ચેન્નાઇ : મિચેલ સ્ટાર્કની આગેવાની હેઠળના ઓસ્ટ્રેલિયન (Australian) ઝડપી બોલિંગ આક્રમણના પડકારનો સામનો કરવા માટે ભારતીય બેટ્સમેનોએ બુધવારે અહીં બપોરે 1.30 વાગ્યાથી શરૂ થનારી અંતિમ નિર્ણાયક વન ડેમાં (One day) પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે અને સંભવત: બધાની નજર સૂર્યકુમાર યાદવ પર રહેવાની સંભાવના છે, જે બંને વન ડેમાં ગોલ્ડન ડક પર આઉટ થયો છે. મિચેલ સ્ટાર્ક જો ભારતીય બેટ્સમેનો માટે માથાનો દુખાવો બન્યો છે તો મિચેલ માર્શના કારણે ભારતીય બોલરો પણ પરેશાન છે. માર્શ બે મેચમાં લગભગ એક ડઝન છગ્ગા મારી ચૂક્યો છે. આ સ્થિતિને ધ્યાને લેતા ભારતીય ટીમનો સૌથી પહેલો એજન્ડા મિચેલ એન્ડ મિચેલ કંપનીને થાળે પાડવાનો રહેશે.
ત્રણ મેચની વન ડે સીરિઝ 1-1ની બરોબરી પર છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગીલ અને સૂર્યકુમાર યાદવની સ્ટાર ચોકડીએ સ્ટાર્કનો સામનો કરવા માટે પોતાના અનુભવને કામે લગાવવો પડશે. તેની સામે ટેક્નીકમાં થોડા ફેરફારની સાથે જ માનસિક મજબૂતાઇથી રમવું પડશે. ભારતમાં મર્યાદિત ઓવરોની મેચ સપાટ વિકેટો પર રમાય છે, જેના પર વધુ ફૂટવર્કની જરૂર હોતી નથી. ભારતીય બેટ્સમેનો ફ્રન્ટફૂટ પર રમીને સારું પ્રદર્શન કરી શકે છે, પણ સ્ટાર્કે બધા સમીકરણ બદલી નાંખ્યા છે. તેના બોલ ક્યાં તો મિડલ સ્ટમ્પ પર હોય છે અથવા તો લેગ મિડલ પર અને બંને મેચમાં ભારતીય બેટ્સમેનો તેના બોલને પારખવામાં થાપ ખાઇ ગયા છે.
ભારતીય ટીમ છ વર્ષ પછી ચેન્નાઇના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે રમશે
ભારતીય ટીમ છ વર્ષ પછી ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે મેદાને ઉતરશે. બંને ટીમ વચ્ચે અહીં બે વન ડે રમાઇ છે, જેમાંથી પહેલી મેચ 1987માં રમાઇ હતી, જેમાં ઓસ્ટ્રેલિયા 1 રને જીત્યું હતું. તે પછી બીજી વન ડે 2017માં રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે 26 રને જીત મેળવી હતી. એ વન ડે ભારતીય ટીમે હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી જીતી હતી. હાર્દિકે66 બોલમાં 83 રનની ઇનિંગ રમવા ઉપરાંત બોલિંગમાં 28 રન આપીને 2 વિકેટ ખેરવી હતી.
ચેન્નાઇમાં ભારતે રમેલી 13 વન ડેમાંથી સાત જીતી છે જ્યારે પાંચ હારી છે
ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારતીય ટીમે અત્યાર સુધીમાં કુલ 13 વન ડે રમી છે, જેમાંથી સાતમાં જીત અને પાંચમાં હાર મળી છે અને એક મેચનું પરિણામ નથી આવ્યું. ભારતીય ટીમ અહીં છેલ્લે 2019માં વેસ્ટઇન્ડિઝ સામે રમી હતી અને તેમાં ટીમ ઇન્ડિયાએ 8 વિકેટે જીત મેળવી હતી.
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ
ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં જે ટીમ ટોસ જીતે છે, તેનું પ્રભુત્વ રહે છે. અહીં ટોસ જીતનારી ટીમે 15 મેચ જીતી છે તો ટોસ હારનારી ટીમને માત્ર છ મેચમાં જીત મળી છે. જો કે નવી બનાવાયેલી પીચનું વલણ શું રહે છે તે અગત્યનું બની રહેવાની સંભાવના છે.