સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આપણે સામાન્ય લોકોનું રાજ પાછું લાવવા માટે લડાઈ લડવાની છે. તેમણે કોંગ્રેસ કાર્યકર્તાઓને આત્મવિશ્વાસ કેળવવાની સલાહ આપી હતી. જો કાર્યકરો આત્મવિશ્વાસથી ભરપૂર હશે તો લોકોમાં પણ વિશ્વાસ કેળવી શકશે.
બારડોલીના સ્ટેશન રોડ પર આવેલા મંછાબા હોલ ખાતે ગુરુવારે યોજાયેલી કારોબારી બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સરકાર ગુજરાતની સાડા 6 કરોડની જનતાને પણ નડે છે અને દેશની સવા સો કરોડની જનતાને પણ નડે છે. જન ચેતના કાર્યક્રમ પ્રજા માટે છે કોઈની વાહવાહી કરવા કે રાજકીય એજન્ડા માટેના કાર્યક્રમો નથી. તેમણે સરકાર પર તીખા વાર કરતા જણાવ્યું હતું કે, તમે કોંગ્રેસના કાર્યકરોને ભલે દબાવવાના પ્રયાસો કરો છો પણ લખી રાખજો કે 2022ને હવે બહુ વાર નથી. સમય બદલાવાનો છે. દેશના બંધારણે પ્રજાને જે આઝાદી આપી છે તે છીનવવાનો પ્રયાસ કરશો નહીં. કોઈને વડાપ્રધાન કે મુખ્યમંત્રી બનાવવા માટે આ પાર્ટી બનાવવામાં નથી આવી પરંતુ અંગ્રેજોના જોરજુલમ સામે લડવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે કોંગ્રેસની સ્થાપના થઇ હતી.
કોંગ્રેસે જે કામો કર્યાં હતાં તેને માત્ર કલર કરવાનું કામ ભાજપે કર્યું છે. પરંતુ જે યોજના કે સંસ્થાની શરૂઆત કરી તેનો જે હેતુ હતો તે હેતુ ભાજપ જાળવી શક્યું નથી. ભાજપે બધું વેચવાનું શરૂ કર્યું છે. કોરોના મહામારી માટે તેમણે ફેબ્રુઆરી 2020માં યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જવાબદાર ઠેરવ્યો હતો સરકારની ગંભીર બેદરકારીના કારણે જ કોરોનાની બીજી લહેર આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. 25 વર્ષ જે શાસન કરી રહ્યા છે તે લોકો ગુજરાતની જનતાને એક બેડ ન અપાવી શક્યા. રેમડેસિવિર ઇન્જેક્શન બાબતે તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સી.આર.ભાઉ 5000 ઇન્જેક્શન ક્યાંથી ચોરી લાવ્યા તેનો આજે પણ હિસાબ મળતો નથી. ભાજપ શાસનમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી બેફામ વધ્યા છે. અને આથી જ ગુજરાતની પ્રજા પરિવર્તન કરવા ઈચ્છી રહી છે.