ઓસ્ટ્રેલિયન ટીમને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં ભારત સામે 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઇનલમાં મળેલી હાર બાદ કેપ્ટન સ્ટીવ સ્મિથે હવે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે, સ્મિથ ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.
આ નિર્ણય કદાચ લોસ એન્જલસમાં યોજાનારી આગામી ઓલિમ્પિક રમતોનો ભાગ બનવાની તેમની ઇચ્છાને દર્શાવે છે. સ્ટીવ 2015 અને 2023 ODI વર્લ્ડ કપ જીતનાર કાંગારૂ ટીમનો સભ્ય રહી ચૂક્યો છે.
ભારત સામેની હાર બાદ 35 વર્ષીય સ્ટીવ સ્મિથે પોતાના સાથી ખેલાડીઓને આ નિર્ણયની જાણ કરી હતી. સ્મિથે કહ્યું, એવું લાગે છે કે હવે નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે. તે એક અદ્ભુત સફર હતી અને મેં દરેક મિનિટનો આનંદ માણ્યો. ઘણી બધી અદ્ભુત ક્ષણો અને અદ્ભુત યાદો છે. બે વર્લ્ડ કપ જીતવા એ એક મોટી સિદ્ધિ હતી. આ યાત્રામાં ઘણા અદ્ભુત સાથીઓએ પણ ભાગ લીધો. 2027 ના ODI વર્લ્ડ કપની તૈયારી શરૂ કરવાની હવે એક શ્રેષ્ઠ તક છે. તેથી આ યોગ્ય સમય લાગે છે.
પેટ કમિન્સની ઈજાને કારણે સ્ટીવ સ્મિથ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યો હતો. સેમિફાઇનલમાં હાર બાદ સ્મિથે કહ્યું હતું કે તે મુશ્કેલ વિકેટ હતી અને બેટિંગની સ્થિતિ સરળ નહોતી. સ્મિથનું માનવું હતું કે જો તેની ટીમે 280 થી વધુ રન બનાવ્યા હોત તો મેચનું પરિણામ અલગ હોત.
સ્મિથનો ODI રેકોર્ડ
સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે 170 ODI મેચ રમી છે, જેમાં તેણે 43.28 ની સરેરાશ અને 86.96 ના સ્ટ્રાઇક રેટથી 5800 રન બનાવ્યા છે. જેમાં 12 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે. સ્ટીવ સ્મિથનો વનડેમાં સર્વોચ્ચ સ્કોર 164 રન છે, જે 2016માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ન્યુઝીલેન્ડ સામે બનાવ્યો હતો. સ્મિથે વન-ડેમાં 28 વિકેટ પણ લીધી છે.
