્રેજોએ જોયું હતું કે ૧૮૫૭-૫૮ માં હિંદુ અને મુસલમાનોએ એક સંપ થઇને તેમની સામે હિંસક ક્રાંતિ કરી હતી જે ૧૭૭૬-૧૭૮૩ ની અમેરિકન ક્રાંતિને અનુરૂપ હતી. અંગ્રેજોએ તે કચડી નાંખ્યા બાદ ‘ડીવાઇડ એન્ડ રૂલ’ની કૂટનીતિ અપનાવી. તેમાંથી ૧૯૦૬ માં ઓલ ઇન્ડિયા મુસ્લિમ લિગની સ્થાપના થઇ અને ૧૯૪૦ બાદ તે પાકિસ્તાન મુવમેન્ટમાં રૂપાંતરિત થઇ. હિંદના ભાગલા પડયા. ગાંધીજી નિષ્ફળ નીવડયા; ઝીણા અને અંગ્રેજો સાચા ઠર્યા.

આ દૃષ્ટિએ જોઇએ તો હિંદના સ્વાતંત્ર્ય સંગ્રામનો સૌથી મોટો પદાર્થપાઠ એ છે કે જો આજે ભારતે તેની અસહ્ય ગરીબી, બેકારી અને આર્થિક અસમાનતાને ભેદીને તરકકી કરવી હોય તો તેણે ધર્મને રાજકારણમાંથી છૂટો પાડીને સિવિલ સોસાયટીનાં મૂલ્યો અને સંસ્થાઓ તથા મંડળોને વિકસાવવાં પડશે. તેને માટે ‘ધર્મ’ને થોડોક અંકુશમાં રાખીને ધર્મ-નિરપેક્ષ રાષ્ટ્રીય પહેચાન વધારવી પડશે. રાષ્ટ્રીય એકતાને ભોગે ધાર્મિક ઘેલછા કયાં સુધી?! ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરૂ અને મૌલાના અબ્દુલ કલામ આઝાદ ઉપરાંત ભગતસિંહ જેવા શહીદોનો ધર્મ પ્રત્યેનો ખ્યાલ ઉદાર હતો. તેમાં હિંદુ – મુસ્લિમ – શીખ – ખ્રિસ્તી – જૈનો વચ્ચેની મિત્રાચારી ઉપરાંત અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમો આવી જાય. ભારતની અસંખ્ય મહિલાઓ અને શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની ભૂમિકાને સ્થાન મળે. મહિલાઓ તથા વિદ્યાર્થીઓએ આઝાદીની લડતમાં જે ઉત્સાહપૂર્વક ભાગ ભજવ્યો તે વિશ્વના ઇતિહાસમાં અજોડ ઘટના છે. ૧૯૪૭ થી શરૂ કરીને આજ દિન સુધીમાં ભારતની મહિલાઓએ જે વિકાસ કર્યો છે તે અજોડ છે. જો કે આ તો પાશેરામાં પૂણી પણ નથી. હજુ ઘણું કરવાનું બાકી છે પણ સ્ત્રી-સંઘર્ષના ઇતિહાસમાંથી તો ઘણું નવું શીખવા – જાણવા જેવું છે.

આઝાદીની લડત: પ્રજાકીય આંદોલન

ભારતની આઝાદીની લડતની એક બીજી વિશેષતા તે તેની પ્રચંડ માસ મુવમેન્ટ છે. તિલક, ગોખલે, ગાંધીજી, દાદાભાઇ નવરોજી, સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નહેરૂ, મૌલાના અબુલ કલામ આઝાદ, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, શામજીકૃષ્ણ વર્મા, મેડમ ભીકાજી કામા અને પંડિત મદનમોહન માલવિયા જેવા મોટા મોટા નેતાઓ તો ખરા જ પણ જો તેમને મધ્યમ વર્ગના બૌધ્ધિકો ઉપરાંત લાખો – કરોડો ખેડૂતો, આદિવાસીઓ, દલિતો, ઔદ્યોગિક કામદારો, ખેતમજૂરો અને અન્ય શ્રમજીવીઓનો સાથસહકાર સાંપડયો ના હોત તો અંગ્રેજોને હિંદ છોડવાની ફરજ પડી ના હોત. ૧૯૪૨ની હિંદ છોડોની લડત અમેરિકાના સ્વાતંત્રયુદ્ધની પેટર્ન ઉપર લડાઇ હતી.

અમેરિકાનાં યુદ્ધનું સૂત્ર હતું: ‘Give Me Liberty or Give Me Death’. ‘હિંદ છોડો’ની લડતનું સૂત્ર હતું: ‘Do or Die’ – કરો, યા મરો! આ એક પ્રચંડ એન્ટી-ઇમ્પીરીયાલીસ્ટ વોર હતી. મુદ્દો એ છે કે ભારતના માત્ર નેતાઓ જ નહીં પણ વિરાટ જનતા પણ કૌવતવાળી હતી! આઝાદીની લડતે ભવિષ્ય એ ભાખ્યું કે: ‘ભવિષ્યમાં હિંદની સર્વાંગી તરકકી કરવામાં ભારતની કરોડોની સંખ્યા ધરાવતી આમ પ્રજા મહત્ત્વનો ભાગ ભજવશે.’ મોટાંમોટાં આંદોલનો નેતાઓ દ્વારા શરૂ થાય છે પણ તેને સફળતા તરફ વિરાટ જનતા દોરી જાય છે. સ્વદેશી આંદોલન (૧૯૦૪-૧૯૦૮), ખેડા સત્યાગ્રહ (૧૯૧૮) અસહકારનું આંદોલન (૧૯૨૦-૨૨), બારડોલી સત્યાગ્રહ (૧૯૨૮), સવિનય કાનૂન ભંગની ચળવળ અને દાંડીકૂચ (૧૯૩૦-૩૨) અને ૧૯૪૨ની હિંદ છોડો લડત આ કથનની સાક્ષીરૂપ છે.

સિવિલ સોસાયટી: વિનયી સમાજરચના

ભારતની આઝાદીનું આંદોલન આધુનિક વિચારસરણી અને રીતરસમોમાંથી પ્રગટ થયું હતું. ગાંધીજી ધાર્મિક ખરા, હિંદુ તરીકેની એમની આઇડેન્ટીટી પણ મજબૂત હતી. આમ છતાં પણ તેમનો હિંદુ ધર્મ સંકુચિત નહોતો. તેમાં સર્વધર્મસમભાવ અને કોમી એખલાસની ભાવના હતી અને તે અદ્યતનમાં અદ્યતન લોકશાહી અને પ્રજાસત્તાક તંત્રને અનુરૂપ હતી. ગાંધીજીની આ ભાવના ભારતીય સંસ્કૃતિનાં ‘વિવિધતામાં એકતા’નાં તત્ત્વોમાંથી નિષ્પન્ન થઇ હતી. ગાંધીજીનું સૌથી મોટું પ્રદાન એ હતું કે એમણે ધર્મ, અધ્યાત્મ, અર્થકારણ, રાજકારણ અને સમાજકારણના વિવિધ તારોને ખેંચીખેંચીને એક તરફ આઝાદીની અહિંસક લડત સાથે જોતર્યા હતા અને બીજી તરફ તેમણે રેંટિયો, ખાદી, સ્વદેશી મહિલા ઉત્કર્ષ, દારૂબંધી, રાષ્ટ્રીય કેળવણી અને અસ્પૃશ્યતા નિવારણ જેવા રચનાત્મક કાર્યક્રમો તરફ જોડયા હતા. આ રીતે ભારતમાં જબરદસ્ત ‘એન્ટી-ઇમ્પીરીયાલીસ્ટ માસ મુવમેન્ટ’ થઇ હતી.

માધ્યમોનું પ્રદાન

આજે અખબારો, ટી.વી., મોબાઇલ, ઇન્ટરનેટ સેવાઓ, સામયિકો, નાટક – સિનેમાઓ અને ભાષણો જેવાં ભારતે વિકસાવેલાં માધ્યમો બદલ આ દેશ વિશ્વપ્રસિધ્ધ છે. આઝાદી બાદ તેણે નહેરૂ, ઇન્દિરા ગાંધી, ચૌધરી ચરણસિંહ, મોરારજી દેસાઇ અને રાજીવ ગાંધીથી માંડીને મનમોહનસિંહ, નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની જરા પણ શેહશરમ રાખ્યા વગર પ્રજા સમક્ષ વિગતો અને ઘટનાઓ રજૂ કરી છે. ખાસ મીડિયાએ મકકમ મનોબળ તેમ જ ખમીર રાખીને રાજયસત્તાને પ્રજા ઉપર ચડી બેસતી અટકાવી છે.

સિવિલ પોલિટિકલ લીબર્ટીઝને ગૂંગળાવી નાંખવા માંગતી રાજયસત્તાને તેમ જ તેનાં મળતિયાઓને તેણે અંકુશમાં રાખ્યા છે. આજે આ દેશની નોબત એવી આવી છે કે તમે ભારતીય જનતા પક્ષના એક પણ નેતા કે ટેકેદારને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની જરા જેટલી પ્રસંશા કરતાં નહીં સાંભળો. તેવી જ રીતે કોંગ્રેસ તથા અન્ય પક્ષો બી.જે.પી. જેવા રાષ્ટ્રીય સંગઠનો સામે નર્યું ઝેર ઓકે છે. આવા સંજોગોમાં વસ્તુ સ્થિતિનું બેલેન્સ કરીને માધ્યમો લોકશાહીનો પદાર્થપાઠ શીખવે છે. આઝાદીની લડત વખતે આ દેશનાં છાપાંઓ, નાટકો, રાષ્ટ્રગીતો, સ્વાતંત્ર્ય પત્રિકાઓ, સામયિકો, અને રેડિયો જેવાં માધ્યમોએ લડતનો ફેલાવો કરવામાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

આ અગાઉના લેખોમાં ‘પ્રજાબંધુ અને તેનાં સંતાનરૂપ ‘ગુજરાતમિત્ર’ની  ભૂમિકાનું વર્ણન અને વિશ્લેષણ થઇ ગયું છે. તેથી અત્રે તે સમયની એક હિંદી ફિલ્મ ‘કિસ્મત’નું ગાયન રજૂ કરીને આ લેખ સમાપ્ત કરીશું.

  • ‘આજ હિમાલયકી ચોટીસે ફિર હમને લલકારા હૈ
  • દૂર હઠો, દૂર હઠો યે દુનિયાવાલોં હિન્દુસ્તાન હમારા હૈ.
  • યહાં હમારા તાજમહલ હૈ, ઓર કુતુબમિનારા હૈ
  • યહાં હમારે મંદિર મસ્જિદ શીખો કા ગુરુદ્વારા હૈ
  • ઇસ ધરતી પે કદમ બઢાના અત્યાચાર તુમારા હૈ, અત્યાચાર તુમારા હૈ
  • દૂર હઠો યે દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ
  • શુરૂ હુઆ હૈ જંગ તુમ્હારા જાગ ઉઠો ભારતવાસી
  • તુમ ન કીસીસે આગે ઝૂકના જર્મન હો યા જાપાની
  • આજ સભી કે લીયે યે હી તો મિનારા હૈ
  • દૂર હઠો, દૂર હઠો, દૂર હઠો યે દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ
  • જય હિંદ, જય હિંદ, જય હિંદ, જય હિંદ.’

અંગ્રેજી શાસન આ રાષ્ટ્રગીતને જપ્ત ના કરે તે માટે કવિ પ્રદીપે ‘જર્મન હો યા, જાપાની’નો ઉલ્લેખ કર્યો હતો. પણ સૌ હિન્દુસ્તાનીઓ અંદરખાનેથી જાણતા હતા કે આ રાષ્ટ્રગીત કોની સામે રચાયું અને ગવાયું હતું!

Most Popular

To Top