Comments

સિંગાપોર-જળવ્યવસ્થાપનની દૃષ્ટિએ અદ્દભુત કામગીરી

પાણી એક વાર આપણી પાસે આવે, નાહવા, ધોવા, પીવા, રસોઇ કરવા જેવા અનેક ઉપયોગ ઉપરાંત એ ટોઇલેટ ફલશીંગ માટે પણ વપરાય છે. સરવાળે ઘરમાંથી બે પ્રકારનાં પાણી બહાર પડે છે. એક છે સલેજ એટલે કે રસોઇઘરથી માંડી વાસણ ધોવા-ઊટકવા વપરાતું પાણી જે ગંદુ જરૂર થાય છે પણ કિચન ગાર્ડનને પાણી પાવાના સીધેસીધા ઉપયોગમાં કોઇ પણ પ્રકારની ટ્રીટમેન્ટ વગર લઇ શકાય છે. બીજું, વૉશરૂમ એટલે કે ટોઇલેટ બ્લોકમાંથી મૂળમૂત્ર વગેરે સાથેનું ગંદુ પાણી જે સુએજ કહેવાય છે અને તેને ભૂગર્ભ ગટર થકી વહાવી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઇ જઇ યોગ્ય રીતે શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ એનો નિકાલ કરી શકાય છે. આમાં ઓક્સિડેશન એટલે કે બાયોડિગ્રેડેબલ સેન્દ્રિય કચરો છે તેને બેકટેરિયાની મદદથી વિઘટિત થવા દઇ એમાંથી સ્લજ એટલે કે વિઘટિત ઘન કચરો તળિયે બેસે અને ઉપરનું પાણી ત્યાર બાદ ટ્રીટમેન્ટ આપી ખેતી કે અન્ય ઉપયોગમાં લઇ શકાય છે. આ સ્લજ અથવા વિઘટિત ઘન કચરો ઉત્તમ પ્રકારનું સેન્દ્રિય ખાતર છે, જેનો ઉપયોગ બાગ-બગીચા કે ખેતીમાં થઇ શકે છે.આ સિવાયનું દૂષિત પાણી જે ઉદ્યોગો વગેરેમાંથી આવે છે એમાં આર્સેનિક મકર્યુરી અને અન્ય કેમિકલ અશુદ્ધિઓ અને રંગરસાયણો જેવાં ઇનઓર્ગેનિક ઘટકો ભળેલાં હોઇ તેને ખૂબ કાળજીપૂર્વકની ટ્રીટમેન્ટ આપી આ અશુદ્ધિઓ દૂર થાય તેમ કરવું પડે છે.

આટલું બધું કરીએ ત્યારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બહાર નીકળતું પાણી નાહવા, ધોવા કે પીવા સિવાયના ઉપયોગ એટલે કે મહદ્ અંશે ખેતી માટે સિંચાઈનાં પાણી તરીકે વાપરી શકાય છે. આમ એક વખત માણસના વપરાશમાં આવેલું પાણી સંપૂર્ણપણે નાશ પામ્યું અને તેને બદલે રોજ નવું પાણી જોઇએ. એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અમદાવાદ જેવું શહેર માથાદીઠ 135 થી 145 લિટર જેટલું પાણી રોજ વાપરે છે. આવું જ બીજાં શહેરોમાં અને ઘણી બધી નગરપાલિકાઓનું છે. આમ આપણું જીવન ટકાવી રાખવા માટે તેમ જ આપણી સ્વચ્છતા જાળવી રાખવા માટે આપણે રોજ અધધ કહેવાય તેટલો પાણીનો જથ્થો વાપરી નાખીએ છીએ. આ પાણીનો જથ્થો આપણને વરસાદનું ભેગું થતું પાણી, નદીઓ, વહેળા, કૂવા, તળાવ, બંધ વગેરે થકી મળે છે એટલે આપણે એવું માનીએ છીએ કે પાણી મેળવવું એ આપણો મૌલિક અધિકાર છે અને પાણી પૂરું પાડવું એ સરકારની ફરજ છે. આથીય આગળ વધીને આપણે પાણીને પ્રભુનો પ્રસાદ માનીને મફતમાં એ આરોગવા ટેવાઈ ગયાં છીએ. આમ મફતિયા સંસ્કૃતિએ આપણા દેશને ઘણા બધા ક્ષેત્રમાં લોહીલુહાણ કરી નાખે તેટલું નુકસાન કર્યું છે. પાણીની પ્રાપ્તિ એ પણ આપણે ત્યાં ખૂબ ફૂલી-ફાલેલી મફતિયા સંસ્કૃતિનો ભાગ છે અને એટલે જ કોઇ વસ્તુ સાવ ઓછી કિંમતે કે નગણ્ય કહી શકાય તેવા ભાવે વેચાતી હોય તો તેના માટેની કહેવત છે ‘પાણીના મૂલે પ્રાપ્ત થવું’’. આમ ગળથૂથીમાંથી જ આપણે ખોટું શીખીએ છીએ, જે આજની તારીખમાં ક્ષિતિજે ડોકાઈ રહેલી પાણીની ભયંકર તંગી માટેનું એક પાયાનું કારણ છે.

પણ આજે વાત કરવી છે એવા દેશની, જે પાણીનું મૂલ્ય સમજ્યો છે અને જયારે એ દેશ અસ્તિત્વમાં આવ્યો ત્યારે 100 એ 100 ટકા પાણી બહારથી આવતું હતું તેને બદલે આજે પોતાને જરૂરી એવા પાણી માટે લગભગ સ્વનિર્ભર બન્યો છે. દુનિયાના અગ્રિમ દેશોમાં જેનું નામ હીરાની કણિકાની માફક ઝળહળતું હોય છે અને જેણે મન હોય તો માળવે જવાય એ ઉક્તિને સંપૂર્ણ સાર્થક કરી છે એવા એ દેશનું નામ સિંગાપોર છે. ગુજરાતનો કુલ વિસ્તાર 1,96,024 ચો.કિ.મી. છે તેની સામે સિંગાપોરનો કુલ વિસ્તાર ટાંકણના ટોચકા જેટલો એ ટેલ કે માત્ર 710 ચો.કિ.મી. છે. સંપૂર્ણપણે શહેરી કહી શકાય તેવા આ વિસ્તારમાં શહેરીકરણની ઘનતા એટલી વધારે છે કે તેની પાસે સિંગાપોરમાં પડતા વરસાદના પાણીને ભેગું કરવા અને સંઘરવા માટેની જગ્યા નથી. આમ છતાંય ખૂબ કાળજીપૂર્વક એણે કેનાલ, કાંસ અને નદીઓનું નેટવર્ક જોડીને એટલી સુંદર વ્યવસ્થા ઊભી કરી છે કે લગભગ 2/3 જેટલા સિંગાપોરના વિસ્તાર પર પડતાં વરસાદનું પાણી આ બધા થકી કુલ 17 જેટલા જળસંગ્રહાલય (Reservoir)માં ભેગું થાય છે. સિંગાપોર પાસે વરસાદનું પાણી અને વપરાયેલું પાણી એમ બંને પ્રકારનાં પાણીને ભેગું કરવા માટે અલગ અલગ વ્યવસ્થા છે.

વરસાદનું પાણી અગાઉ જણાવ્યું તેમ 17 જેટલાં જળસંગ્રહાલયોમાં ભેગું કરાય છે અને ત્યાંથી તેને જરૂરી ટ્રીટમેન્ટ આપી પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવાય છે. આથી ઉલટું વપરાયેલું પાણી ભૂગર્ભ સ્યૂઅર (sewers) નેટવર્ક થકી ટ્રીટમેન્ટ માટે વોટર રિક્લેમેસન પ્લાન્ટમાં લઇ જવાય છે. પીવાનું પાણી અને ગટરનું પાણી બંને ભેગાં કરવાની પદ્ધતિ સંપૂર્ણ અલગ હોવાથી કયાંય પણ પીવાનું પાણી પ્રદૂષિત થવાનો કોઇ ભય રહેતો નથી. સિંગાપોરે પોતાનાં વધુ પાણી મેળવવાના પ્રયાસના ભાગરૂપે ઇ.સ.2011 થી અગાઉનો સિંગાપોરની જમીનસપાટીનો અરધોઅરધ વિસ્તાર હતો તે વધારીને 2/3 જેટલો કરીને વધારાનું પાણી મરીના પુંગોલ અને સેરંગૂન રિઝર્વોયરમાં ભેગું કરે છે. આમ શહેરી વિસ્તારમાં પડતા વરસાદના ટીપેટીપાને ખૂબ કુશળતાપૂર્વક વેઢે ગણાય તેટલા દેશોમાં અર્બન સ્ટોર્મ વૉટર હાર્વેસ્ટિંગ મોટા પાયે કરનાર દેશ બન્યો છે. આમ શહેરી વિસ્તારમાં પડતા વરસાદનું એકેક ટીપું પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાય છે. સિંગાપોરના પ્રથમ વડા પ્રધાન લી કવાં યુની દીર્ઘદૃષ્ટિનું પરિણામ સિંગાપોરનું 15 મું પાણી સંગ્રહ કરતું તળાવ મરીના રિઝર્વોયર છે.

સિંગાપોર એવું માને છે કે પાણી સાથે લાગણીનો સંબંધ બાંધનાર લોકો પાણી બચાવે પણ છે અને એની ગુણવત્તાનું જતન પણ કરે છે. જે પાણી આટલાં બધાં જળસંગ્રહસ્થાનોમાં ભેગું થાય છે તે કોઇ પણ પ્રકારના માણસે ખાધેલા કે પશુઆહારનો કચરો, ખાતરો, ડીટરજન્ટસથી મુકત હોવું જોઇએ. એ લક્ષમાં રાખીને વરસાદનું ભેગું થતું પાણી અત્યંત કાળજીપૂર્વક ભેગું કરાય છે અને તેમાં કોઇ પ્રદૂષણ ન ભળે તેની ખાતરી રખાય છે. પાણીને કોઇ પણ રીતે પ્રદૂષિત કરનાર વ્યક્તિને દંડ ફટકારવામાં આવે છે. પાણી જયાં ભેગું થાય છે ત્યાં સમગ્ર જળભંડારમાં કોઇ પણ પ્રકારનું પ્રદૂષણ હોય તો તેની સતત કાળજી રાખવા માટે રોબોટ સ્વાન એટલે કે હંસ જેવા દેખાતાં રોબોટિક પક્ષીઓ પાણીની ગુણવત્તા અંગે સતત ધ્યાન રાખે છે. આ ઉપરાંત હવામાં ઊડી શકે અને પાણી નીચે ઊતરીને સમગ્ર જળસંગ્રહનો સરવે કરી શકે તેવાં ડ્રોન પણ વપરાય છે. ભારતમાં આપણે વરસાદનું પાણી સંઘરી શકાય તે વાતની અગત્યને નેવે મૂકીને ચાલીએ છીએ. નાનાં તળાવ, જળમાર્ગો તેમ જ પાણી વહેવાના રસ્તાઓ પૂરીને આપણે મકાનો બાંધીએ છીએ. આના પરિણામે આડેધડ થતું શહેરીકરણ શહેરી વિસ્તારમાં પડતા વરસાદનું પાણી વેડફાય તે માટેનું સાધન બન્યું છે.

જે રીતે સિંગાપોર વરસાદનું પાણી ભેગું કરે છે તે રીતે અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ પણ ભેગું કરી શકે. વરસાદનું એકેય ટીપું ન વેડફાય એવા અત્યંત કાળજીપૂર્વક ઊભા કરાયેલ સરોવરમાં વાળીને આ પાણી આખુંય વરસ ઉપયોગમાં લઇ શકાય તેટલું જ નહીં, શહેરની વચ્ચે હિલોળા લેતાં આવાં સરોવરો પર્યાવરણની જાળવણી અને એની આજુબાજુ બાગ કે જંગલ વિસ્તાર ઊભો કરી માનસિક તાણમાંથી મુક્તિ મળે તેવું વાતાવરણ પણ ઊભું કરી શકે. જો પાણીનું પ્રદૂષણ કરનાર સામે કડક દંડની જોગવાઈ થાય અને મ્યુનિસિપલ કોર્પોરેશન વરસાદનું પાણી ભેગું કરતી ડ્રેઇનનું એક નેટવર્ક ઊભું કરે તો આ શક્ય છે. શરૂઆતમાં આપણી ગંદી ટેવો, રસ્તા પર ફેંકાતો એંઠવાડ અને કચરો કંઇક અંશે આ પાણીને પ્રદૂષિત કરશે પણ એને સંગ્રહ કરતાં પહેલાં ફિલ્ટરેશન કરીને અને ત્યાર બાદ ફટકડી જેવા કોએગ્યુલન્ટનો મર્યાદિત ઉપયોગ કરીને આ સરોવરનું પાણી કાચ જેવું સ્વચ્છ રાખી શકાય. આપણે સિંગાપોર ફરવા જઇએ ત્યારે આ બધું જોઇને મંત્રમુગ્ધ થઇ જઇએ છીએ પણ આપણા દેશમાં આવું કરી શકીએ એવી દેશભક્તિ આપણે ત્યાં જાગતી નથી. સિંગાપોરમાં ઘરમાં પણ પાણીના નળમાં ટીપુંય પાણી લીક થવા દેવામાં આવતું નથી. આ માટે લાયસન્સ્ડ પ્લમ્બરોની આખીય ફોજ કામ કરે છે.
ડો. જયનારાયણ વ્યાસ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top