સુરત: થેલેસીમીયા તેમજ બીજી અલગ અલગ ગંભીર બિમારીથી પિડાતા દર્દીઓને ટાર્ગેટ કરી તેમને આર્યુવેદીક દવાથી સારૂ કરવાનો ભરોસો આપી લાખો રૂપિયા (Money) પડાવી લેવાતા હતા. ક્રાઈમ બ્રાંચે આ પ્રકારે આંતરરાજ્ય ગુનાઓ આચરતી કર્ણાટકની કડુચી ગેંગના સાગરીતને પકડી પાડ્યા છે.
કિરણ હોસ્પિટલમાં કિડનીની બિમારીની સારવાર માટે આવેલા અશોકભાઈ મોહનભાઈ પારઘીને હોસ્પિટલમાં એક ઠગ ભેટી ગયો હતો. યુવક ડાયાલીસીસ માટે જતો હતો, ત્યારે અજાણ્યાએ આવી ગંભીર બિમારી આયુર્વેદીક દવાથી સારી કરી આપવાની લાલચ આપી હતી અને તેની પાસેથી 3 અને 4 ઓગસ્ટે ગુગલ-પે અને રોકડા મળી રૂ. 1.40 લાખ લઈ છેતરપીંડી કરી હતી.
ક્રાઈમ બ્રાંચની ટીમે પેટ્રોલીંગ વખતે બાતમીના આધારે આરોપી દિલીપ કટપ્પા શાસ્ત્રી (શિરકે) (ઉ.વ.૩૬, રહે.તાપીદર્શન મંદિર નજીકથી સોસાયટી, તથા મુળ કડ સિધ્ધેશ્વર મંદિર, મારાગુંડ, બેલગામ, કર્ણાટક)ને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 50 હજાર રોકડા, અલગ અલગ બેંકના 3 એટીએમ, એક્સીસ બેંક અને બંધન બેંકની 6 ચેક બુકો, 2 મોબાઈલ અને આયુધારા હર્બલ સ્ટોર અઠવા આર્કેડ, જૈન મંદિરની બાજુમાં અઠવાગેટ સુરતના 4 બીલ રસીદો મળી કુલ 66 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પકડાયેલો આરોપી અને તેના 3 સાગરીતોએ મળી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક રાજ્યોમાં પોતાના અલગ અલગ એજન્ટો રાખ્યા છે. જ્યાં ગુનો આચરવાનો હોય તે શહેરમાં આર્યુવેદની દુકાન અને મકાન ભાડેથી રાખતા હતા. આજુબાજુના વિસ્તારમાં આવેલી હોસ્પીટલના બહાર ઉભા રહેતા હતાં અને ગંભીર બિમારીની સારવાર કરાવવા આવતા પેશન્ટોને ટાર્ગેટ કરતા હતા. તેમને આર્યુવેદની દવાથી સારૂં થઈ જશે અને મારા સંબંધીને પણ સારૂં થઈ ગયું છે, હવે દવા લેવાની પણ બંધ કરી દીધી છે તેવી વાતો કરી જાળમાં ફસાવતા હતા. પોતાના સાગરીતને પોતાનો સંબંધી બતાવી તેની સાથે રૂબરૂ મુલાકાત પણ કરાવતા હતા. ભોગ બનનારને વિશ્વાસ અપાવી તેઓએ ખોલેલ આર્યુવેદની દુકાને લઈ જતા હતા અને આર્યુવેદ દવાના નામ ઉપર લાખો રૂપિયા લઈ એક મહિનાના સમયગાળામાં દુકાન બંધ કરી શહેર છોડીને નાસી જતા હતા. આ ગેંગે અગાઉ મહારાષ્ટ્રના પુણે, પીંપરી ચીચોડ તેમજ અમદાવાદ શહેરમાં એક મહિના માટે આર્યુવેદની દુકાનો ખોલી ગંભીર બિમારીથી પિડાતા પેશન્ટો સાથે છેતરપીંડી આચરી છે.
આયુર્વેદિકની દુકાને બીજા સાગરીત આવી ગ્રાહકનો ઢોંગ કરી દર્દીને વિશ્વાસમાં લેતા હતા
ગંભીર બિમારીની સારવાર માટે વપરાતી આર્યુવેદ દવા સોનુ, ચાંદી, તેમજ અલગ અલગ જડી બુટ્ટી નાંખી બનાવવામાં આવે છે. જે ખુબ જ મોંધી દવા મળે છે. પરંતુ તે દવાથી ૧ મહિના પછી ૧૦૦% બિમારી સારી થઈ જાય છે અને આ બધી વાતો ચાલતી હોય ત્યારે અન્ય સહ આરોપી આર્યુવેદની દુકાન ઉપર આવી પોતાને આપેલા લાખો રૂપિયાની દવાથી ખુબ જ સારૂં થઈ ગયું છે તેવી વાતો કરી પ્લાન મુજબ ભોગ બનનારને વિશ્વાસમાં લેતા હતા.