સુરત (Surat): અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું (Ramamandir) નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને આગામી મહિને તેનું ઉદ્દઘાટન થનાર છે, ત્યારે દેશભરમાં રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના એક જ્વેલર્સે (Jeweler) તો અયોધ્યાના રામમંદિરનો પ્રેમ પ્રદર્શિત કરવાના હેતુથી હારમાં (Neckless) આખુંય રામ મંદિર મઢ્યું છે. આ જ્વેલર્સે 30 દિવસમાં 40 કારીગરો સાથે મળી અનોખો હાર બનાવ્યો છે. આ હાર અયોધ્યાના રામ મંદિરમાં ભેટ સ્વરૂપે આપવામાં આવશે.
સુરતના જ્વેલર્સે રામમંદિરનો અનોખો નેકલેસ તૈયાર કર્યો છે. હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે. જેને સોના ચાંદી અને 5,000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે. સુરતમાં જ્વેલર્સ દ્વારા નેકલેસ પર રામ મંદિર સાથેનો રામ દરબાર તૈયાર કર્યો છે.
આ અનોખા રામ દરબાર અને નેકલેસને સુરતના સરસાણાના ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે. અયોધ્યામાં નિર્માણ થયેલું આબેહૂ રામંદિર, રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા, સોનાના હરણ અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેના ચિત્ર બનાવાયા છે.
હાર બનાવનાર ઝવેરી રોનક ધોડિયાએ કહ્યું કે, અયોધ્યાના નવનિર્મિત રામ મંદિર પરથી પ્રેરણા લઈ નેકલેસ બનાવવાનું નક્કી કર્યું હતું. રામ મંદિર સાથે રામ દરબારનો સેટ બનાવ્યો હતો. હારમાં આબેહૂબ અયોધ્યાનું રામ મંદિર મઢવામાં આવ્યું. રામ લક્ષ્મણ અને જાનકી ની પ્રતિમા તૈયાર કરી છે. રામાયણને અધ્યાય નો સૌથી મહત્વનો ભાગ હરણ હતું તે સોનાના હરણ પણ તૈયાર કર્યું છે. આમ માત્ર હાર નહીં પણ આખો રામ દરબાર તૈયાર કર્યો છે.
રોનકભાઈએ વધુમાં કહ્યું કે, આ હાર સાથેનો રામ દરબાર બે કિલોથી વધુ વજનનો છે. આ નેકલેસમાં સોના, ચાંદી અને અમેરિકન ડાયમંડ જડવામાં આવ્યા છે. 5000થી વધુ અમેરિકન ડાયમન્ડ્સનો ઉપયોગ કરાયો છે. નેકલેસ બનાવવા માટે 30 દિવસનો સમય લાગ્યો છે. લગભગ 40 કારીગરોની મેહનત બાદ આ હાર તૈયાર થયો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ રામ મંદિરનો નેક્લેશ સાથેનો રામ દરબારનો સેટ લોકોને વેચવા માટે મૂકવામાં આવ્યો નથી કે બનાવવામાં આવ્યો નથી. રામ મંદિર બન્યા બાદ અયોધ્યા જઈ તેને રામ મંદિરમાં ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે.