અત્યાર સુધી મનોરંજન સાથે સામાજિક સંદેશ આપતી અનેક ફિલ્મોમાં આયુષ્માન ખુરાનાએ દર્શકોનું દિલ જીતી લીધું છે પણ નવી ફિલ્મ ‘અનેક’માં મનોરંજન જ નહીં હોવાથી દર્શકો નિરાશ થયા છે. ફિલ્મને પહેલા દિવસે માત્ર રૂ. 2.11 કરોડનું જ ઓપનિંગ મળી શક્યું હતું. જે તેની છેલ્લાં 5 વર્ષની ફિલ્મોમાં સૌથી ઓછું છે. નિર્દેશક અનુભવ સિંહાએ એક સારો વિષય પસંદ કર્યો હતો પણ એની વાર્તા કહેવામાં થાપ ખાઇ ગયા છે. બાકી અનુભવની આયુષ્માન સાથેની જ છેલ્લી ફિલ્મ ‘આર્ટિકલ 15’ને રૂ. 5 કરોડનું ઓપનિંગ મળ્યું હતું.
ફિલ્મ ‘અનેક’માં નિર્દેશકે વાર્તા નહીં પણ નોર્થ ઇસ્ટનો મુદ્દો જ રાખ્યો છે. (‘અનેક’ના અંગ્રેજી ટાઇટલમાં એટલે જ ‘NE’ શબ્દો મોટા અક્ષરે લખાવ્યા છે.) દેશ માટે કામ કરતા એક અંડરકવર એજન્ટ આયુષ્માનના પાત્રથી એમણે સવાલ જ વધારે ઉઠાવ્યા છે. જો ફિલ્મને ધ્યાનથી જોવામાં ના આવે તો એ જટિલ બની જાય છે. એ ઘણું બધું કહેવાની કોશિશ કરે છે પણ દર્શકને સ્પર્શી શકતું નથી. ફિલ્મ એટલી ધીમી ગતિએ ચાલે છે અને ભારેખમ છે કે દર્શકોએ એનાથી દૂર રહેવાનું જ પસંદ કર્યું છે. દર્શકો હીરોને કારણે જ નહીં પણ એના વિષયને કારણે પણ ફિલ્મ જોવાનું પસંદ કરે છે એ ‘અનેક’થી સાબિત થઇ ગયું છે. આયુષ્માનના ચાહકો ઘણા છે, છતાં કંગનાની ‘ધાકડ’ની જેમ જ ‘અનેક’ની અવગણના કરી છે.
એ કારણે ફિલ્મના અનેક શો રદ કરવા પડ્યા છે. રૂ. 40 કરોડની ફિલ્મ ‘અનેક’ વીકએન્ડમાં રૂ. 6.5 કરોડ કમાઇ શકી છે. કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભુલ ભુલૈયા-2’ વર્ડ ઓફ માઉથથી એટલી ચાલી છે કે બીજા વીકએન્ડમાં રૂ. 12.77 કરોડની કમાણી કરી હતી. જ્યારે ‘અનેક’ને શુક્રવાર કરતાં રવિવારે ઓછી આવક થઇ હતી. ફિલ્મના ટ્રેલર પરથી તો એવું લાગતું હતું કે આયુષ્માને જબરદસ્ત ફિલ્મ પસંદ કરી છે પણ ફિલ્મ રજૂ થયા પછી સવાલ થયો છે કે એણે શું જોઇને આ ફિલ્મ પસંદ કરી હશે? દર્શકો એક વિશ્વાસથી તેની ફિલ્મ જોવા જતા હોય ત્યારે, એમાં પૈસા વસૂલ થાય એવું કંઇક તો હોવું જોઇએ. ઘણી વખત એવું થાય છે કે ફિલ્મમાં શું ચાલી રહ્યું છે અને કેમ ચાલી રહ્યું છે એ સમજાતું જ નથી.
છેક અડધી ફિલ્મ પૂરી થાય ત્યારે આયુષ્માનના જોશુઆ ઉર્ફે અમનના નામ અંગેની માહિતી દર્શકને જાણવા મળે છે. કેટલાક સમીક્ષકોએ આ નબળી ફિલ્મ માટે આયુષ્માનને જ જવાબદાર ગણ્યો છે. જો દરેક વખતે સફળતાનો યશ હીરો લેતા હોય તો નિષ્ફળતા માટે પણ એમને જ જવાબદાર ગણવા જોઇએ. ભલે આયુષ્માન કમાલનો અભિનેતા છે. આયુષ્માન ‘અનેક’માં પહેલી વખત એક એન્ગ્રી યંગમેન તરીકે દેખાયો છે. તે પોતાના નવા લુક સાથે અંદાજથી પ્રભાવિત કરે છે. જો કે આયુષ્માને પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે બોક્સ ઓફિસને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ કરી નથી. આ ફિલ્મની રજૂઆત પછી તે રજા પર ગયો છે.
એક વર્ષમાં 3 ફિલ્મો કરતો હોવાને કારણે ઘણા સમયથી તે પોતાના સંગીતના શોખ પર ધ્યાન આપી શક્યો નથી. હવે તે એક ગીત તૈયાર કરવા માગે છે. ફિલ્મમાં અનેક નવા કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. નાગાલેન્ડની મોડેલ એન્ડ્રિયા કેવીચુસાએ સારી શરૂઆત કરી છે. મનોજ પાહવા, કુમુદ મિશ્રા વગેરે પોતાની ભૂમિકાઓમાં બરાબર કામ કરી જાય છે. પણ ‘અનેક’માં ગંભીર મુદ્દા સાથે મસાલા મનોરંજન ન હોવાથી સામાન્ય દર્શકની અપેક્ષા પૂરી થતી નથી. અનુભવે મનોરંજન પણ રાખ્યું હોત તો એક મોટો વર્ગ આ ફિલ્મને જોઇ શક્યો હોત. જે વાત તેમણે વધુ લોકો સુધી પહોંચાડવી હતી, એ પહોંચી શકી હોત.
એ પણ સ્વીકારવું પડશે કે મનોરંજન રાખવું જ જોઇએ, એ વાત નિર્દેશક તરીકે તેમને જરૂરી લાગી નહીં હોય. અનુભવે એક જ ફિલ્મમાં ઘણા બધા મુદ્દા ઉઠાવવાની ભૂલ પણ કરી છે. પૂર્વોત્તર ભારતના સંઘર્ષની વાતમાં એમણે ગન ફાયરની, બોક્સિંગની, બાળકો સાથેના અન્યાયની, આતંકવાદની, રાજકારણની વગેરે અનેક બાબતોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. ઘણી વાતો માથા પરથી પસાર થઇ જતી લાગે છે. બહુ બધું કહેવામાં એ અંતમાં નિરાશ કરે છે. કોઇ દ્રશ્ય એવું નથી જે અસર મૂકી જાય. દર્શકો કોઇ પાત્ર સાથે જોડાઇ શકતા નથી. નિર્દેશક અનુભવ સિંહાએ જે હેતુથી ફિલ્મ બનાવી હતી એ પાર પડ્યો નથી.