અયોધ્યાઃ (Ayodhya) ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રોશનીનો ભવ્ય ઉત્સવ યોજાઈ રહ્યો છે. 22 લાખ 23 હજાર દીવા સાથે અયોધ્યામાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. અયોધ્યાના 51 ઘાટો પર આ 22 લાખ 23 હજાર દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Records) વતી સીએમ યોગીને આ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. સીએમ યોગીએ આ પ્રમાણપત્ર સ્વીકાર્યું હતુ.
રામનગરીમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હોવાના આંકડા સામે આવ્યા છે. અયોધ્યાના 51 ઘાટ પર લગભગ 22 લાખ 23 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ગત વર્ષે અયોધ્યા શહેર લગભગ 17 લાખ દીવાઓથી ઝળહળી ઉઠ્યું હતું. આ વખતે નવો રેકોર્ડ બન્યો છે. સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં રામ કી પૌડી ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ વખતે અયોધ્યામાં લગભગ 12 મિનિટ સુધી આતશબાજી કરવામાં આવી હતી. ગયા વર્ષે 9 મિનિટની આતશબાજી હતી. આતશબાજી દરમિયાન એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. લોકોએ તેનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમ બાદ અયોધ્યા આવેલી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે સીએમ યોગી આદિત્યનાથને દીપોત્સવમાં રેકોર્ડ દીવાઓ પ્રગટાવવા બદલ પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી સીએમ યોગીએ આ માટે તમામ સ્વયંસેવકોને અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન રાજ્યપાલ આનંદી બેન પટેલ પણ હાજર હતા.
આ કાર્યક્રમને લઈને અયોધ્યામાં સવારથી જ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામની ભવ્ય ઝાંખી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમને લઈને રાજ્યપાલ આનંદી બેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ ખાસ પહોંચ્યા હતા. અહીં ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાના અયોધ્યા આગમનને ભવ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચ્યા બાદ ભગવાન શ્રી રામની આરતી કરી હતી. ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરાયો હતો. ત્રેતાયુગના દ્રશ્યને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અવસર પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ભગવાન શ્રી રામ વિશે એવું કહેવામાં આવે છે કે તેમને અયોધ્યાથી વધુ પ્રિય કોઈ નથી.