પારડી : પારડીના (Pardi) ઉદવાડા રેંટલાવ માર્ગ ઉપર રિક્ષામાં (Auto) દમણથી (Daman) દારૂનો (Alcohol) જથ્થો ભરી સુરત (Surat) તરફ લઈ જતા એક મહિલા અને રિક્ષાચાલકને પોલીસે (Police) ઝડપી પાડ્યો હતો. જ્યારે બે ઈસમ પોલીસને જોઈ રિક્ષામાંથી ઉતરીને ભાગી છુટ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો આપનાર અને મંગાવનાર સહિત પોલીસે ચારને વોન્ટેડ બતાવ્યા હતા. પોલીસે રૂ. 57,600નો દારૂ સહિત કુલ રૂ.1.07 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો.
રેંટલાવ હનુમાનજી મંદિર પાસે ત્રણ રસ્તા પર વલસાડ એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રિક્ષા આવતા પોલીસે રોકી તપાસ ડ્રાઇવરની સીટ નીચે ચોરખાના તેમજ સીટની પાછળ રેક્ઝિનના થેલામાં દારૂ-વિસ્કીના પાઉચ નંગ 576 જેની કિં.રૂ. 57,600 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા ચાલક મોહમ્મદ આશીફ આમિર શેખ (રહે વાપી) અને રિક્ષામાં બેઠેલી મહિલા ઉર્મિલા શ્યામધર ભગોલ ભારતીય (રહે સુરત પલસાણા)ને ઝડપી પાડી હતી. જ્યારે રિક્ષામાંથી ભાગી છુટેલા ભીમ સરોજ અને મૂછંદર પાંડે તેમજ દમણમાં દારૂનો જથ્થો આપનાર બીપીન પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર રાહુલ યાદવ (રહે સુરત પલસાણા) સહિત ચારને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. પોલીસે રિક્ષા, દારૂનો જથ્થો સહિત કુલ રૂ. 1,07,600 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો તેઓ દમણથી રિક્ષામાં ભરી પારડી હાઇવે તુલસી હોટલ પાસે લાવી હાઇવે પર જતી ટ્રક મારફતે સુરત લઈ જવાના હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું.
દસ્તાન ગામની સીમમાંથી એલસીબીએ ૨.૯૬ લાખનો દારૂ ઝડપી પાડ્યો
પલસાણા : સુરત ગ્રામ્ય એલસીબીએ પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં સંતાડવામાં આવેલો રૂપિયા ૨.૯૬નો દારૂ ઝડપી પાડ્યો હતો. અહીંથી દારૂના જથ્થાનું કાર્ટિંગ થવાનું હોવાની બાતમીના આધારે પોલીસે આ રેઇડ કરી હતી.
મળતી માહીતી અનુસાર સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, કારેલી ગામમાં રહેતો મિહિર મુકેશભાઇ પરમાર તેની ફોર વ્હીલમાં વિદેશી દારૂનો જથ્થો લઇને આવ્યો છએ અને આ જથ્થો તેણે દસ્તાનગામની સીમમાં આવેલી ગૌચરની જમીનમાં સંતાડ્યો છે. તે આ જથ્થો કાર્ટિંગ કરવાની ફિરાકમાં છે પરંતુ તે તેના ગોરખધંધામાં સફળ થાય તે પહેલા જ પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂપિયા ૨,૯૬,૬૦૦ની કિંમતની દારૂ અને બીયરની ૨૯૭૬ બોટલ કબજે કરી દારૂનો જથ્થો સંતાડનાર કારેલીના મિહિર પરમારને વોન્ટેડ જાહેર કર્યો છે.
વલસાડના અતુલ હાઇવે પરથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો
વલસાડ : વલસાડ હાઈવે ઉપર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી બાતમીના આધારે અતુલ પાવર હાઉસ પાસે હાઇવે ઉપર વોચ ગોઠવી હતી. બ્લ્યુ કલરનો નવો થ્રી વ્હિલર ટેમ્પો આવતા ટેમ્પો ચાલકને પોલીસે અટકાવવાનો ઈશારો કરે તે પહેલાં પાર નદીના બ્રિજ પાસે ટેમ્પો ચાલક દારૂના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે ટેમ્પો મૂકી પાર નદી તરફ ભાગવા લાગ્યો હતો. પોલીસે પીછો કરતા ટેમ્પો ચાલક બે વખત પડી પણ ગયો હતો. તેને બંને પગના ગોઠણમાં વાગ્યું હતું. પોલીસે ટેમ્પો ચાલકને ઝડપી ટેમ્પોમાં ચેક કરતા ડ્રાઈવર કેબિનમાં તેની સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી રૂ.64000નો ઇંગ્લિશ દારૂ નંગ 94 મળી આવી હતી. પોલીસે ટેમ્પો મળીને કુલ રૂ.2.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.