ઓસ્ટ્રેલિયામાં હવે 16 વર્ષથી નીચેનાં બાળકો સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરી શકશે નહીં. ખરેખર આજે તો સોશ્યલ મિડિયાના એક માધ્યમ એવા મોબાઇલનાં લોકો જાણે બંધાણી થઇ ગયા છે. યોગ્ય વિવેકબુદ્ધિયુકત ઉપયોગ જ્ઞાનની બારી ખોલી નાંખે છે. પણ તેના ગલત ઉપયોગથી વિનાશ સર્જાતાં વાર નથી લાગતી. નજીકના ભૂતકાળમાં જ બની ગયેલી 20 વર્ષની યુવતીને એટલી હદે ફોનની આદત પડી ગયેલી કે તે ગુગલને એક વ્યકિત માની તેની તમામ વાતો માનવા લાગી હતી. ગુગલની લતે યુવતીને એ હદે માનસિક વિકલાંગ બનાવી દીધી હતી કે ‘આવું કરવાની ગુગલ ના પાડે છે!
તેમજ ‘તેવું કરવાનું ગુગલ કહે છે’ જેવા બડબડાટ સતત ઘરમાં કરતી રહેતી હતી. ‘ગુગલ મને ખાવાની ના પાડે છે. કહે છે, મરી જા! અને તે મરી ગઇ. આવા કિસ્સા માટે આપણે કોને દોષિત ઠેરવીશું? નાની વયમાં હાથમાં મોબાઇલ પકડાવી દેનાર મા-બાપ, સંતાન કે ખુદ મોબાઇલ? આજે બે-ત્રણ વર્ષના બાળકને હાથમાં મોબાઇલ પકડાવી પોતાના કામમાં વ્યસ્ત રહેતાં મા-બાપ તથા યુવાન વયે સંતાનો મોબાઇલમાં શું કરે છે, તે વિશે અજાણ મા-બાપો માટે આવા કિસ્સા લાલબત્તી સમાન છે. ઓસ્ટ્રેલિયા જેવા દેશના આ સ્તુત્ય પગલાને આપણો દેશ ન અનુસરી શકે?
સુરત- કલ્પના વિનોદ બામણિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મગફળીની જંગી આવક થતાં સીંગતેલના ભાવ ઘટશે
રાજકોટ-જુનાગઢ, ગોંડલ, પોરબંદર, જામનગર જેવા અનેક માર્કેટ યાર્ડોમાં મગફળીની આવક જંગી પ્રમાણમાં શરૂ થઇ છે. મગફળીમાંથી આવક શરૂ થતાં માર્કેટ યાર્ડ બહાર 5 થી 8 કિલોમીટર સુધી મગફળીના વેચાણ માટે વાહનોની લાંબી લાઇન જોવા મળે છે. ઘણા યાર્ડમાં કામચલાઉ ખરીદી બંધ કરવાની નોબત આવે છે. એક કાચી ગણતરી પ્રમાણે 50 કિલો મગફળીમાંથી 15 કિલો સીંગતેલ નીકળે છે અને મગફળીના 20 કિલોના ભાવ લગભગ 800થી 1000નો ભાવ ગણીએ તો પણ સીંગતેલના 15 કિલોના રૂા. 2500થી અંદર પડે છે. જયારે આજે પ્યોર 15 કિલો સીંગતેલનો ડબ્બો રૂા. 3000ની આસપાસ ચાલે છે. મારો કહેવાનો આશય છે કે મગફળીની અછત હોય, માલ ધોવાઇ ગયો હોય ત્યારે સીંગતેલના ડબ્બા પર રૂા. 100 વધી જાય છે અને ફરસાણવાળા આનો લાભ લઇ કિલોના ફરસાણ પર રૂા. 50 વધારી દે છે. હવે સવાલ એ પેદા થાય કે સીંગતેલમાં તથા ફરસાણવાળા કેટલો ભાવઘટાડો કરે છે.
સુરત – મહેશ આઇ. ડોકટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.