આયેશા ઝુલ્કાને ભુલી ગયા હોય તો મગજના પટારામાંથી તેને બહાર કાઢો. હવે તે બબ્બે વેબ સિરીઝમાં આવી રહી છે અને તેમાંની એક તો આ 17મી ઓગસ્ટથી ઝી ફાઈવ પર જોવા મળશે. રાજબબ્બર, રત્નાપાઠક શાહ સાથેની એ સિરીઝનું નામ ‘હેપી ફેમિલી કંડીશન્સ એ-લાય’ છે. આ સિરીઝ આપણા જે.ડી. મજીઠીયા, આતિશ કાપડિયાના નિર્માણ અને દિગ્દર્શન હેઠળ બની છે. એમેઝોન પ્રાઈમ વિડીયો પરની આ સિરીઝ કોમેડી ડ્રામા તરીકે રજૂ થશે. મૂળ શ્રીનગરની આયેશા આ 28મી જુલાઈએ જ 50માં વર્ષમાં પ્રવેશી છે. ઈન્ડિયન એરફોર્સમાં વિંગ કમાંડર એવા ઈન્દરકુમાર ઝુલ્કાની આ દિકરીને 1990માં તેલુગુ ફિલ્મોથી આરંભ કર્યા પછી હિન્દી ફિલ્મોમાં જ કામ કરતી હતી.
‘જો જીતા વો હી સિકંદર’માં તે આમીરખાન સાથે આવી પછી ઘણી જાણીતી થયેલી જો કે તે પહેલાં અક્ષયકુમાર સાથે ‘ખિલાડી’માં પણ હતી. આજે કદાચ સલમાનને પણ યાદ નહીં હશે પણ તેની ‘કુર્બાન’ની હીરોઈન આયેશા જ હતી અને તે આ આયેશાની પહેલીજ ફિલ્મ હતી. પણ તે હીરોની પસંદગી માટે બેપરવાહ રહી તેનાથી માર ખાઇ ગઈ. બાકી મિથુન ચક્રવર્તી સાથે તે ‘મહેરબાન’ અને ‘દલાલ’માં પણ હતી અને અજય દેવગણ સાથે ‘સંગ્રામ’માં ય હતી. અક્ષય સાથે તો તેની ‘વક્ત હમારા હૈ’ ‘દિલ કી બાજી’, ‘જ્ય કિશન’ પણ છે અને આમીરખાન સાથે ‘અકેલે હમ અકેલે તુમ’માં હતી પણ મનીષા કોઈરાલા મુખ્ય અભિનેત્રી હતી.
આયેશા ધીમે ધીમે તેનો પ્રભાવ ઝાંખો કરવા માંડી એટલે મુખ્ય ભૂમિકાને બદલે મહેમાન ભૂમિકામાં આવવા માંડી. જોતજોતામાં તેણે મહત્વ ગુમાવવા માંડયું ત્યારે ‘આંચ’માં નાના પાટેકર સાથે મૈત્રી થઈ અને તે ગાઢ પણ બની તેથી તેણે નાટકોમાં અભિનય કર્યો. જો કે ફિલ્મો અટકી નહોતી એટલે ઈમ્તિયાઝ અલીના દિગ્દર્શનવાળી પહેલી જ ફિલ્મમાં તે અભય દેઓલ સાથે હીરોઈન હતી અને છેલ્લે ‘જિનીયસ’માં તો હીરોઈનની મમ્મી તરીકે આવી.
પણ હવે તે વેબસિરીઝ માટે તૈયાર છે. તે ‘હુશ હુશ’ માં પણ આવી રહી છે જેમાં જુહી ચાવલા, સોહા અલીખાન, ક્રિતિકા કામરા વગેરે છે. આયેશાએ 2003માં લગ્ન કરી લીધા પછી તેણે અભિનયની કારકિર્દી સમેટવા માંડી હતી. તે કન્સ્ટ્રકશન ટાઈકૂન સમીર વશીને પરણી હતી અને 18 વર્ષના લગ્નજીવન બાદ તે વેબસિરીઝ માટે તૈયાર છે. આ 18 વર્ષમાં તેણે બાળકો પેદા નથી કર્યા કારણકે પોતે જ બીજા કામોમાં રોકાયેલી રહેવા માંગતી હતી. જોકે હવે ફરી વેબસિરીઝમાં આવવું તેને ગમે છે. અલબત્ત, ગોવામાં તેનો બાટિક રિસોર્ટ છે અને પતિની સેમરોક કન્સ્ટ્રકશન કંપનીમાં પણ રોકાયેલી રહે છે. તે ચાહે તો ભવિષ્યમાં વેબસિરીઝ પ્રોડયુસ પણ કરી શકે છે. પણ અત્યારે તો એકટિંગ.