Sports

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, માત્ર T20 રમશે

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આજે તા. 2 જૂનને સોમવારના રોજ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મેક્સવેલ 2015 અને 2023 માં ODI વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો. મેક્સવેલે આ નિર્ણય ખાસ કરીને 2026 માં યોજાનારા T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લીધો છે, જેમાં તે ઓસ્ટ્રેલિયા માટે ખિતાબ જીતવા માંગે છે.

36 વર્ષીય ગ્લેન મેક્સવેલે ફાઇનલ વર્ડ પોડકાસ્ટમાં પોતાની વનડે નિવૃત્તિ અંગે કહ્યું, મેં સિલેક્ટર્સ સાથે વનડે વર્લ્ડ કપ 2027 વિશે વાત કરી હતી. મેં કહ્યું હતું કે મને નથી લાગતું કે હું તેમાં રમી શકીશ. હું ફક્ત થોડી શ્રેણીઓ સુધી મર્યાદિત રહેવા માંગતો ન હતો અને મારા પોતાના સ્વાર્થી કારણોસર રમવા માંગતો ન હતો.

ગ્લેન મેક્સવેલ કહે છે, શરૂઆતમાં મને અણધારી રીતે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. તે સમયે હું ફક્ત થોડી મેચ રમવા માટે ઉત્સાહિત હતો. પછી કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવ્યા. ટીમમાંથી બહાર થવું, વાપસી કરવી, વર્લ્ડ કપ રમવું અને કેટલીક મહાન ટીમોનો ભાગ બનવું. મને લાગવા લાગ્યું કે મારા શરીરનો પ્રતિભાવ હવે ટીમ માટે યોગ્ય નથી. મેં જ્યોર્જ બેઈલી (મુખ્ય પસંદગીકાર) સાથે વાત કરી અને પૂછ્યું કે તેમને શું લાગે છે કે આગળ શું થશે. ટીમ સ્પષ્ટ દિશામાં આગળ વધી રહી છે અને આ નિર્ણય તેમને આગામી વર્લ્ડ કપ પહેલા યોગ્ય કોમ્બિનેશન શોધવામાં મદદ કરશે.

વર્લ્ડ કપમાં મેક્સવેલની યાદગાર ઇનિંગ્સ
જમણા હાથના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે 149 વનડેમાં 33.81 ની સરેરાશથી 3990 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેણે 4 સદી અને 23 અડધી સદી ફટકારી અને તેનો સ્ટ્રાઇક રેટ 1226.70 રહ્યો. મેક્સવેલે વનડેમાં 47.32 ની સરેરાશથી 77 વિકેટ પણ લીધી હતી. મેક્સવેલે વન ડે ઇન્ટરનેશનલમાં એવી ઇનિંગ રમી જે હંમેશા યાદ રહેશે. 2023 ના ODI વર્લ્ડ કપમાં જ્યારે વાનખેડે સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટે 91 રન હતો, ત્યારે મેક્સવેલે જવાબદારી સંભાળી અને સંપૂર્ણ ફિટ ન હોવા છતાં એક અદ્ભુત ઇનિંગ રમી કાંગારૂ ટીમને યાદગાર વિજય અપાવ્યો હતો. મેક્સવેલે તે મેચમાં 128 બોલમાં 201* રન બનાવ્યા હતા, જેમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થતો હતો. ત્યારબાદ મેક્સવેલે કેપ્ટન પેટ કમિન્સ (12) સાથે આઠમી વિકેટ માટે 202 રનની ભાગીદારી કરી અને ટીમને 292 રનના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી હતી. બાદમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને ODI વર્લ્ડ કપ 2023 જીત્યો.

Most Popular

To Top