Charchapatra

માનસિક રોગ અંગે જાગૃતિ જરૂરી

15મી નવે. બીલીમોરામાં એક દુ:ખદ ઘટના ઘટી. સુનિતા (બી.એ.)નામની સ્ત્રીએ તેના સસરા પર આક્રમક રીતે હુમલો કર્યો. સસરાએ સુનિતાથી જેમતેમ પીછો છોડાવી ફલેટની બહાર નીકળી ગયો ત્યારે સુનિતાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો. ત્યાર બાદ તેણે બન્ને પુત્રો (હર્ષ અને વેદ)ની પિતૃઓના મોક્ષ માટે ગળા દબાવીને હત્યા કરી નાખી. પોલીસે પૂછપરછ કરતાં સુનિતાએ કહ્યું કે તેને ઘણા દિવસોથી બિહામણાં સ્વપ્નાં આવતાં હતાં અને કાનમાં ભેદી અવાજો સંભળાતાં હતા. આ ભેદી અવાજોને અનુસરીને જ પુત્રોની હત્યા કરી છે. સુનિતાની આ આખી વાત પરથી એમ લાગે છે કે તેને સિઝોફ્રેનિયા નામનો માનસિક રોગ થયો હશે.

જો તેની યોગ્ય સમયે મનોચિકિત્સકની સારવાર મળી હોત તો આ કરુણ ઘટના ઘટી ન હોત પણ ભારતમાં માનસિક રોગ અંગેની જાગૃતિ ખૂબ ઓછી છે. WHO  પ્રમાણે ભારતમાં માનસિક રોગોથી પીડાતાં દર્દીઓમાં 80 ટકા જરૂરી સારવાર લેતાં નથી. સિઝોફ્રેનિયાની શરૂઆત 15 થી 30 વર્ષની વચ્ચે સ્ત્રી યા પુરુષ, કોઈ પણને થઇ શકે છે. શરૂઆતમાં મૂડ સ્વીંગ, ચિડીયાપણું, ડીપ્રેશન અને આત્મહત્યાના વિચારો આવે છે. પછી બિહામણાં સ્વપ્નાં અને કાનમાં જાત જાતના અવાજો સંભળાય છે, દર્દી એકલો બેઠા બેઠા બોલ્યા કરે છે, હવામાં ઇશારા કરે છે. અત્યંત આક્રમક બની જાય છે. જો 5-6 માસથી વધુ સમયથી આવાં લક્ષણો દર્દીમાં જોવા મળે તો તેને સિઝોફ્રેનિયાનો માનસિક રોગ છે એમ સમજવું.
યુ.એસ.એ. – ડૉ. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top