Columns

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યાની કાયાપલટ થઈ રહી છે

અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામ મંદિરના કામની દેખરેખ રાખી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવા માટે આમંત્રણ આપવાનું શરૂ કર્યું છે. દરમિયાન મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય 24 કલાક ચાલી રહ્યું છે, જેથી તે સમયસર પૂર્ણ થઈ શકે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના VVIP મહેમાનો આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવાના છે. નવા મંદિર માટે પૂજારીઓની પસંદગી પણ ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં મળેલી 300 અરજીઓમાંથી 21 પૂજારીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે અને તેમની તાલીમ ચાલી રહી છે.

આ પૂજારીઓમાંથી અયોધ્યાના રામ મંદિરના પૂજારીઓની પસંદગી કરવામાં આવશે. તાલીમ પૂરી થયા પછી સનાતન ધર્મ, વેદ અને શાસ્ત્રો પર તેમના જ્ઞાનની કસોટી કરવામાં આવશે. માત્ર થોડા પૂજારીઓને જ આ નોકરીઓ મળશે જ્યારે અન્ય યુવાનોને દેશના વિવિધ મંદિરોમાં મોકલવામાં આવશે. કાશી હંમેશા વિદ્વાનોનું શહેર રહ્યું છે, જ્યારે અયોધ્યા લાંબા સમયથી ઉપેક્ષિત છે. હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે માત્ર કાશીના વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને લક્ષ્મીકાંત દીક્ષિત જ શ્રી રામનો અભિષેક કરશે.

રામ મંદિર સમિતિના આ નિર્ણય પર અયોધ્યાના કેટલાંક સ્થાનિક મહંતો અને પૂજારીઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે 22 જાન્યુઆરીએ યોજાનારા અભિષેક માટે હજારો મંદિરો ધરાવતા શહેર અયોધ્યામાંથી મુખ્ય પૂજારીની પસંદગી કેમ કરવામાં આવી નથી? મહંત ધરમદાસના ગુરુ અને અયોધ્યામાં હનુમાન ગઢીના મુખ્ય મહંત બાબા અભિરામ દાસે વર્ષ 1949માં રામ લલ્લાની મૂર્તિ બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચામાં મૂકી હતી. મહંત ધરમ દાસે રામ મંદિર સમિતિના નિર્ણય પર નારાજગી દર્શાવતા કહ્યું હતું કે ‘’જો કોઈ બહારનો પૂજારી પૂજા કરવા આવે છે, તો અમે જોઈશું કે તે કેવી રીતે પૂજા કરે છે. પૂજારીમાં અહીંના લોકોને પણ સામેલ કરવા જોઈએ. ભગવાન રામના મંદિરમાં તમારે અને અમારે બધાને સન્માન આપવું જોઈએ.’’

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વર્ષ 2020માં રામ મંદિરનું નિર્માણ શરૂ થયું હતું. 67 એકરના વિશાળ સંકુલની સંપૂર્ણ સફાઈ કર્યા પછી મંદિર માટે 2 એકર જમીન પસંદ કરવામાં આવી હતી. હજારો કરોડના ખર્ચે બની રહેલા આ નવા રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ હવે અંતિમ તબક્કામાં છે. છેલ્લાં ઘણાં મહિનાઓથી અહીં લાખો ભક્તો આવે છે અને માત્ર રૂપિયા જ નહીં પણ સોનાચાંદીનો પણ પ્રસાદ ચઢાવે છે, જેના માટે મંદિર પરિસરની નજીક બેંક કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. નિર્માણાધીન રામમંદિર સ્થળથી 22 કિલોમીટર દૂર ધન્નીપુર ગામમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર મસ્જિદનું નિર્માણ કરવામાં આવનાર છે. તે માટે હાલમાં ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં કામ શરૂ થવાની અપેક્ષા છે.

રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં પરિવર્તનનું વાવાઝોડું આવ્યું હોય તેવું લાગે છે. સરયુ નદીના ઘાટ ફરીથી બનાવવામાં આવ્યા છે, નવા રસ્તા અને ગટર પણ નાખવામાં આવી છે અને નવા એરપોર્ટ પર પણ કામ ચાલી રહ્યું છે. આ સમગ્ર અભિયાનમાં વળતર આપ્યા બાદ લગભગ અઢી હજાર મકાનો પણ તોડી પાડવામાં આવ્યાં છે. નવા રામ મંદિરના મુખ્ય દ્વારની સામેના રોડ પર જ્યાં બાંધકામ ચાલી રહ્યું છે, ત્યાં અગાઉ ચા-નાસ્તાની દુકાનો હતી, જે બાંધકામને કારણે તોડી પાડવામાં આવી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને અયોધ્યામાં 30,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટો શરૂ કર્યા છે. હવે શહેરમાં ચળકતી હોટલો અને રાજમાર્ગો દેખાઈ રહ્યા છે પરંતુ વર્ષોથી પ્રાચીન અયોધ્યામાં રહેતા લોકો પાસે કંઈક બીજી જ આશા છે. અયોધ્યાની એક વાસ્તવિકતા એ છે કે જ્યારથી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે અને રામ લલ્લાની મૂર્તિને અસ્થાયી સ્થાન પર મૂકવામાં આવી છે, ત્યારથી અહીં દર્શનાર્થીઓનો સતત પ્રવાહ ચાલુ છે. અયોધ્યા નગરી બહારથી દેખાય છે તેના કરતાં અંદરથી ઘણી ઊંડી છે. ડઝનબંધ ગલીઓમાં આવેલા પ્રાચીન મંદિરો આજે પણ સાંસારિક બાબતોથી પરે રામના નામે લીન છે.

નવા મંદિરની આસપાસના વધારાના આકર્ષણોની પણ યોજનાઓ છે, જેમાં ભગવાન શ્રી રામના જીવનને દર્શાવતી 162 ભીંતચિત્રો દર્શાવતી હેરિટેજ વૉક, વૈદિક સંસ્કૃતિની આંતરદૃષ્ટિ પ્રદાન કરતી સરયુ નદીના ટાપુ પરની સુવિધા, વેડિંગ ડેસ્ટિનેશનની રચના અને નેચરોપેથી કેન્દ્ર તરીકે સ્થળનો વિકાસ કરવાનો સમાવેશ થાય છે. રેડિસન અને તાજ જેવી હોટેલ ચેઇન્સ નવી મિલકતો બનાવી રહી છે. અયોધ્યામાં 50 જેટલી નવી હોટલો અને હોમસ્ટેનું આયોજન કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત નથી કે જમીનના ભાવ પહેલેથી જ 3 ગણા વધી ગયા છે. અમિતાભ બચ્ચને તેનો લાભ લેવા કરોડો રૂપિયાની જમીનો ખરીદી રાખી છે.

હવે નવું મંદિર ખુલ્યા બાદ લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અયોધ્યા આવવાની અપેક્ષા છે. યાત્રાળુઓ માટે માર્ગ પહોળો કરવાની પ્રક્રિયામાં 3000 ઘરો અને દુકાનો બુલડોઝર દ્વારા તોડી નાખવામાં આવ્યા છે. તેમાંથી લગભગ 1600 લોકો વિસ્થાપિત થયા છે. સમારકામ માટે તેમને સરેરાશ 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તીર્થયાત્રી માર્ગને પહોળો કરવામાં આવતાં શહેરના મંદિરોમાં કામ કરતા લોકોના લગભગ 3 ડઝન ઘરો આંશિક રીતે તોડી પાડવામાં આવ્યા છે.

લીકેજ થતા પાઈપોના ગંદા પાણીથી શેરી ઉભરાઈ રહી છે. સંપૂર્ણપણે નાશ પામેલા ઘરોના માલિકોને થોડા અંતરે પ્લોટ ફાળવવામાં આવ્યા છે. અસરગ્રસ્ત ભાગ માટે 7 લાખ રૂપિયાની નજીકનું વળતર મળવા છતાં તેમના ઘરના સભ્યોનો બાપદાદાના નિવાસથી દૂર થવાનો આઘાત ઉલટાવી શકાય તેમ નથી. સ્થાનિકોમાં ગુસ્સો છે, પરંતુ તેઓ એ વાતથી પણ ખુશ છે કે આખરે ભગવાન રામને કાયમી ઘર મળી રહ્યું છે. તેઓ આટલા લાંબા સમયથી તંબુમાં હતા.

અયોધ્યામાં રોડના વિકાસમાં જેણે પોતાનું અડધું ઘર ગુમાવ્યું છે તે કાન્તિ દેવી બિલકુલ ખુશ નથી. કાન્તિ દેવી કહે છે કે ‘’અધિકારીઓ આવે છે અને મને કહે છે કે, અમે તમને ખૂબ પીડા આપીએ છીએ. તે સારું છે કે મંદિર બની ગયું છે, પરંતુ તે અમને કેવી રીતે મદદ કરે છે? અમે જે પણ ઘર બનાવ્યું હતું તેને તેઓએ શહેરમાં વધુ યાત્રાળુઓ લાવવા માટે તોડી પાડ્યું છે.’’અધિકારીઓનું કહેવું છે કે તોડી પાડવામાં આવેલાં મકાનો અને દુકાનોના રહેવાસીઓને સરકારી યોજના હેઠળ નાણાં અને નવા મકાનો સાથે વળતર આપવામાં આવ્યું છે.

કેટલાંક કેસોમાં કૌટુંબિક વિવાદો સાથે સંકળાયેલા મુકદ્દમાને કારણે તેમાં વિલંબ થાય છે. હવે કંઈ કરવાનું બાકી રહેતું નથી. ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશના વડા પ્રધાન માટે રામ મંદિરના અભિષેકમાં ભાગ લેવો યોગ્ય છે કે કેમ તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. ઘણાં રાષ્ટ્રીય વિરોધ પક્ષોએ પણ તેને સામાન્ય ચૂંટણીનાં વર્ષ સાથે જોડી દીધું છે. મહાત્મા ગાંધીએ માત્ર રામ રાજ્યની કલ્પના કરી હતી પરંતુ ભાજપ હિન્દુ સમાજમાં બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે તે રામ મંદિરનું નિર્માણ કરાવી રહી છે. 

લાખો હિંદુઓએ કોઈપણ રાજકીય પ્રેરણા વિના નવા મંદિર માટે દાન આપ્યું છે. ભારતીય રાજનીતિના ઈતિહાસ પર નજર કરીએ તો ખબર પડે છે કે 1947માં બ્રિટીશ શાસનથી આઝાદી મળ્યા બાદ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ વચ્ચે પણ મતભદો હતા. જ્યારે ગુજરાતમાં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ સરદાર પટેલના નેતૃત્વમાં પૂર્ણ થયું ત્યારે સરદાર પટેલનું અવસાન થઈ ચૂક્યું હતું પરંતુ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે પંડિત નેહરુના અભિપ્રાયને અવગણીને સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો હતો.- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top