Sports

T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત, આ IPL સ્ટારને નહીં મળી તક

નવી દિલ્હી: : ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ભારત અને અફઘાનિસ્તાન બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાતથી ક્રિકેટ ચાહકો ચોંકી ઉઠ્યા છે. ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોએ અનેક મોટા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું નથી. સિલેક્ટર્સે ટી-20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ મિશેલ માર્શને સોંપ્યું છે.

ઓસ્ટ્રેલિયાએ આજે તા. 1 મે 2024ના રોજ T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. સિલેક્ટર્સે 15 સભ્યોની ટીમમાંથી ઘણા મોટા ખેલાડીઓને ટીમમાં નહીં સમાવી સાહસિક નિર્ણય લીધો છે. સિલેક્ટર્સે અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથ, અનુભવી સીમર જેસન બેહરેનડોર્ફ અને ઓલરાઉન્ડર મેટ શોર્ટને પણ ટીમમાં સ્થાન આપ્યું નથી. યુવા જેક ફ્રેઝર મેકગર્ક પણ આ યાદીમાંથી ગાયબ છે, જેક ફ્રેઝર મેકગર્ક એ જ ખેલાડી છે જે IPLમાં શાનદાર પર્ફોમન્સ કરી રહ્યો છે.

ડાબોડી સ્પિનર ​​એશ્ટન અગર કાંગારૂ ટીમમાં પરત ફર્યો છે. તે 2022માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયેલા છેલ્લાં T20 વર્લ્ડ કપ બાદથી ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટમાં રમ્યો નથી. તેમ છતાં તેને ટીમમાં તક મળી છે. જ્યારે માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ અને કેમેરોન ગ્રીન અને ગ્લેન મેક્સવેલ ઓલરાઉન્ડર વિકલ્પ તરીકે ટીમમાં જોડાયા છે.

મિશેલ માર્શને ટી20ની કેપ્ટનશીપ આપીને તેમને ફુલ ટાઈમ પ્રમોશન આપવામાં આવ્યું છે. માર્શ છેલ્લાં 12 મહિનાથી ઓસ્ટ્રેલિયાની T20I ટીમના વચગાળાના કેપ્ટન તરીકે સેવા આપી રહ્યો છે, જેમાં T20 વર્લ્ડ કપ તેની કેપ્ટન તરીકેની પ્રથમ મોટી ટુર્નામેન્ટ છે. કેપ્ટનશીપ મળ્યા બાદ માર્શે કહ્યું, તમારા દેશ માટે રમવું એ સન્માનની વાત છે, હવે વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરવું એ તેનાથી પણ મોટું સન્માન છે.

જણાવી દઈએ કે ઑસ્ટ્રેલિયા ટુર્નામેન્ટના ગ્રુપ બીમાં છે. તે 5 જૂને બાર્બાડોસમાં ઓમાન સામે તેની પહેલી મેચ રમી T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા અને ઓમાન ઉપરાંત ઇંગ્લેન્ડ, નામિબિયા અને સ્કોટલેન્ડની ટીમ સામેલ છે.

T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની ટીમ: મિચેલ માર્શ (કેપ્ટન), એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.

Most Popular

To Top