હોર્મુઝ સ્ટ્રેટને લઈને વૈશ્વિક ચિંતાઓ વધતી હોવા છતાં, ભારત સરકારે દેશમાં એલપીજી અને અન્ય ઈંધણની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. વધતી માંગને પહોંચી વળવા માટે સરકારે ખાસ કરીને પાંચ કિલોગ્રામના નાના LPG સિલિન્ડર (FTL)ના વેચાણને તેજ કર્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, 23 માર્ચ 2026થી અત્યાર સુધીમાં આશરે 6.6 લાખ નાના સિલિન્ડરો વેચાઈ ચૂક્યા છે. માત્ર 4 એપ્રિલના એક જ દિવસે 90,000થી વધુ સિલિન્ડરનું વેચાણ થયું હતું, જે બતાવે છે કે લોકોમાં તેની માંગ ઝડપથી વધી રહી છે. આ નાના સિલિન્ડરોનો ફાયદો એ છે કે તે બજાર ભાવે મળે છે અને તેને ખરીદવા માટે સરનામાના પુરાવાની જરૂર નથી, જેના કારણે તાત્કાલિક જરૂરિયાત ધરાવતા લોકો માટે તે વધુ સરળ વિકલ્પ બન્યા છે.
સરકારનું કહેવું છે કે દેશમાં LPGની કોઈ અછત નથી. એક જ દિવસે 51 લાખથી વધુ ઘરેલુ સિલિન્ડરોની સપ્લાય કરવામાં આવી હતી અને લગભગ 95 ટકા માંગ ઑનલાઇન બુકિંગ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આથી સપ્લાય ચેઇન મજબૂત હોવાનું સ્પષ્ટ થાય છે. સાથે જ, પ્રશાસને જથ્થાબંધ સંગ્રહ અને કાળાબજારી સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. માર્ચથી અત્યાર સુધીમાં 50,000થી વધુ સિલિન્ડરો જપ્ત કરવામાં આવ્યા છે. LPG વિતરકોને 1,400થી વધુ શો-કૉઝ નોટિસ આપવામાં આવી છે અને 36 ડીલરશિપને સસ્પેન્ડ કરવામાં આવી છે.
સરકારે વ્યાપારી LPGની સપ્લાયને સંકટ પહેલાંના સ્તરના 70 ટકા સુધી મર્યાદિત રાખી છે, જ્યારે ઘરેલુ ઉપયોગ માટે નાના સિલિન્ડરોની ઉપલબ્ધતા વધારી છે, જેથી સામાન્ય લોકો પર ભાર ન પડે. પ્રાકૃતિક ગેસ અંગે પણ સરકારએ ખાતરી આપી છે કે ઘરેલુ અને પરિવહન ક્ષેત્ર માટે પૂરતી સપ્લાય ઉપલબ્ધ છે. ખાતર ઉદ્યોગ માટે ગેસ સપ્લાય 6 એપ્રિલથી સરેરાશ વપરાશના લગભગ 90 ટકા સુધી વધારવામાં આવશે. સરકારે લોકોને ગભરાઈને ખરીદી ન કરવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.