મેડીકલ સારવાર અત્યંત મોંઘી બનેલ હોઇ ઘણીવાર મેડીકલેઇમ ઉતરાવનાર કંપનીઓ મોટી રકમનો મેડીકલેઇમ વિમો હોવા છતા દવાના કરેલ સાચા ખર્ચાઓ મંજુર કરતી હોતી નથી અથવા અધુરી રકમ મંજુર કરતી હોય છે જેના પરિણામ ઘણા નાગરિકોએ પોતાના સાચા ખર્ચેલ બાકીના નાણા મેળવવાના સાચા ન્યાય માટે કન્ઝયુમર કોર્ટમાં પોતાના ખર્ચે બિનજરૂરી જવુ પડતું હોય છે જે લાંબો સમય માંગતી તથા માનસિક હેરાનગતિની પ્રક્રિયા છે. આયુષ્યમાન કાર્ડની ઘટનાઓમાં પણ હોસ્પિટલો દ્વારા પણ ગોટાળાઓ કરવામાં આવતા હોય છે. દેશની કેગ સંસ્થા દ્વારા કરાયેલા ઓડીટમાં જે લોકોને મૃતક જાહેર કરેલ તેમના નામે પણ આ યોજનાનો લાભ લેવામાં આવતો હોવાની ઘટના બહાર આવેલ જેમાં મૃત જાહેર કરાયેલ દેશના 3446 લોકો પાછળ આશરે 6.97 કરોડ રૂપિયા ખર્ચવામાં આવેલ હતા.
આપણા ગુજરાતમાં પીએમજેએવાય આયુષ્યમાન કાર્ડ યોજનામાં સામેલ હોસ્પિટલોમાં સુવિધા નામે મીંડુ અને અન્ય અનપેનલ્ડ હોસ્પિટલમાં બારોબાર સારવાર કરીને 38 કરોડ રૂપિયા લઇ લેવાયા જે એક પ્રકારનો ગોટાળો ગણી શકાય. ગત સંસદીય ચૂંટણી સમયે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં દેશના 70 વર્ષથી વધુ વયના તમામ લોકોને આયુષ્યમાન કાર્ડના લાભ આપવામાં આવશે તેવુ જાહેર કરેલ. આ ઉપકારક વિચારનો અમલ કરીને દેશના વડીલોના આશીર્વાદ લેવાની જરૂર છે. પરિવારના બધાય સભ્યોને આયુષ્યમાન કાર્ડ આપ્યાને બદલે આવા 70 વર્ષ ઉપરના વડીલોને જ આયુષ્યમાન કાર્ડ આપવાની જરૂર છે. જેથી સરકારનો મોટો મેડીકલ ખર્ચો બચે, આયુષ્યમાન કાર્ડના ગોટાળાઓ બંધ થાય.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ચોરની ચાર અમારી તો બે જ!
તા.4 સપ્ટે.ની’ ગુજરાતમિત્ર પૂર્તિમાં ગુનેગારો પાસેથી સત્ય હક્કિત કઢાવવાના માર્ગો પોલીગ્રાફ, નાર્કો અને બ્રેન મેપીંગ ટેસ્ટની ચર્ચા કરાઈ છે. આ બધુ કર્યા પછી પણ સવાલ તો પોલીસની સૂઝનો જ આવીને ઊભો રહે છે. ગુનેગાર શું ફરિયાદીઓ પણ ઘણીવાર એવી સ્ટોરીઓ બનાવી લાવે છે કે અમે છક્કડ ખાઈ જઈએ! ભરૂચના ઝગડીયા હાઇવે પર એક ફરિયાદીની ઘડિયાળ, રોકડ અને સોનાની ચેઇનની લૂંટ થઇ. ફરિયાદી ગુનેગારોનું વર્ણન પણ આબાદ આપતો. મેં આજુબાજુના ગામોમાંથી શકદારો પકડી પકડી ‘માર્શલ લો’ ચાલુ કર્યો. ગુનેગારોએ ગુનો કબૂલી લીધો.
પરંતુ લૂંટાયેલી જણસો ખોળવામાં અમને તકલીફ પડવા માંડી હવે બન્યું એવું કે ફરિયાદીના કહેવા પ્રમાણે ગુનેગારો ચાર હતા, અહીં તો ગુનો કબૂલ કરનારા દસ-બાર નીકળ્યા! એટલામાં અંકલેશ્વરના એક ગૃહસ્થની ચિઠ્ઠી મારા ઇન્સપેકટર પર આવી. તેમાં લખેલું કે ખરેખર તો આ ફરિયાદી જુઠ્ઠો છે, તેણે અમુક માણસ પાસેથી પૈસા ઉઠીના લીધેલા તો પેલાએ ભરબજારમાં તેના પૈસા, પાકીટ, ચેન બધું ઉતરાવી લીધું હતું. અમે પછી ફરિયાદીને આ ઘટના અંગે પૂછતા તે ભાંગી પડયો અને હવે રડવાનો વારો તેનો આવ્યો હતો! પછી તો અમારો રસાલો ચાલ્યો અંકલેશ્વર અને ત્યાં પેલો માણસ હાજર મળ્યો, ખરી વાત કહી અને બધી મિલ્કત રજૂ કરી દીધી ફરિયાદીએ પોતાની જ વસ્તુઓ છે અને પોતે ખોટી ફરિયાદ આપી હતી તે કબુલ કર્યું આ ઘટના પછી મેં મારપીટ પર વિશ્વાસ મુકવો બંધ કર્યો હતો.
સુરત – ભરત પંડયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.