Sports

ઓસ્ટ્રેલિયાએ ભારતને આપ્યો 444 રનનો લક્ષ્યાંક

લંડન: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની (WTC) ફાઈનલમાં ઓસ્ટ્રેલિન ટીમે મેચના ચોથા દિવસે શનિવારે પોતાની બીજી ઈનિંગ 8 વિકેટ પર 270 રન પર ડિક્લેર કરી હતી અને ભારતને 444 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 173 રનની મોટી સરસાઈ મેળવી હતી.

  • ઓસ્ટ્રેલિન ટીમે પોતાની બીજી ઈનિંગ 8 વિકેટ પર 270 રન પર ડિક્લેર કરી
  • એલેક્સ કૈરીએ ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ અણનમ 66 રન બનાવ્યા હતા
  • રોહિત શર્મા 43 રન પર અને ચેતેશ્વર પુજારા 23 રન પર રમી રહ્યા હતા

ઓસ્ટ્રેલિયાએ દિવસની શરૂઆત 4 વિકેટ પર 123 રન સાથે કરી હતી ત્યારબાદ તેણે 147 રન ઉમેર્યા અને લન્ચના એક કલાક બાદ ઈનિંગ ડિક્લેર કરી હતી. એલેક્સ કૈરીએ ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ (66 રન અણનમ) રન બનાવ્યા હતા, ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 3 જ્યારે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે 2-2 વિકેટ લીધી હતી.

દિવસના પ્રથમ સત્રમાં ઉમેશ યાદવે માર્નસ લાબુશેનને અને જાડેજાએ કૈમરન ગ્રીનની વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના 6 ખેલાડીઓ 167 રન પર પેવેલિયન જતા રહ્યા હતા ત્યારે કૈરીએ ધૈર્યપૂર્વક રમી 105 બોલ પર અણનમ 66 રન બનાવી સ્ટાર્ક સાથે 93 રનની ભાગીદારી કરી હતી. સ્ટાર્કે 57 બોલ પર 41 રન બનાવ્યા હતા ત્યારે ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટ પર 270 રનના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી હતી.

444 રનનો લક્ષ્યાંક મેળવવા ઉતરેલી ભારતની ટીમને 41ના સ્કોર પર મોટો આંચકો લાગ્યો હતો, સ્કોટ બોલેન્ડે શુભમન ગિલને (18 રન) આઉટ કર્યો હતો. જો કે સ્લિપમાં કેમરન ગ્રીને પકડેલા આ કેચ પર વિવાદ થયો હતો કારણ કે બોલ જમીન સાથે ઘસડાયો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી ભારતે 1 વિકેટ ગુમાવી 90 રન બનાવી લીધા હતા અને દિવસનું ત્રીજું સત્ર ચાલી રહ્યું હતું. રોહિત શર્મા 43 રન પર અને ચેતેશ્વર પુજારા 23 રન પર રમી રહ્યા હતા.

ગિલને ખોટી રીતે આઉટ અપાતા ભારતીય ફેન્સ નારાજ
લંડન: ડબ્લુટીસીની ફાઈનલના ચોથા દિવસે જ્યારે ભારતીય ટીમ બીજી ઈનિંગ રમવા ઉતરી ત્યારે ઓપનર શુભમન ગિલને ખોટી રીતે આઉટ અપાતા ભારતીય ફેન્સ નારાજ થયા હતા અને તેમણે ઓસ્ટ્રેલિયન ટીમ અને ખાસ કરીને કેમરન ગ્રીનનો હુરિયો બોલાવ્યો હતો. ભારતીય ટીમનો સ્કોર 41 રન હતો ત્યારે ગ્રીને ગિલનો કેચ પકડયો હતો અને નરી આંખે જોઈ શકાતું હતું કે બોલે જમીનને સ્પર્શ કર્યો હતો. ગ્રીને ડાઈવ મારીને એક હાથે કેચ પકડયો હતો ત્યારબાદ મામલો થર્ડ અમ્પાયર રિચર્ડ કેટલબારો પાસે પહોંચ્યો હતો. રિપ્લેમાં દેખાઈ રહ્યું હતું કે બોલ જમીન પર પણ લાગ્યો છે તો છતાં રિચર્ડે ગિલને આઉટ આપ્યો હતો જેનાથી ગિલ અને રોહિત શર્મા પણ નિરાશ થયો હતો. ગિલ આજે સારું રમી રહ્યો હતો અને રોહિત સાથે તેની ભાગીદારી ઓસ્ટ્રેલિયા માટે જોખમી લાગી રહી હતી.

મેદાન પરના દર્શકોએ ‘ચીટ ચીટ ચીટ’ના સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું ખાસ કરીને જ્યારે ગ્રીન બોલિંગ પર આવતો હતો ત્યારે. સોશિયલ મીડિયા પર પણ આ નિર્ણયની ટીકા થઈ હતી અને હેશટેગ-ગિલ અને નોટ-આઉટ ટ્રેન્ડ થયા હતાં. પૂર્વ સ્પિનર હરભજન સિંહે પણ પોતાની નારાજગી દર્શાવી હતી જ્યારે પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર જસ્ટિન લેન્ગરે પણ ચતુરાઈપૂર્વક સ્વીકાર્યું હતું કે ગિલ નોટ આઉટ હતો.

Most Popular

To Top