Gujarat

વડોદરાના યુવકનું ગામના સરપંચ બનવાનું સપનું ઓસ્ટ્રેલિયાના લોકસભાના સભ્ય બની પૂર્ણ થશે

શિનોર: વડોદરા (Vadodara) જિલ્લાના શિનોર તાલુકાના કુકસ ગામનો યુવાન મનીષ જશભાઈ પટેલ નાનપણથી જ ગામના સરપંચ બનવાની ઇચ્છા ધરાવતો હતો. મનીષ B.S.C.નો અભ્યાસ ભારતમાં પૂર્ણ કરી વર્ષ 2007માં ઓસ્ટ્રેલિયા (Australia) સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો. ઓસ્ટ્રેલિયા જઈને પણ મનીષે માતાપિતાના સંસ્કાર, ધાર્મિકતા, આધ્યાત્મિકતા તથા સેવાકીય પ્રવૃત્તિ ત્યાં ચાલુ રાખી હતી. સમય જતા ઓસ્ટ્રેલિયામાં તેની લોકચાહના વધવા લાગી અને અંતે 2015માં તેને ઓસ્ટ્રેલિયામાં લિબરલ પાર્ટીનો તે સભ્ય બન્યો.

  • મનીષે નાનપણમાં ગામના સરપંચ બનવાનું સપનું જોયું હતું
  • ઓસ્ટ્રેલિયામાં યોજાનાર લોકસભાની ચૂંટણી ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે
  • પસંદગી કરવા માટે પાર્ટીના આગેવાએ ત્રણ વખત વન ટુ વન મીટીંગ કરી હતી

વિદેશમાં દેશ એન રાજ્યનું નામ રોશન કર્યું
ઓસ્ટ્રેલિયામાં લિબરલ પાર્ટીમાં પણ પાર્ટીના અગ્રણીઓ દ્વારા મનીષ પટેલની તેના કાર્ય પ્રત્યેનો ઉત્સાહ અને લોકચાહના જોઈ તેને લોકસભાની ચૂંટણીમાં (LokSabha Elections) કોરિયો બેઠકનો ઉમેદવાર તરીકે જાહેર કર્યો હતો. એક ભારતીયની પસંદગી વિદેશની ધરતી પર નાની વયમાં લોકસભાના સભ્ય તરીકે થતાં મનીષ પટેલે તેમના માતા-પિતાનું, ગામનું, જિલ્લાનું, ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશનું નામ રોશન કર્યું છે. મનીષ માત્ર 14 વર્ષના સમયગાળામાં સત્તાધારી પાર્ટીનો સભ્ય બન્યો.

આ રીતે ઉમેદવાર તરીકે પસંદગી થઈ
2 મેના રોજ યોજાનાર ઓસ્ટ્રેલિયામાં લોકસભાની ચૂંટણી 2022માં મનીષને ઓસ્ટ્રેલિયાની લિબરલ પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. આ ટિકિટ એમજ નહીં પરંતુ મનીષને પાર્ટીના આગેવાનો સાથે ત્રણ વખત વન ટુ વન મીટીંગ કરવામાં આવી હતી અને તેમાં પાસ થયા બાદ તેને આ ટિકિટ આપવામાં આવી છે.

ગામનાં લોકો મનીષની ટૂંકાગાળાની આ પ્રગતિ જોઇને અત્યંત ખુશ છે અને ભગવાન પાસે મનીષની જીત થાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. પરિવાર જનોનું એવું પણ કહેવું છે કે આ માટે ગુજરાત સરકારે પણ તેનાથી બનતા પ્રયાસો કરવા જોઈએ. પાટીદાર સમાજનો યુવાન વડોદરા જિલ્લાનું આગવી પ્રતિભા અને ગૌરવ છે. હવે તે ભારત બહાર વિદેશ ઓસ્ટ્રેલિયામાં પોતાનું નામ રોશન કરી રહ્યો છે, તે ભારતના દરેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. પાટીદાર સમાજ સહિત દરેક ભારતીયોએ તેને ઓસ્ટ્રેલિયાની લોકસભામાં ચુંટાઇ આવે તેવી શુભેચ્છા પાઠવી છે.

Most Popular

To Top