પહેલગામમાં આતંકી હુમલા બાદ એશિયા કપમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવી ભારતીય ક્રિકેટ ટીમે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતની આ નીતિનો હવે ઓસ્ટ્રેલિયાએ મજાક ઉડાવ્યો છે. ઓસ્ટ્રેલિયાની સ્પોર્ટ્સ ચેનલે એક પ્રોમો વીડિયો બનાવ્યો, જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ભારતની નો હેન્ડશેક નીતિનો મજાક ઉડાવતા નજરે પડે છે. આ અંગે વિવાદ થતાં સ્પોર્ટ્સ ચેનલે તે વીડિયો હટાવી દીધો છે.
ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ કાયો સ્પોર્ટ્સનો એક પ્રોમો વીડિયો હાલમાં ચર્ચામાં છે. ત્યારબાદ આ વીડિયો ડિલીટ કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેનાથી સોશિયલ મીડિયા પર ભારે વિવાદ થયો છે. તેમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ ભારતની પાકિસ્તાન સાથે હાથ ન મિલાવવાની નીતિની મજાક ઉડાવી હતી.
ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા પ્રમોશનલ હેતુઓ માટે બનાવવામાં આવેલા આ વિડીયોમાં જોશ હેઝલવુડ, ગ્લેન મેક્સવેલ, મિશેલ માર્શ, જેક ફ્રેઝર-મેકગર્ક અને મહિલા ટીમની ખેલાડી ગ્રેસ હેરિસનો સમાવેશ થાય છે.
વિડીયો એન્કર ઇયાન હિગિન્સ દ્વારા કહેવામાં આવે છે કે, “અમે જાણીએ છીએ કે ભારત અમારા દેશમાં આવી રહ્યું છે પરંતુ અમે તેમની એક મોટી નબળાઈ શોધી કાઢી છે.” સહ-યજમાન સેમ પેરી પછી હાથ મિલાવવા માટે ઈશારો કરે છે અને કહે છે, “તેમને પરંપરાગત અભિવાદન (હાથ મિલાવવા) ખાસ પસંદ નથી. તો શા માટે આપણે બોલ ફેંકતા પહેલા તેમને થોડા અસ્વસ્થ ન કરીએ?”
ત્યારબાદ ખેલાડીઓએ પોતાના વૈકલ્પિક શુભેચ્છાઓ દર્શાવી – ગ્લેન મેક્સવેલ અને ફ્રેઝર-મેકગર્કે મુઠ્ઠી મારવાનો પ્રયાસ કર્યો જે ખૂબ જ રમુજી રીતે ખોટો સાબિત થયો. જ્યારે મહિલા ખેલાડીઓ ગ્રેસ હેરિસ અને સોફી મોલિનેક્સે કેટલાક અત્યંત રમુજી છતાં સર્જનાત્મક શુભેચ્છાઓનું અનુકરણ કર્યું.
કેપ્ટન મિશેલ માર્શે “આઈસ કપમાં આંગળી” ના હાવભાવ સૂચવ્યા – જે વર્લ્ડ કપ વિજેતા બેટ્સમેન ટ્રેવિસ હેડ દ્વારા એક ફેમસ સેલિબ્રેશન હતું. મહિલા ટીમની કેપ્ટન એલિસા હીલીએ તેના પ્રખ્યાત “હીલી હેન્ડ્સ” હાવભાવનો ઉલ્લેખ કર્યો, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. જોકે આ વિડીયો હળવા મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર ભારતીય ચાહકોએ તેને અસંવેદનશીલ ગણાવીને ટીકા કરી હતી. વધતા વિરોધ વચ્ચે, કાયો સ્પોર્ટ્સે વિડીયો દૂર કર્યો.
19મીથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે શ્રેણી શરૂ થશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી વ્હાઇટ-બોલ શ્રેણીને લઈને ઉત્સાહ હવે વધી ગયો છે. શુભમન ગિલ આ ત્રણ મેચની ODI અને ત્રણ મેચની T20 શ્રેણીમાં ODI ટીમનું નેતૃત્વ કરશે, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ વાપસી કરશે. સૂર્યકુમાર યાદવ 29 ઓક્ટોબરથી કેનબેરામાં શરૂ થતી T20I શ્રેણીનું નેતૃત્વ કરશે.
નો હેન્ડશેક વિવાદ શું છે?
સૂર્યકુમાર યાદવે એશિયા કપ દરમિયાન પાકિસ્તાન સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે પાછળથી સમજાવ્યું કે આ પગલું પહેલગામ આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે હતું. એશિયા કપમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે વિજય ભારતીય સેનાને સમર્પિત કર્યો. જોકે, પાકિસ્તાને આ વલણને “રાજકીય” ગણાવીને ICC સમક્ષ ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. જવાબમાં ભારતે પાકિસ્તાની ખેલાડીઓ હરિસ રૌફ અને સાહિબજાદા ફરહાન દ્વારા ઉશ્કેરણીજનક ક્રિયાઓ (જેટ ક્રેશિંગ અને રાઇફલ મિમિક્રી) સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.
ટ્રોફી સેરેમેની દરમિયાન ભારતીય ખેલાડીઓએ ACC ચેરમેન અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો ત્યારે વિવાદ વધુ વકર્યો. પરિણામે, કોઈપણ ઔપચારિક સમારંભ વિના ટ્રોફીને સ્ટેજ પરથી દૂર કરવામાં આવી.