Entertainment

આયુષ્માન ખુરાના પડદા પર ‘અનેક’ રૂપમાં દેખાશે! યામીએ ‘દસવીં’ થી નંબર વન માટે દોડ શરૂ કરી છે?

આયુષ્માન ખુરાનાને એક અભિનેતા તરીકે વધારે માન મળી રહ્યું છે એની પાછળ તેની ફિલ્મોની પસંદગી ગણાય છે. આયુષ્માને હમણાં બે અલગ પ્રકારની ફિલ્મો પસંદ કરીને બોલિવૂડના હીરોમાં નવો પ્રયોગ કરવાનો પોતાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. ઓટીટી પર રજૂ થયેલી ‘ગુલાબો સિતાબો’ પછીની ફિલ્મોમાં તે નવાં નવાં રૂપમાં દેખાવાનો છે. તેની ફિલ્મોનાં નામ પરથી જ એ વાતનો અંદાજ આવી જાય છે.

આયુષ્માને થોડા દિવસો પહેલાં જ વાણી કપૂર સાથે ‘ચંદીગઢ કરે આશિકી’ પૂરી કરી છે. પંજાબી કલાકાર જસ્સી સિધ્ધુએ બાર વર્ષ પહેલાં આ નામથી વીડિયો આલ્બમ બહાર પાડ્યું હતું. એ કોઇને યાદ નહીં હોય પરંતુ નિર્દેશક અભિષેક કપૂરની આયુષ્માન સાથેની આ ફિલ્મની ચર્ચા કાયમ રહેશે. આ ફિલ્મની ભૂમિકામાં આયુષ્માન ‘બલ્કી’ દેખાય છે. તેનો પહેલો લુક જોઇને ખ્યાલ આવે છે કે તેણે વજન વધાર્યું હતું. આયુષ્માન આ ફિલ્મને ઓટીટી પર રજૂ કરવાનો નથી. ફિલ્મ સાઇન કરી ત્યારે જ કરારમાં લખાવી દીધું હતું કે થિયેટરોમાં રજૂ કરવાની છે. એટલું જ નહીં તે પોતાની અગાઉની ફિલ્મોમાંથી કઇ ઓટીટી પર રજૂ કરી શકાય એમ છે તેની ચર્ચા કરી રહ્યો છે.

આયુષ્માન હવે પોતાની ફિલ્મના કરારમાં ‘નો ઓટીટી’ નો નવો ક્લોઝ પણ નાખી રહ્યો છે. અગાઉ ‘આર્ટિકલ 15’ કરનાર આયુષ્માને નિર્દેશક અનુભવ સિંહા સાથે ફરી એક ફિલ્મ ‘અનેક’ શરૂ કરી છે. ફિલ્મના પહેલા લુકની તસવીરમાં તે ટ્રિમ્ડ હેર કટ અને દાઢીમાં છે. તેની આઇબ્રો પર કટ પણ દેખાય છે. ‘અનેક’ માં આયુષ્માન ‘જોશુઆ’ નામના યુવાનની ભૂમિકામાં છે. જ્યારે નિર્દેશિકા અનુભૂતિ કશ્યપની ‘ડોક્ટર જી’ માં આયુષ્માન ‘ડોક્ટર ઉદય’ ની ભૂમિકામાં દેખાવાનો છે. ફિલ્મમાં હીરોઇન રકુલપ્રીત સિંહ તેની સીનિયર વિદ્યાર્થિની તરીકે દેખાશે.

આયુષ્માનની ‘ડ્રીમ ગર્લ’ ની સિકવલ ઉપર પણ કામ ચાલી રહ્યું છે. બહુ જલદી તેની ઘોષણા થવાની છે. જ્યાંથી પહેલા ભાગની વાર્તા પૂરી થઇ હતી ત્યાંથી જ આગળ વધારવામાં આવશે. ફિલ્મની પૃષ્ઠભૂમિ મથુરા-વૃંદાવન જ રહેશે. ફક્ત હીરોનો વ્યવસાય બદલવામાં આવશે. આયુષ્માન છેલ્લા થોડા સમયથી પોતાના વર્કઆઉટના વીડિયો સોશ્યલ મીડિયા પર મૂકી રહ્યો છે. તે પોતાને ફિટ રાખવા ઉપરાંત કોઇ ભૂમિકા માટે તૈયારી કરી રહ્યો હોવાનું કહેવાય છે. તેણે એ ફિલ્મનું નામ હજુ જાહેર કર્યું નથી.

યામી ગૌતમની કારકિર્દી માટે આ વર્ષ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ શકે છે. અત્યારે મહત્ત્વની ફિલ્મો અને ભૂમિકાઓ માટે તેને વધારે આશા છે. ગયા વર્ષે તેની રજૂ થયેલી એક જ ઓટીટી ફિલ્મ ‘ગિન્ની વેડસ સન્ની’ ભલે સફળ રહી ન હતી પણ અગાઉના વર્ષની ‘બાલા’ અને ‘ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક’થી તેની ગણતરી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં થતી રહી છે. યામી પોતાની કારકિર્દીની શ્રેષ્ઠ ભૂમિકાઓમાં અમર કૌશિકની ‘બાલા’ ની પરીની ભૂમિકાને મૂકે છે.

અભિનયમાં 11 વર્ષ પૂરાં કરનાર યામીએ ટીવી પર ‘ચાંદ કે પાર ચલો’ સીરિયલથી શરૂઆત કરી હતી. દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યા પછી યામીને આયુષ્માન સાથેની પહેલી હિન્દી ફિલ્મ ‘વિકી ડોનર’ માં સારી સફળતા મળી. એ પછી રજૂ થયેલી ‘ટોટલ સિયાપા’, ‘સનમ રે’, ‘એકશન જેકસન’ જેવી ફિલ્મોથી કારકિર્દીને વધારે ઊંચાઇ મળી શકી નહીં. દરમ્યાનમાં ‘કાબિલ’ અને ‘બદલાપુર’ જેવી ફિલ્મોથી તે દર્શકોનું અને સમીક્ષકોનું અભિનયથી ધ્યાન જરૂર ખેંચતી રહી.

વિકી કૌશલ સાથેની ‘ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક’ થી તેને એક નવો મુકામ મળી ગયો છે. તેની પાસે ‘એ વેન્સ્ડે’ ની ફ્રેન્ચાઇઝી ફિલ્મ ‘એ થર્સડે’ છે. જેમાં એક એવી ખતરનાક ટીચરની ભૂમિકામાં છે, જે ૧૬ બાળકોને બંધક બનાવીને બધાંને ચોંકાવી દે છે. યામી માને છે કે આ એક એવી મહિલાેપ્રધાન ફિલ્મ છે જેમાં મહિલાનું પાત્ર સૌથી વધારે મજબૂત રીતે લખવામાં આવ્યું છે. આ ઉપરાંત સૈફ અલી ખાન સાથેની હોરર-કોમેડી ‘ભૂત પુલિસ’ છે. જેનું શુટિંગ પૂરું થઇ ગયું છે.

હવે તુષાર જલોટાના નિર્દેશનમાં ફિલ્મ ‘દસવીં’ માં મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી છે. ‘દસવીં’ માં તે પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે. આ પહેલી એવી ફિલ્મ છે જેના માટે તે સૌથી વધારે મહેનત કરી રહી છે. પોતાની ભૂમિકા માટે હરિયાણવી ભાષા શીખવા ઉપરાંત પાત્રની બોડી લેન્ગ્વેજની બારીકીઓ પર ધ્યાન આપી રહી છે. ‘દસવીં’થી તે નંબર વન અભિનેત્રીની દોડમાં સામેલ થવા જઇ રહી છે. ‘પિંક’ ના નિર્દેશક અનિરુધ્ધ ચૌધરી પણ યામી સાથે ફિલ્મ ‘ફરાર’ બનાવવા જઇ રહ્યા છે. ફિલ્મની પટકથા આજકાલના મીડિયા અને પત્રકારત્વના અપરાધ પર આધારિત છે. યામી એક પછી એક ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ કરીને પોતાનું એક અભિનેત્રી તરીકે અલગ સ્થાન બનાવવા જઇ રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top