ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે વન ડે ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સ્ટોઈનિસે ગુરુવારે તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી. સ્ટોઇનિસને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, હવે તે આ ટુર્નામેન્ટમાં રમશે નહીં. ઓસ્ટ્રેલિયા માટે આ એક મોટો ફટકો છે કારણ કે મિશેલ માર્શ ઈજાના કારણે પહેલાથી જ બહાર છે, જ્યારે કેપ્ટન પેટ કમિન્સ પણ રમે તેવી શક્યતા નથી.
નિવૃત્તિની જાહેરાત કરતી વખતે સ્ટોઇનિસ ભાવુક થયો
35 વર્ષીય સ્ટોઇનિસે તાજેતરમાં SAT20 માં ભાગ લીધો હતો અને ડર્બન સુપરજાયન્ટ્સ માટે રમ્યો હતો. જોકે, ટુર્નામેન્ટ દરમિયાન તે ઇજાઓ સામે ઝઝૂમતો રહ્યો અને તેને હેમસ્ટ્રિંગની ઇજા થઈ. આ કારણે તે બોલિંગ કરી શક્યો નહીં. પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા સ્ટોઇનિસે કહ્યું, ઓસ્ટ્રેલિયા માટે ODI ક્રિકેટ રમવાની સફર અદ્ભુત રહી છે. ઓસ્ટ્રેલિયન જર્સીમાં વિતાવેલી દરેક ક્ષણ માટે હું આભારી છું. મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ એવી વાત છે જે હું હંમેશા યાદ રાખીશ.
પાકિસ્તાનમાં ટીમનું નેતૃત્વ કર્યું
સ્ટોઇનિસે કહ્યું આ એક સરળ નિર્ણય નહોતો પરંતુ મારું માનવું છે કે મારા માટે વનડેમાંથી સંન્યાસ લેવાનો અને મારી કારકિર્દીના આગામી પ્રકરણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો આ યોગ્ય સમય છે. મારા કોચ મેકડોનાલ્ડ્સ સાથે ખૂબ જ સારા સંબંધો છે અને હું તેમના સમર્થનની ખૂબ પ્રશંસા કરું છું. હું પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ઉત્સાહ વધારીશ. શ્રીલંકા સામેની એકમાત્ર વનડે માટે સ્ટોઇનિસનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
મેકડોનાલ્ડે સ્ટોઈનિસની પ્રશંસા કરી
કોચ મેકડોનાલ્ડે સ્ટોઈનિસની પ્રશંસા કરી. તેમણે કહ્યું, સ્ટોઇનિસ છેલ્લા દાયકાથી ઓસ્ટ્રેલિયાના ODI સેટઅપનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. તે માત્ર એક અમૂલ્ય ખેલાડી જ નથી, પરંતુ તે જૂથમાં રાખવા માટે એક અદ્ભુત વ્યક્તિ પણ છે. તે એક કુદરતી નેતા, અપવાદરૂપે લોકપ્રિય ખેલાડી અને એક મહાન માનવી છે. તેની ODI કારકિર્દી અને તેની બધી સિદ્ધિઓ માટે તેને અભિનંદન આપવા જોઈએ.
સ્ટોઇનિસે 2015 માં ડેબ્યુ કર્યું હતું
માર્કસ સ્ટોઈનિસે વર્ષ 2015માં ઇંગ્લેન્ડ સામે ODI ડેબ્યૂ કર્યું હતું. જોકે, જાન્યુઆરી 2017 માં ન્યુઝીલેન્ડ સામે પોતાની બીજી ODI રમવા માટે તેને 16 મહિના રાહ જોવી પડી હતી. બીજી વનડેથી સ્ટોઇનિસે આ ફોર્મેટમાં પોતાની છાપ બનાવવાનું શરૂ કર્યું.
તેણે ઇડન પાર્ક ખાતે સાતમા નંબરે બેટિંગ કરતી વખતે 117 બોલમાં અણનમ 146 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડ સામે વિજય અપાવવાની લગભગ તૈયારી કરી લીધી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ છ રનથી જીત મેળવવામાં સફળ રહ્યું. તેના પ્રભાવશાળી ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેને તેની બીજી ગેમમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. ૧૪૬ રન બનાવવા ઉપરાંત, સ્ટોઇનિસે ૧૦ ઓવરમાં ૪૯ રન આપીને ત્રણ વિકેટ લીધી.
સ્ટોઇનિસે 71 વનડે રમી
સ્ટોઇનિસે 71 વનડેમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 26.69 ની સરેરાશથી એક સદી અને છ અડધી સદીની મદદથી 1495 રન બનાવ્યા છે. તેણે 48 વિકેટ પણ લીધી, જેમાં તેનો શ્રેષ્ઠ આંકડો 16 રનમાં 3 વિકેટનો હતો. આ ઓલરાઉન્ડર 2023 ના ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની વિશ્વ વિજેતા ટીમનો ભાગ હતો.
તેમને 2018-19માં તેમના દેશના ODI ક્રિકેટર ઓફ ધ યર તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. શ્રીલંકા સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીના સમાપન પછી રાષ્ટ્રીય પસંદગી પેનલ (NSP) ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્ટોઈનિસના સ્થાને ખેલાડીની જાહેરાત કરશે.
