Editorial

ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સનો નવો વિક્રમ પણ વપરાશ કરવા માટે જાગૃતિ ખૂબ જ જરૂરી

ચાહે પ્રગતિમાં ભારત દેશ રેકોર્ડ બનાવતું નહીં હોય પરંતુ અન્ય અનેક એવી બાબતો છે કે જેમાં ભારતે થોડું અજુગતું લાગે તેવા વિષયોમાં રેકોર્ડ બનાવ્યા છે. હાલમાં જ ભારતે વિશ્વમાં સૌથી વધુ વસતીનો રેકોર્ડ બનાવ્યો છે. વસતી વધે એટલે સ્વાભાવિક રીતે જ લોકો દ્વારા વપરાતી વસ્તુઓમાં પણ વધારો થાય. જોકે, ભારતમાં નવરા લોકોની સંખ્યા વધારે છે અને તેને કારણે જ હાલમાં ભારતે એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને તે છે ઈન્ટરનેટના વપરાશનો.

ભારતમાં સોશિયલ મીડિયા પર વિડીયો ક્લિપ બનાવીને કમાણી કરનારાઓની સંખ્યા આખા વિશ્વમાં વધારે છે ત્યારે સ્વાભાવિક રીતે જ આ રેકોર્ડ બને. ભારતમાં વિક્રમી રીતે 95.4 કરોડ લોકો દ્વારા ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે. એક જ વર્ષમાં ભારતમાં ઈન્ટરનેટના વપરાશકારોની સંખ્યામાં 7.30 કરોડનો વધારો થયો છે. જેમાં 2.30 કરોડનો વધારો થઈ ગયો છે. ટકાવારીમાં જોવામાં આવે તો બ્રોડબેન્ડ ધારકોની સંખ્યામાં 9.15 ટકાનો વધારો થયો છે.

એક જ વર્ષમાં જે રીતે ભારતમાં ઈન્ટરનેટના વપરાશકારોની સંખ્યામાં વધારો થયો છે તેમાં ઈન્ટરનેટની સ્પીડે પણ મોટો ભાગ ભજવ્યો છે. બ્રોડબેન્ડની સાથે સાથે વાયરલેસ ડેટા સબસ્ક્રાઈબરની વાત કરવામાં આવે તો વાયરલેસ ડેટા સબસ્ક્રાઈબર પણ ભારતમાં ઝડપથી વધી રહ્યા છે. અગાઉ વાયરલેસ ડેટા સબસ્ક્રાઈબરની સંખ્યા 84.6 કરોડ હતી. જે વધીને 91.3 કરોડ થઈ ગઈ છે. વાયરલેસ ડેટાના વપરાશકારોમાં 21.69 ટકાનો વધારો થયો છે. જે ઈન્ટરનેટનો વધતો ઉપયોગ દર્શાવી રહ્યો છે.

ટેલિફોનના ગ્રાહકો પણ ભારતમાં મોટી સંખ્યામાં વધી રહ્યા છે. અગાઉ આ ગ્રાહકોની સંખ્યા 117.2 કરોડ હતી. જે હવે વધીને 119.9 કરોડ થઈ ગઈ છે. એટલે કે તેનો ગ્રોથ પણ 2.30 ટકાનો જોવા મળી રહ્યો છે. ઈન્ટરનેટના ગ્રાહકોની સાથે તેના વપરાશની મિનિટોમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. ભારતમાં સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને કારણે જ ઈન્ટરનેટનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ભારતમાં જેટલા પણ મોબાઈલ યુઝર છે તેમાં મોટાભાગના લોકો સ્માર્ટ ફોન ધરાવે છે. જેને કારણે પણ ઈન્ટરનેટનો વપરાશ ખૂબ જ વધી રહ્યો છે.

ઈન્ટરનેટનો આ વધતો વપરાશ બતાવી રહ્યો છે કે, સ્માર્ટ ફોન હવે જીવન માટે જરૂરી બની ગયો છે. સ્માર્ટ ફોન જેટલો ઉપયોગી છે તેટલો જ તે ખતરનાક પણ છે. સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટનો કેવી રીતે ઉપયોગ કરવો તે મુદ્દે જાગૃતતા લાવવી જરૂરી છે. ભારતમાં ઈન્ટરનેટનો વધતો વપરાશ તેના પર જોવામાં આવતા પોર્ન કન્ટેન્ટને કારણે પણ છે. સરકાર દ્વારા પોર્નસાઈટો પર અંકુશ મુકવામાં આવી રહ્યો હોવા છતાં પણ નીતનવા નામે આ સાઈટો ચાલી રહી છે અને તેને કારણે લોકોની જાતીય વિકૃતિ પણ વધી રહી છે.

ઈન્ટરનેટનો ઉપયોગ જો માહિતી મેળવવા માટે કે પછી અન્ય સકારાત્મક હેતુ માટે કરવામાં આવે તો દુનિયામાં તેને એક વરદાનસ્વરૂપ ગણી શકાય. ઈન્ટરનેટને કારણે જ દુનિયામાં દેશ કે વ્યક્તિ વચ્ચેના અંતરો ઘટ્યા છે. વ્યક્તિઓ એકબીજા સાથે ઓડિયો કે વિડીયો મારફતે સંપર્કમાં રહી શકે છે. સ્વજનો ક્યાં છે તે જાણી શકાય છે અને સાથે સાથે તેમને જરૂરીયાતના સમયે તાત્કાલિક મદદ પણ પહોંચાડી શકાય છે.

ઈન્ટરનેટનો ઉપયોગ એટલો વ્યાપક છે કે તેના કારણે એક વર્ચ્યુઅલ દુનિયા ઊભી થઈ ગઈ છે. વ્યક્તિ એક વખત ઈન્ટરનેટની દુનિયામાં ઘૂસે ત્યારબાદ તેમાંથી બહાર નીકળવું ઘણું જ અઘરું છે. ઈન્ટરનેટને કારણે જ દુનિયામાં અનેક ક્રાંતિકારી પગલાઓ લેવામાં આવ્યા છે. ઈન્ટરનેટને કારણે જ સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થીઓ સીધા યુટ્યુબ મારફત ભણી શકે છે. ઈન્ટરનેટએ શિક્ષકોનો ઈજારો ખતમ કરી નાખ્યો છે. બની શકે કે ભવિષ્યમાં ઈન્ટરનેટ પર જ સ્કૂલ શરૂ થાય અને વિદ્યાર્થીઓ તેની પર જ ભણે. દિવસેને દિવસે ઈન્ટરનેટનો વપરાશ જે રીતે વધી રહ્યો છે તેણે એક ડિજિટલ ક્રાંતિ જ સર્જી છે.

ઈન્ટરનેટના કેટલાક ગેરલાભ પણ છે. આજે ઘરમાં ચાર વ્યક્તિ બેઠા હોય તો દરેક પાસે પોતાનો ફોન હોય અને ચારેય ફોનમાં જ ઈન્ટરનેટનો વપરાશ કરતા હોય તેવા દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનું અંતર ઘટી ગયું છે પરંતુ બંનેના મન વચ્ચેનું અંતર વધી ગયું છે. ઈન્ટરનેટનો વધુ વપરાશ દેશ માટે એક ચિંતાની ઘંટડી પણ છે. સરકારે ઈન્ટરનેટનો વપરાશ કેવી રીતે સકારાત્મક કરવો તે અંગે જાગૃતિ અભિયાન પણ ચાલુ રાખવું જોઈએ કે જેથી ભવિષ્યમાં ઈન્ટરનેટ વિશ્વનો વિનાશ નહીં કરે.

Most Popular

To Top